All-Party Meeting NCPI: સંસદના ચોમાસુ સત્ર (Monsoon Session) પૂર્વે કેન્દ્ર સરકારે રવિવારે યોજાનારી સર્વપક્ષીય બેઠક (All-Party Meeting) માટે નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)ને આમંત્રણ આપ્યું છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ (Om Birla) તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને NCPIમાં જોડાયેલા 20 સાંસદો અને શિવસેના (UBT) છોડીને શિવસેનામાં જોડાયેલા 6 સાંસદોના વિલયને ઔપચારિક માન્યતા આપ્યા બાદ NCPIના નેતાઓને બેઠકમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
લોકસભામાં NCPIના નેતા તરીકે સુદીપ બંદોપાધ્યાય (Sudip Bandyopadhyay)ની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે કાકોલી ઘોષ દસ્તીદાર (Kakoli Ghosh Dastidar)ને મુખ્ય સચેતક (Chief Whip) અને શતાબ્દી રોય (Shatabdi Roy)ને ઉપનેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભાની સત્તાવાર વેબસાઇટ પર હવે 20 સાંસદો સાથે NCPIનું નામ દર્શાવવામાં આવશે.
આ ફેરફાર બાદ NCPI લોકસભાની પાંચમી સૌથી મોટી પાર્ટી બનશે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના સાંસદોની સંખ્યા 28થી ઘટીને 8 થશે, જ્યારે શિવસેના (UBT)ની સંખ્યા 3 રહેશે. એકનાથ શિંદે (Eknath Shinde)ની આગેવાની હેઠળની શિવસેનાના સાંસદોની સંખ્યા વધીને 13 થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સુદીપ બંદોપાધ્યાય અને કાકોલી ઘોષ દસ્તીદારે અગાઉ અન્ય 18 સાંસદો સાથે તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વ સામે બળવો કરીને NCPIમાં જોડાવાની જાહેરાત કરી હતી. તેમણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને મળી નવા બેઠકોની વ્યવસ્થા તેમજ નવા સંસદ ભવનમાં પાર્ટી કાર્યાલય (Party Office) ફાળવવાના મુદ્દે પણ ચર્ચા કરી હતી.
આ ઉપરાંત NCPI રવિવારની સર્વપક્ષીય બેઠક ઉપરાંત મંગળવારે યોજાનારી NDA સાંસદોની બેઠકમાં પણ ભાગ લેશે. કેન્દ્રની સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)એ પોતાની સંસદીય બેઠકને હવે ‘મંગલ મિલન’ (Mangal Milan) નામ આપવાનો નિર્ણય કર્યો છે. 21 જુલાઈએ સંસદ ભવનમાં યોજાનારી બેઠકથી આ નવા નામની શરૂઆત થશે.








