Khan arrested for seducing minor girl by giving her Hindu name : અમદાવાદ જિલ્લામાં રહેતી અને અભ્યાસ અર્થે અન્ય શહેરમાં હોસ્ટેલ ખાતે રહેતી એક સગીરાને મધ્યપ્રદેશના શખસે પ્રેમ જાળમાં ફસાવી અઘટીત માગણીઓ કરતા મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. 23 વર્ષના અપરિણીત યુવક સોનુ સાથે મિત્રતા વધતા તેણે 17 વર્ષીય સગીરાના વાંધાજનક ફોટો-વીડિયો મેળવી લીધા હતા અને તેના આધારે તેને બ્લેકમેઈલ કરતો (Blackmail based on photo and video of minor girl) હતો. આ મામલો કણભા પોલીસ સ્ટેશન પહોંચતા તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. સોનુ નામનો આરોપી વાસ્તવમાં એક સંતાનનો પિતા હતો અને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રહેતો બિટ્ટુ ખાન હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ સ્ટેશન (Kanbha Police Station) વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા અન્ય શહેરની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. ગત ફેબ્રુઆરી મહિનામાં એક મેસેજિંગ એપ્લિકેશન થકી 23 વર્ષના અપરિણીત સોનુ નામના વ્યક્તિ સાથે સગીરાનો સંપર્ક થયો હતો. સોનુએ સગીરાનો મોબાઈલ નંબર મેળવી વોટ્સએપ થકી સંપર્ક કરી અશ્લીલ વીડિયો કોલ કરવા દબાણ કરતો તેમજ સેકસ કરવા માટે પણ દબાણ કરતો હતો. સગીરાના વાંધાજનક ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો. આ મામલે કણભા પોલીસ સ્ટેશન ખાતે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રહેતા બિટ્ટુખાનને ઝડપી પાડ્યો છે. બિટ્ટુખાન પરિણીત હોવાનો તેમજ એક સંતાનનો પિતા હોવાની વિગતો સામે આવી છે. પોલીસે પોક્સો તેમજ આઈટી એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ આરંભી છે.








