Thursday, September 3, 2026
HomeGeneralમેં કહ્યું અમે પણ તારી સાથે સાત ફેરા ફરીશું આપણે દરેક ફેરામાં...

મેં કહ્યું અમે પણ તારી સાથે સાત ફેરા ફરીશું આપણે દરેક ફેરામાં આપીશું એક વચન

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): તેનું નમ ભૂમિ પટેલ, તે મારા દિકરા આકાશ સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, તેમની મિત્રતા આગળ વધી અને તેમણે જીવનભર મિત્ર બની સાથે રહેવાનો નિર્ણય કર્યો, હવે ભૂમિ અમારા જીવન અને પરિવારનું એવું પાત્ર બની ગઈ છે કે અમને તેના વગર ચાલે તેમ નથી, આકાશનો તેની તરફનો લગાવ તો સ્વભાવીક છે, પણ મારા સહિત મારી પત્ની શિવાની અને દીકરી પ્રાર્થનાના જીવનનો પણ તે હિસ્સો બની ગઈ છે, આકાશના જન્મ પહેલા અમારી ઈચ્છા હતી અમારે એક દીકરી હોય, પણ પહેલા આકાશ આવ્યો, અમે ઈશ્વરને પ્રાર્થના કરી અમારે એક દીકરી જોઈએ છે, જે ખાસ કરી મને વઢી શકે અને મારા માટે શિવાની સાથે ઝઘડી શકે અને ઈશ્વરે અમારી પ્રાર્થના સાંભળી અને અમારા ઘરે પ્રાર્થના આવી.



ઘરમાં દીકરીનું હોવું ઈશ્વરનો સૌથી મોટો આશીર્વાદ છે, અમને લાગે છે કે ઈશ્વરની અમારી ઉપર અસીમ કૃપા થઈ અને અમને બીજી દીકરી ભૂમિ આપી, ભૂમિ અમારી લાડકી છે, મેં ભૂમિને કહ્યું માત્ર તે અને આકાશે સાથે રહેવાનો નિર્ણય કર્યો નથી, અમે પણ તારી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે કારણ હવે અમને તારા વગર ચાલે તેમ નથી. હિન્દુ વિધી પ્રમાણે છોકરો અને છોકરી સાત ફેરા સાથે ફરી સાત જન્મ સાથે રહેવાનું વચન આપે છે, પણ મેં કહ્યું હું, શિવાની અને પ્રાર્થના પણ તારી સાથે સાત ફેરા ફરીશું પહેલા ફેરામાં અમે તને કહીશું કે અમે તને ખુબ પ્રેમ કરીએ છીએ અને જીવનભર પ્રેમ કરવાનું વચન આપી છીએ. બીજા ફેરામાં તું અમને કહીશ તમે બધા જ મારા છો, કોઈ કારણસર મારાથી રીસાઈ જાવ તો યાદ રાખજો હું તમારી જ છું. ત્રીજા ફેરામાં અમે તને ખાતરી આપીશું કે તારા જીવનની પ્રત્યેક ક્ષણમાં અમે બધા જ તારી સાથે છીએ.



ચોથા ફેરામાં તું અમને કહીશ મારે મન સુખ એટલે તમે જ છો, પાંચમાં ફેરામાં અમે તને કહીશું તું જેવી છે તેવી અમારી છે, છઠ્ઠા ફેરામાં આપણે સાથે કહીશું આપણે એક સારા માણસ થવા માટે સાથે મળ્યા છીએ, સાતમાં ફેરામાં આપણે ઈશ્વરની સાક્ષીએ કહીશું અને માંગીશું તારા વિશ્વને વધુ સારૂ બનાવવા અમને નિમિત્ત બનાવજે, મેં ભૂમિને કહ્યું લગ્ન એટલે માત્ર બે વ્યકિત નહીં બે પરિવાર એક થવાની ઘટના છે, ભૂમિ અમારે ઘરે આવી ત્યારે શિવાનીએ પહેલી જ મુલાકાતમાં તું મને તમે કહી સંબોધન કરીશ નહીં કારણ તારી મમ્મીને જો તુકારે બોલાવે છે તો મને તમે કહેવાની જરૂર નથી, તેની સાથે અમે ભૂમિને કહ્યું તારા મમ્મી-પપ્પાના ઘરની આદત પણ બદલવાની જરૂર નથી તું જેવી જ છે તેવી જ રહેજે.. અમારી પાસે એક પ્રાર્થના હતી, જે અમારી સાથે ઝઘડે, લડે, રીસાય અને સોરી કહ્યા વગર ફરી વાત કરવા લાગે, હવે અમે આ અધિકારી ભૂમિને પણ આપીશું.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular