ડિજિટલ પ્લૅટફૉર્મ પર આજે વિકલ્પોની ભરમાર છે; તેમાં પણ ન્યૂઝ પૉર્ટલોમાં વિશ્વનાં માતબર અખબારોથી માંડીને સ્થાનિક સ્તરે પ્રાદેશિક અખબારોની મોજૂદગી છે. આંગળીના ટેરવે ઉપલબ્ધ થયેલું આ ખબરીવિશ્વ વચ્ચે જ્યારે ‘નવજીવન’ (Navajivan) નામે અમે નવું સાહસ કરવાનું વિચાર્યું ત્યારે ન્યૂઝની તડાફડીમાં સામેલ ન થવાનું નક્કી કર્યું. આ માપદંડથી પ્રચલિત ન્યૂઝ પૉર્ટલના ખ્યાલને બાજુએ રાખ્યો અને ન્યૂઝમાં જ આવતી જીવનલક્ષી અને માનવીય અભિગમને ઉજાગર કરતી કથાવસ્તુને વાચકો સામે મૂકવાની અગ્રિમતા રાખી. હાલના સમયમાં ઝડપથી વાચક સામે બધું પીરસવાની દોડમાં કેટલીક એવી સ્ટોરી નજર સમક્ષથી ચૂકી જવાય છે જે ખરેખર આપણા માટે સાર્થક અને ઉપયોગી હોય. નવજીવનના આ પૉર્ટલ થકી અમે એવી જ સ્ટોરીઓ તમારી સમક્ષ લાવીશું. આ સ્ટોરીઓ સિવાય માનનીય જીવનને બેમિસાલ બનાવતાં અન્ય કન્ટેન્ટ પણ અહીં વાંચવા મળશે.
નવજીવનની (Navajivan)આ વેબસાઇટ સાબરમતી મધ્યસ્થ જેલના બંદીવાનોની અભિવ્યક્તિ માટે પણ પ્લૅટફૉર્મ પૂરું પાડશે. નવજીવન ટ્રસ્ટ અંતર્ગત સંચાલિત સ્કૂલ ઑફ જર્નાલિઝમના વિદ્યાર્થીઓને પણ અહીંયાં રજૂઆત માટે મોકળાશ મળશે.