કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): વડોદરામાં (Vadodara) ફરી પૂર (Flood)આવ્યું અને અત્યાર સુધી આ પૂરમાં 11 લોકોના મૃત્યુ થયા છે. ઉપરાંત, વડોદરાનો મોટો ભાગ ત્રણ દિવસ સુધી પાણીમાં રહ્યો. પાણીની આફત સાથે વડોદરાવાસીઓને કેટલાંક વિસ્તારમાં વિશ્વામિત્રી નદીમાંથી (Vishwamitri River) તણાઈ આવેલા મગરોની પણ ભીતિ રહી હતી. સરેરાશ દર બે વર્ષે આ રીતે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે છે અને શહેરનો મોટો ભાગ તેમાં ડૂબે છે. પૂર આવવાનું એક કારણ વિશ્વામિત્રી નદીનું સાંકડું થવું અને તેના વિસ્તારમાં થયેલાં દબાણો છે. પૂરના પાણીથી આખું શહેર તબાહ થાય છે અને તેમ છતાં તે અંગે ઠોસ કામગીરી થતી નથી. પૂરની આફત વેળાએ તેના કાયમી ઉકેલની વાત સપાટી પર આવે અને સરકાર પણ તુરંત નિર્ણય લે; પરંતુ પાણી ઓસરે એટલે ઉકેલનો ઉત્સાહ પણ ઓસરી જાય. આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રીના વિકાસ માટે 1200 કરોડ ફાળવી દીધા. પણ શું આ રીતે રકમ ફાળવવાથી ઉકેલ આવી શકે? તેનો જવાબ ‘ના’ છે; કારણ કે અગાઉ પણ વિશ્વામિત્રીના વિકાસ માટે મુખ્યમંત્રીના સ્તરે નિર્ણયો લેવાયા છે, પરંતુ અમલવારીના નામે હજુય કાર્ય શૂન્ય છે.
વડોદરા શહેર અમદાવાદ અને સૂરતની સરખામણીએ શાંત અને પ્રગતિશીલ શહેરમાં ગણના પામે છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે વડોદરા શહેરની વસતી સત્તર લાખની આસપાસ હતી, હવે તે ઓલમોસ્ટ બમણી થઈ છે. વડોદરા શહેર વિકસી રહ્યું છે અને ત્યાં પણ અમદાવાદ અને સૂરત શહેરની જેમ વિકાસ થઈ રહ્યો છે. મસમોટી સ્કીમો બની છે, નવા બ્રિજ બન્યા છે, નવા માર્ગ અને નવો વિસ્તાર નિર્માણ પામ્યા છે. શહેર વિકસ્યું પરંતુ કેટલાંક પાયાનાં પ્રશ્નોનો ઉકેલ માટે શહેર વાટ જોઈ રહ્યું છે; તેમાંનો એક પ્રશ્ન વિશ્વામિત્રી નદીને ફરી મુક્ત રીતે વહેતી કરવાનો છે. જોકે, આ વખતે સ્થિતિ ગંભીર બની અને લોકોનો આક્રોશ દેખાયો, એટલે રાજ્ય સરકારે હૂકમ છોડ્યો છે કે હવે આ પ્રકારની સ્થિતિ વડોદરામાં ન થવી જોઈએ. આ વિગત ભાજપના ધારાસભ્ય બાલક્રિષ્ણ શુકલે મીડિયાને જણાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર પછીની તુરંત કાર્યવાહીમાં 1200 કરોડ વિશ્વામિત્રી નદી માટે ફાળવ્યા, અગાઉ ડિસેમ્બર-2019માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વામિત્રી નદી પરના પ્રોજેક્ટ જાહેરાત કરી હતી. પરંતુ તે પછી પણ કોઈ જમીની કામગીરી ન થઈ અને 2020ના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વડોદરા શહેર પૂરમાં ડૂબ્યું. એ વખતે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટને ‘નેશનલ ગ્રિન ટ્રિબ્યુનલ’એ પર્યાવરણીય મંજૂરી પણ આપી દીધી હતી. તેમ છતાં તેના પર કામ ન આરંભાયું. વિશ્વામિત્રીના ડેવલપમેન્ટની ચર્ચા તો વર્ષો પહેલાંની છે. 2008માં પણ તે અંગે કાગળ પર ઘણું કામ થયું હતું. તે વખતે પ્રોજેક્ટને ‘વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ એવું નામેય આપવામાં આવ્યું હતું. 2014માં અમદાવાદ સ્થિત ‘એચસીપી, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે’ તે અંગે એક માસ્ટર પ્લાન પણ ઘડ્યો હતો. તેમાં કેટલીક મર્યાદાઓ હતી અને તે માસ્ટર પ્લાનને સુધારીને ફરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ‘સ્ટેટ એન્વાયર્મેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી’ સમક્ષ મંજૂરી માટે મૂક્યો. કામ શરૂ થયું અને પર્યાવરણ સંરક્ષણ તરીકે કાર્ય કરતી સંસ્થા ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’ના રોહિત પ્રજાપતિ પ્રોજેક્ટ અંતર્ગત જે રીતે કામગીરી ચાલી રહી હતી તેને લઈને ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’માં ગયા. આ કામગીરીમાં દબાણ હટાવવાની કામગીરી સાથે સાથે નદીમાંથી કાંપ હટાવવાનું કામ, લેવલિંગ અને નવું બાંધકામ પણ થઈ રહ્યું હતું. આ કામ ‘એન્વાયર્મેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ’ના નિયમોથી વિપરીત હતું. કોર્પોરેશને જે રીતે નદીના વિકાસનું કાર્ય આગળ વધાર્યું અને પર્યાવરણના રીતે નદીને વહેતી કરવાનું હતું – તેમાં જમીન-આસમાનનો ફેર હતો. મૂળે તો વિશ્વામિત્રી પૂરના પાણીને ઝીલી શકે તે માટે તેની સફાઈ કરવી; તેનું પાણી જળવાઈ રહે અને સમય આવ્યે તેનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની હતી. નદીના કાંઠાને મજબૂત કરી તેને પ્રદૂષણ મુક્ત બનાવવાની હતી. ઉપરાંત મગર અને અન્ય કુદરતી સંપદાને પણ જાળવી રાખવાની જવાબદારી હતી. ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’માં રજૂઆત થઈ ત્યારે કોર્પોરેશનને કામ અટકાવી દેવાનું ફરમાન આવ્યું. એ પછી પણ 2018માં આ રીતે વિશ્વામિત્રીના વિકાસ માટે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો, તેમાં પણ ‘નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન’ના માપદંડ મુજબ તેને સુરક્ષિત રાખવાનું વલણ જોવા ન મળ્યું, તેથી ફરીવાર આ પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો.
વિશ્વામિત્રીના પૂરના ઉકેલ અર્થે જ્યારે અગાઉની વિગત જોઈએ તો ખ્યાલ આવે કે તે માટે પ્રયાસ થયા છે. 2014માં તો તત્કાલિન વડોદરાના સાંસદસભ્ય રંજન ભટ્ટે તત્કાલિન વોટર રિસોર્સ મિનિસ્ટર ઉમા ભારતી પાસે હાક નાંખી હતી કે ગંગા શુદ્ધિકરણ અને યમુના પ્રોજેક્ટની જેમ વિશ્વામિત્રી માટે વધુ ભંડોળ ફાળવવામાં આવે. સરકાર ઉપરાંત જાગ્રત નાગરિકોએ પણ વિશ્વામિત્રીને બચાવવા માટે અભિયાન ચલાવ્યા છે. તેમાંનું એક છે : ‘વહો વિશ્વામિત્રી અભિયાન’. આ અભિયાનને દેશદુનિયામાંથી પીઠબળ મળ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ પણ વિશ્વામિત્રી નદીને ફરી જીવંત કરવાના પ્રયાસની પ્રશંસા કરી હતી. આ યોજનાના મુખ્ય ઉદ્દેશો આ હતા : (1) વિશ્વામિત્રી નદી-પાવાગઢથી અરબી સમુદ્ર સુધી (134 કિલોમીટર)ને પુર્નજીવત કરવાનું આયોજન થાય. ફક્ત વડોદરા શહેરની હદમાં 15 કિલોમીટર કે 20 કિલોમીટર માટે રીવરફ્રન્ટ (2) સમગ્રતાથી આયોજન (3) નદીના બંને કાંઠે વૈજ્ઞાનિક રીતે બાયોશિલ્ડ એટલે કે વૃક્ષો-વનસ્પતિનું વાવેતર થાય તેમજ જૈવિક ખેતીનો વિકાસ કરવામાં આવે (4) ધન અને પ્રવાહી કચરાની પ્રક્રિયા તેમજ પુનઃ ચક્રીકરણ માટેની વૈજ્ઞાનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. આ ઉદ્દેશ્યો પર્યાવરણ જાળવણી માટે લડતાં તૃપ્તિ શાહે ‘ભૂમિપુત્ર’ સામયિકમાં ફેબ્રુઆરી, 2016માં રજૂ કર્યા હતા. વિશ્વામિત્રીનું આ અભિયાન એટલું આગળ વધ્યું હતું કે તેમાં તજજ્ઞોએ અથાગ મહેનત કરીને વડોદરા સ્થિત લોકવિજ્ઞાન કેન્દ્રમાં એક આખી યોજના બનાવી હતી. આ આયોજન જોઈને એ.પી.જે. અબ્દુલ કલામ પણ ખુશ થયા હતા. તે અંગે ‘નદી કી કહાની, બૂંદો કી જુબાની’ નામની ફિલ્મ પણ નિર્માણ કરવામાં આવી હતી.
2017માં યુટ્યૂબ પર અપલોડ થયેલી ‘વિશ્વામિત્રી બચાવો, વડોદરા બચાવો’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ ઉપલબ્ધ છે. આ ડોક્યુમેન્ટરીમાં વિશ્વામિત્રી નદીની વિગત આપવામાં આવી છે. ડોક્યુમેન્ટરીના વોઇસ ઓવરમાં શબ્દો આ રીતે મૂકાયા છે : “વિશ્વામિત્રી પાવાગઢ પર્વતમાંથી ઉતરી ને ખુલ્લા મેદાનમાં આવી, અને ત્યાં વસ્યું અન્નકોટક, જેને આપણે આજે અખોટા નામથી ઓળખીએ છીએ. અને પછી બન્યું આપણું આજનું વડોદરા. આખું વડોદરા શહેર વિશ્વામિત્રીના વોટરશેડ વિસ્તારમાં જ વસેલું છે. વિશ્વામિત્રીના કારણે જ આપણા બોરમાં પાણી છે, વાતાવરણમાં નિયંત્રણ છે અને શહેર પર લીલોતરીનો છાંયો છે. વડોદરાવાસીઓ નસીબદાર છે કે વિશ્વામિત્રીના કારણે આપણા શહેર વચ્ચે એવા અસંખ્ય પ્રાણીઓ, પક્ષીઓનો આસરો છે, જે બીજે જોવા મુશ્કેલ છે. પણ ક્યાંક ખોટું થઈ રહ્યું છે. અતિલોભ અને બેદરકારીના કારણે વડોદરાના તળાવો અને વિશ્વામિત્રી પર આફત આવી છે. અણસમજના કારણે બેપરવાહીથી પુરાણો થયા છે અને તળાવો પુરી દેવાયા છે. કાયદો હોવા છતાં વિશ્વામિત્રીના વિસ્તારમાં કચરાનું ડમ્પિગ અને પુરાણ થાય છે. સમય જતા આ પુરાણો પર કોન્ક્રિટની ઇમારતો ચણાય છે.”
આ પૂરી ડોક્યુમેન્ટરીમાં ખૂબ સરસ રીતે વિશ્વામિત્રી નદીની બદ્તર થયેલી સ્થિતિનું નિરૂપણ છે. આમ બધી જ રીતે વિશ્વામિત્રી નદી વિશે કામ થયું છે; તેના અભ્યાસો થયા છે; અહેવાલ તૈયાર થયા છે. સરકાર દ્વારા અને જાગ્રત નાગરિક દ્વારા તેને વહેતી કરવાના પ્રયાસ થયા છે. પરંતુ પરિણામ હજુય આવ્યું નથી અને વડોદરાવાસીઓ પૂરું ચોમાસું ભય હેઠળ વિતાવે છે. નદી, તળાવ અને અન્ય વોટર બોડિઝનું જે રીતે નિકંદન નીકળી રહ્યું છે અને તેને સુરક્ષિત રાખવાના પ્રશ્નો તરફ આપણે બેધ્યાન રહીએ છીએ; એટલે પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. પૂરમાં બધું જ ખેદાનમેદાન થાય છે. આ ચેતવણી કુદરત વારેવારે આપે છે અને જો તેના પર પૂરતું ધ્યાન નહીં અપાય તો ન ભરપાઈ થઈ શકે તેવું નુકસાન વધતું જ જશે, આપણી નિસહાયતા વધતી જશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796