- સીબીઓટી સોયાબીન વાયદો એક વર્ષની ઉંચાઈ ૧૨.૨૬ ડોલર નજીક પહોચી ગયો
- ભારત અને અમેરિકામાં ચિંતાજનક ગરમીને પગલે સોયાબીન પાક મુશ્કેલીમાં મુકાઈ રહ્યાના અહેવાલ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ભારત અને અમેરિકામાં ચિંતાજનક ગરમીને પગલે સોયાબીન પાક મુશ્કેલીમાં મુકાઈ રહ્યાના અહેવાલ સાથે ઉપજ/ઉતારા (યીલ્ડ) ઓછા આવવાની શક્યતા વચ્ચે શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ (સીબીઓટી) પર વાયદો બાવન સપ્તાહની ઉંચાઈ ૧૨.૨૫ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) નજીક પહોચી ગયો હતો. આ તેજીમાં ચીનની આયાત માંગ અને ક્રુડ ઓઇલના વધતા ભાવે ઊંબાડિયું કર્યું છે. સોયાબીન નવેમ્બર વાયદો ૧૨.૦૪ ડોલર, સોયા ખોળ ડીસેમ્બર ડીલીવરી ૩૨૧.૦૫ ડોલર પ્રતિ શોર્ટ ટન (૨૦૦૦ પાઉન્ડ અથવા ૯૦૭.૧૮ કિલો) અને સોયા તેલ ડીસેમ્બર ૭૧.૧૫ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ગુરુવારે ઇન્ટ્રાડેમાં મુકાયા હતા. ભારતમાં પણ સોયાબીન હાજર મંડી ભાવ, નવી ઉંચાઈએ ક્વિન્ટલ દીઠ રૂ. ૬૫૦૦થી ૭૦૦૦ સુધી મુકાઈ રહ્યા છે.
ભારતમાં કેટલાંક વાવેતર વિસ્તારમાં ચોમાસાની મોડી શરૂઆતને ધ્યાનમાં રાખીને ખરીફ ૨૦૨૬ સોયાબીન વાવેતર, ગતવર્ષ કરતા ૧૬ ટકા ઓછું ૯૦.૫૧ લાખ હેકટરમાં થશે, એવો સરકારી અંદાજ મુકવામાં આવ્યો છે. અલબત્ત, સોયાબીન પ્રોસેસર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ કહે છે કે ઓગસ્ટમાં વાવેતર મોટાપાયે વધવાની સંભાવના જોતા આ આંકડો ૧૦૦.૩૧ લાખ હેક્ટર પહોચી જશે. ભાવના આંકડા સારા એવા વધ્યા હોઈ, ખેડૂતો પણ સોયાબીનને વધુ જમીન ફાળવવા ઉત્સુક છે. મધ્યપ્રદેશમાં હાલમાં ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. ૬૭૦૦થી ૬૯૦૦ આસપાસ મુકાઈ રહ્યા છે, જે સરકારના લઘુત્તમ ટેકાના ભાવ (એમેસપી) રૂ.૫૭૦૮ કરતા સારા એવા ઊંચા છે.
વિશ્વના સૌથી મોટા સોયાબીન ઉત્પાદક દેશ બ્રાઝીલમાં લણણીની મોસમ પૂરી થઇ ગઈ છે. નેશનલ સપ્લાય કંપની (કોનાબ)નાં તાજા અનુમાન મુજબ ૨૦૨૫-૨૬નુ સોયાબીન ઉત્પાદન પાંચ ટકા વધીને વિક્રમ ૧૮૦૦.૬ લાખ ટન આવશે. વર્લ્ડ એગ્રીકલ્ચરલ એન્ડ સપ્લાય ડીમાંડ એસ્ટીમેટ (વાસદા) સંસ્થાએ જુલાઈ સોયાબીન વાવેતર સ્થતિમાં ૦.૮ ટકા વૃદ્ધિ દાખવીને પુરવઠા સ્થિતિમાં ૩૦૦ લાખ ટનનો વધારો દાખવ્યો છે, છતાં ઇથેનોલ વપરાશ વૃદ્ધિને પગલે વર્ષાંત સ્ટોકમાં કોઈ ફેરફાર દાખવ્યો નથી. અમેરિકન કૃષિમંત્રાલયે (યુએસડીએ) તેના માસિક અહેવાલમાં કહ્યું હતું કે વધુ વિસ્તારમાં વાવેતર થયું હોવાથી, ઉત્પાદન પણ વિક્રમ આવવાની શક્યતા છે. યુએસડીએનાં નેશનલ એગ્રીકલ્ચરલ સ્ટેટેસ્ટીક સર્વિસ (નાસ્સ)નો ૩૦ જૂનનો એકરેજ અહેવાલ કહે છે કે વાવેતર ૮૫૪ લાખ એકરમાં થઇ ગયું છે. નાસ્સનો વર્તમાન અહેવાલ કહે છે કે જો વર્તમાન હવામાનને સંયોજીત કરીએ તો, ઉત્પાદકતા (યીલ્ડ) પ્રતિ એકર ૫૩ બુશેલ આવવાની શક્યતા છે. આને આધારે અમેરિકાનું કુલ સોયાબીન ઉત્પાદન અનુમાન ૪.૫ અબજ બુશેલ મુકાયું છે.
ડીપાર્ટમેન્ટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ આપેલા તાજા આંકડા મુજબ ભારતે રૂ. ૧૧૦૦ કરોડના તેલીબીયાની આયાત કરી હતી. તેમાં સૌથી મોટો હિસ્સો રૂ. ૧૦૦૦ કરોડના ૨૦૯૭૭૬ ટન સોયાબીનનો હતો. ભારતમાં સોયાબીનના ભાવ એકાએક અને ઝડપથી વધતા, ઔદ્યોગિક માંગને પહોચી વળવા આયાતમાં ધરખમ વધારો થયો હતો. તલની આયાત રૂ. ૯૫.૩૧ કરોડના ૧૦૨૬૯ ટન અને સુર્યમુખીની આયાત રૂ. ૧.૫૨ કરોડની ૩૫૨ ટન થઇ હતી. જો ભાવ વૃદ્ધિ જળવાઈ રહેશે તો, તેલીબીયાની આયાતનું વલણ જોખમી તબક્કામાં આગળ વધી શકે છે. ભારતને તેલીબાયા ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા, વાવેતર વિસ્તાર અને ઉપજ બન્ને વધારવા અત્યાવશ્યક થઇ ગયા છે.
(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








