Tuesday, July 21, 2026
HomeGujaratપાટણમાં ₹7.16 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, 33 સામે ગુનો; 20 આરોપીઓ...

પાટણમાં ₹7.16 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, 33 સામે ગુનો; 20 આરોપીઓ ઝડપાયા

- Advertisement -

Patan cyber fraud case: પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર કમિશનની લાલચ આપીને સામાન્ય નાગરિકોના બેંક ખાતાઓ ભાડે મેળવી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ (Cyber Fraud)ના નાણાકીય વ્યવહારો ચલાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજ્ય સરકારના ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ (Operation Mule Hunt 2.0) અને ‘સમન્વય પોર્ટલ’ (Samanvaya Portal)ની મદદથી કરવામાં આવેલી તપાસમાં કુલ રૂ. 7.16 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે. પોલીસે આ કેસમાં 33 આરોપીઓ સામે ગુનો નોંધી 20 આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ચાણસ્મા, ઈટોડા, ખાંભેલ અને પાટણ વિસ્તારના કેટલાક વચેટિયાઓ સામાન્ય અને ભોળા નાગરિકોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતાઓ ખોલાવતા હતા. ત્યારબાદ આ બેંક ખાતાઓ સાયબર ગુનેગારોને ભાડે આપીને સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવતું હતું. આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં થતા ઓનલાઈન સાયબર ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ (Digital Arrest), ન્યૂડ વીડિયો બ્લેકમેઇલ (Nude Video Blackmail), APK ફાઇલ અને લિંક મારફતે છેતરપિંડી તેમજ ઓનલાઈન સટ્ટાબાજી (Online Betting) જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી મેળવાયેલા નાણાંના વ્યવહારો માટે કરવામાં આવતો હતો.

- Advertisement -

તપાસ દરમિયાન દેશભરમાં નોંધાયેલા 35 સાયબર ગુનાઓ સાથે સંકળાયેલા 11 બેંક ખાતાઓમાં રૂ. 5,16,37,025ના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. આ ઉપરાંત અન્ય શંકાસ્પદ ખાતાઓમાં રૂ. 1,99,77,870ના વ્યવહારો સામે આવતા કુલ રૂ. 7,16,14,895ના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ થયો છે.

પોલીસના જણાવ્યા મુજબ વચેટિયાઓ ખાતાધારકોને દર મહિને નિશ્ચિત રકમ અથવા એક ખાતા દીઠ રૂ. 3,000થી રૂ. 15,000 સુધીનું કમિશન ચૂકવતા હતા. તેના બદલામાં તેઓ પાસબુક, એટીએમ કાર્ડ (ATM Card), ચેકબુક (Cheque Book) અને તેમના નામે લેવામાં આવેલા નવા સિમકાર્ડ (SIM Card) મેળવીને મૂળ સાયબર ગેંગને સોંપી દેતા હતા.

સમગ્ર કૌભાંડ સામે આવતા ચાણસ્મા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અને માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ (IT Act)ની વિવિધ કલમો હેઠળ 33 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. હાલ 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે નેટવર્કમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસ અને કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular