Friday, April 17, 2026
HomeGujaratAhmedabadગોપાલના મમ્મી-પપ્પાનું એક નાનકડુ વિશ્વ હતું, પણ ગોપાલ તે વિશ્વને વિશાળ બનાવવા...

ગોપાલના મમ્મી-પપ્પાનું એક નાનકડુ વિશ્વ હતું, પણ ગોપાલ તે વિશ્વને વિશાળ બનાવવા માંગતો હતો

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-5): ગોપાલ પપ્પાની મનોસ્થિતિ સમજી શકતો હતો. તેને પોતાની ઉપર બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો. હવે તેને પોતાને જ લાગતું હતું કે, તેને કોઈ લાઠી આપે તો પોતે જ પોતાની પીઠ ઉપર લાઠીઓ વરસાવે. ગોપાલ ફરી રડી પડ્યો. રડતાં રડતાં તેનું ધ્યાન પેલા આધેડ પોલીસવાળા તરફ ગયું. તે પી.એસ.ઓ. સાથે કંઈક વાત કરી રહ્યા હતા. ગોપાલે બૂમ પાડી, “દાદા… ઓ દાદા…”

દાદાએ પાછા ફરીને જોયું તો ગોપાલે ઇશારો કર્યો અને દાદા લોકઅપ પાસે આવ્યા. ગોપાલે પેલા સ્નેચર્સ સાંભળતા તો નથીને?  તેની ખાતરી કરવા તેમની તરફ જોયું; પછી ધીમા અવાજે કહ્યું, “દાદા, હું બધું જ સાચું કહેવા તૈયાર છું.”

- Advertisement -



દાદા તેની સામે જોતા રહ્યા. તેમના ચહેરા ઉપર એક આછું સ્મિત આવી ગયું. પણ તે સ્મિત છૂપાવીને માત્ર એટલું જ બોલ્યા, “સારું.”

પણ દાદા મનમાં ખુશ હતા. કારણ કે તેમનો દાવ સફળ થયો હતો. પોલીસના મારથી નહીં તૂટતા આરોપીઓને તેમણે પરિવાર સામે તૂટતા જોયા હતા. એટલે તે ઇરાદાપૂર્વક ગોપાલના મમ્મી, પપ્પા અને નિશીને લઈ આવ્યા હતા. ગોપાલ ઉત્તરની રાહ જોઈ રહ્યો હતો. દાદાએ વિચાર કરી ઘડિયાળ સામે જોયું અને કહ્યું, “ચૌધરી સાહેબ નાઇટ કરીને ગયા છે. બપોરના 12-1 સુધી આવશે. પછી તને બોલાવીએ.”

- Advertisement -


ગોપાલને પહેલી વખત ખબર પડી કે, રાત્રે જે સાહેબ ફટકારી રહ્યા હતા; તે ચૌધરી સાહેબ હતા. ગુનો કબૂલ કરવાનો નિર્ણય કરતાં જ ગોપાલને લાગ્યું કે, માથા ઉપર રહેલો હજાર મણનો પથ્થર હટી ગયો! જતી વખતે દાદાએ પી.એસ.ઓ.ના ટેબલ પાસે ઊભા રહેલા પોલીસવાળાને સૂચના આપી, “આ છોકરાને કંઈ જોઈએ તો ધ્યાન આપજો.”

- Advertisement -



ત્યારે ત્યાં પેલો જે પોલીસવાળો ઊભો હતો તેણે કહ્યું, “દાદા, તમારે કહેવું ન પડે.  આપણી નોકરી હોય ત્યારે બધા સાથે સમભાવ. પોલીસ હોય કે ગુનેગાર.” આ એ જ પોલીસવાળો હતો, જેણે ગઈકાલે ગોપાલને મસાલો ખવડાવ્યો હતો. દાદા તેની વાત સાંભળી હસી પડ્યા. ગોપાલના ચહેરા પર પણ પહેલી વખત સ્મિત આવ્યું.

ગોપાલને એકદમ પોતાનું અમદાવાદનું જૂનું ઘર યાદ આવી ગયું. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં તેનું ઘર. ત્યાં જ તેનો જન્મ થયો હતો. એક મોટી બહેન પછી બે વર્ષે ગોપાલનો જન્મ થયો હતો. ઘર નાનું હતું, પણ આનંદ ઠાંસી ઠાંસીને ભર્યો હતો. ગરીબીમાં બીજો અભાવ હતો, પણ એકબીજાને સાચવી લેવાની પરિવારમાં સમજ હતી. વૃદ્ધ દાદી, મમ્મી-પપ્પા, મોટી બહેન અને બે કાકાનો પરિવાર હતો.


પપ્પા ઘરમાં સૌથી મોટા હતા. જેના કારણે શિક્ષણ તેમના ભાગે આવ્યું જ નહીં. પણ શિક્ષણના અભાવે જિંદગી જીવવાની કળા બરાબર સમજાઈ ગઈ હતી. ગોપાલના પપ્પાને પસ્તીનો ધંધો હતો. રોજ સવાર પડે લારી લઈ સોસાયટીઓમાં નીકળી પડતા. પપ્પાનો આગ્રહ હતો કે, પોતાને ભણવાનો અવકાશ મળ્યો નહીં, પણ પોતાના સંતાનો પગભર થાય એટલું તો જરૂર ભણે. મમ્મી મૂળ ઉમરેઠની, લગ્ન કરીને આવી ત્યારથી સંકડામણમાં. પણ તેણે બધાને સંભાળી લીધાં. ક્યારેય કોઈ ફરિયાદ નહીં, ટંટો નહીં.

દાદીનું કામ બહુ ચીવટ ભર્યું. મમ્મી કામ કરતી હોય ત્યારે દાદીની નજર મમ્મી તરફ જ હોય. અને સૂચના આપવા માટે તેમની જીભ તો સતત ચાલતી જ હોય. પણ મમ્મીએ ક્યારેય દાદીને સામો જવાબ પણ આપ્યો નથી. તેના મોઢામાંથી હંમેશા એક જ જવાબ નીકળતો “જી બા.”



ઘરની નજીક જ ગોપાલની સ્કૂલ હતી. સ્કૂલની નજીકમાં આવેલા વડના ઝાડ પાસે મંદિર હતું. રોજ બપોરે રિસેસ પડે એટલે ગોપાલ સ્કૂલેથી દોડતો મંદિરે પહોચી જતો. ત્યાં દાદી અને દાદીની મંડળી ભજન કરતી હોય. ગોપાલ દાદી પાસે જાય એટલે દાદી ભજનને વિરામ આપી કહેતાં, “લુચ્ચો આવી ગયો.”

ગોપાલ દાદી સામે કંઈક અપેક્ષાની નજરે જોતો, દાદી પોતાની સાડીના પાલવમાં બાંધેલા પૈસામાંથી એક-એક રૂપિયો કાઢતી ને ગોપાલના હાથમાં મુકતી. ગોપાલ ઊભો થાય કે તરત કહેતી, “એક રૂપિયો મોટીને આપજે.”

દાદી ગોપાલની મોટી બહેનને મોટી કહેતાં. એટલે બહેનનું નામ શ્વેતા હોવા છતાં ઘરમાં તેને બધાં જ મોટી કહેતાં. ગોપાલ દોડતો સ્કૂલની બહાર ઊભી રહેતી લારી ઉપર પહોંચી જતો. કોઠું, બોર, ચણા જેવું કંઈક ખાતો. ઘરનો આર્થિક કારોબાર હજી દાદીએ પોતાની પાસે રાખ્યો હતો. પપ્પા રોજની કમાણી દાદીના હાથમાં જ મૂકતા. મમ્મીને પણ ઘરને સામાન લાવવા માટે દાદી પાસેથી પૈસા લેવા પડતા.



ગોપાલ રોજ જોતો કે, પપ્પા પાછા આવે ત્યારે થાકીને લોથપોથ થઈ ગયા હોય. ગોપાલને કાયમ વિચાર આવતો કે, પોતે ભણીને મોટો થશે; પછી પપ્પાને લારી ચલાવવી નહીં પડે. ગોપાલ જ્યારે પણ ઘરેથી નીકળતો ત્યારે રસ્તા પરની દુકાનો જોતો. એને થતું કે, મારા પપ્પા પાસે પણ આવી દુકાન હોય તો કેવું સારું! તેની કલ્પના સાચી પણ પડી. ઉનાળાની સીઝનમાં બધા ફળિયામાં બહાર જ ઊંઘતા હતાં. પાડોશીઓ પણ પોતાના ખાટલા બહાર ઢાળતાં. એક દિવસ એના પપ્પા પડોશમાં રહેતા કાકા સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે પાડોશીએ કહ્યું, “ક્યાં સુધી આ રીતે લારી ખેંચશો, બીજા કંઈક ધંધાનો વિચાર કરો.”


પપ્પાએ કહ્યું, “ભાઈ, આપણી પાસે મૂડી અને જગ્યા ક્યાં છે?”

તરત પેલા કાકાએ કહ્યું મૂડીની તો ખબર નથી; પણ આપણા મિત્ર ચતુરભાઈની ચોકમાં દુકાન છે તે ખાલી છે. એ મને કહેતા હતા, દુકાન ભાડે આપવાની છે.”



પપ્પા વિચાર કરવા લાગ્યા. પપ્પાએ પૂછ્યું, “ભાડું કેટલું છે?”

કાકાએ કહ્યું, “હજાર કહે છે, પણ આપણે વાત કરીશું તો સો-બસો ઓછા કરશે.”

તે રાત્રે દુકાનના વિચારોમાં પપ્પાને આખી રાત ઊંઘ આવી નહીં. ઘરમાં નિયમ હતો કે, કોઈપણ નવો નિર્ણય કરવાનો હોય; તો દાદીની મંજૂરી અચૂક લેવાની જ.


સવારે પપ્પાએ દાદીને આખી વાત કરી. દાદી માળા કરી રહ્યાં હતાં. પહેલાં તો તે કંઈ બોલ્યા નહીં, પણ માળાનું ફૂમતું તેમનાં હાથે અડતા જ; માળા આંખને અડાડી માળાની થેલીમાં પાછી મૂકતાં પૂછ્યું, “ધંધો શેનો કરીશ?”

પપ્પાએ રાત્રે જ તેનો વિચાર કર્યો હતો, એટલે તરત જવાબ આપ્યો, “બા, રેડીમેડ કપડાંનો. આપણાં રખિયાલમાં કોઈ દુકાન નથી. લોકો કપડાં લેવા સિટીમાં જાય છે.”

બા ગંભીરતાપૂર્વક વિચાર કરવા લાગ્યાં. તેમને પપ્પાની વાતમાં દમ લાગ્યો હોય તેવું તેમના ચહેરા પરથી જણાતું હતું. પપ્પાએ પોતાના પક્ષમાં વધુ લોકોને સામેલ કરવા મમ્મીને પૂછ્યું, “તને શું લાગે છે?”



મમ્મીએ કાયમ મુજબ જવાબ આપ્યો, “તમને ઠીક લાગે તેવું કરો. હું તમારી સાથે જ છું.”

મમ્મી ક્યારેય પોતાનો મત કહેતી નહોતી. કાયમ તેનો આ જ જવાબ રહેતો. બાએ છેલ્લો સવાલ પૂછ્યો “ધંધો કરવા માટે પૈસા છે?”

પપ્પા ચૂપ થઈ ગયા. મમ્મી પાસે તો પૈસા હોવાનો સવાલ જ નહોતો. પપ્પા પાસે પણ તેવી કોઈ વ્યવસ્થા તો નહોતી જ. છતાં તેમણે કહ્યું, “મારા બે ત્રણ મિત્રો મદદ કરશે.”


બાએ પપ્પા સામે જોયું અને પછી તરત પોતાના ગળામાં રહેલી સોનાની થોડીક જાડી કહી શકાય એવી સોનાની ચેઇન કાઢી. પપ્પાના હાથમાં મૂકતાં કહ્યું, “મારાં લગ્ન વખતે પિયરથી લાવી હતી. વેચી નાખ.”

પપ્પા અને મમ્મી સ્તબ્ધ થઈ ગયાં. મમ્મીએ તરત કહ્યું, “બા, સોનુ વેચીને ધંધો થોડો કરાય!”



દાદીએ મમ્મી સામે જોયું. દાદીને લાગ્યું કે, મમ્મી તેનો આદેશ ઉથાપી રહી છે. મમ્મી કંઈ જ બોલી શકી નહીં અને પપ્પાની નાનકડી કપડાંની દુકાન મહિનામાં જ શરૂ થઈ ગઈ.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular