પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-32): Akshardham Temple Attack Series : ક્રાઇમબ્રાંચમાં (Crime Branch) મૌલાના અબ્દુલા અને આદમને લાવ્યા પછી પહેલી વખત એવું થયું હતું કે, અબ્દુલા અને આદમ ભેગા થયા હતા. જોકે એ.સી.પી. ગિરીશ સિંઘલે (ACP Girish Singhal) ઇરાદાપૂર્વક જ આદમ અને અબ્દુલાને ભેગા કર્યા હતા. એ વખતે આદમ અને અબ્દુલા બંને હેબતાઈ ગયા હતા. જેના કારણે એકબીજા સાથે વાત કરવાનું તો ઠીક, તેઓ નજર પણ મીલાવી શક્યા નહોતા.
આ વખતે એ.સી.પી. સિંઘલની નજર આદમ અને અબ્દુલાના ચહેરા ઉપર થઈ રહેલા ફેરફાર પર હતી. સિંઘલે નોંધ્યું કે, અબ્દુલા ખાસ્સા ડરી ગયા હતા. હું કંઈ જાણતો નથી; તેવું સતત રટણ કરતાં મૌલાનાના ચહેરા પરનું નૂર ઊડી ગયું હતું. જોકે સિંઘલ હજી મૌલાનાના મનમાં પડેલા ડરને વધારવા માગતા હતા; એટલે તેમણે કંઈ જ પુછ્યું નહીં. આમ તો સિંઘલ મૌલાનાને પહેલા ખુરશીમાં બેસાડતા હતા, પણ આજે સિંઘલે તેમને બેસવાનું કહ્યું જ નહીં. મૌલાના સિંઘલની સામે ઊભા જ હતા. મૌલાનાની નજર આમતેમ ફરી રહી હતી. ક્યારેક એ ત્રાંસી નજરે સિંઘલને જોઈ લેતા હતા; પણ આજે ખબર નહીં, સિંઘલનો વ્યવહાર પણ તેમને વિચિત્ર લાગી રહ્યો હતો.
આદમને લઈ જવાની સૂચના આપ્યા પછી સિંઘલ તેમનાં ટેબલ ઉપર પડેલી ફાઇલ્સ જોવા લાગ્યા. સામે મૌલાના અબ્દુલા ઊભા હતા, પણ જાણે ચેમ્બરમાં પોતાના સિવાય કોઈ જ નથી; એ રીતે સિંઘલ કામ કરી રહ્યા હતા. એક કલાક થઈ ગયો, મૌલાનાના પગમાં કળતર થવાની શરૂઆત થઈ. કારણ કે, આટલા લાંબા સમય સુધી ઊભા રહેવાની તેમને ટેવ નહોતી.
આ પણ પોલીસ રિમાન્ડનો એક પ્રકાર છે. આ અંગે કોઈ કોર્ટમાં ફરિયાદ પણ કરી શકે નહીં. સામાન્ય રીતે લોકો પોલીસ રિમાન્ડનો અર્થ એવો માનતા હોય છે કે, પકડાયેલા આરોપીને પોલીસ ફટકારે. આમ તો કાયદાની જોગવાઈ પ્રમાણે પોલીસે કોઈને મારવાના નથી; પણ કાયદાની જોગવાઈ પ્રમાણે બધું ચાલતું પણ નથી. જેવો આરોપી; તેવો વ્યવહાર પોલીસ કસ્ટડીમાં થતો હોય છે. કોઈ શિક્ષિત આરોપીને પોલીસ જમીન પર બેસવાની ફરજ પાડે, ત્યારે તેનો અહમ્ જે રીતે ઘવાય; તે પણ રિમાન્ડનો જ એક પ્રકાર કહેવાય.
ગિરીશ સિંઘલે પહેલી મુલાકાતમાં મૌલાના અબ્દુલાને ખુરશીમાં બેસાડી અદબથી વાત કરી હતી. જેને કારણે મૌલાના એવું માની રહ્યા હતા કે, તેમનો માન મરતબો યથાવત્ રહેશે. જોકે હજી મૌલાનાને કોઈએ માર્યા નહોતા અને અપમાનીત પણ કર્યા નહોતા. પરંતુ હવે જે પ્રકારની ટ્રીટમેન્ટ મળી રહી હતી, એ તો શરૂઆત હતી.
સિંઘલ એક પછી એક ફાઇલ આટોપી રહ્યા હતા. મૌલાના સામે જોતા પણ નહોતા. મૌલાના થોડી થોડીવારે પગ પરનું વજન બદલવા માટે ક્યારેક જમણો તો ક્યારેક ડાબો પગ સહેજ સહેજ ઊંચો કરતા હતા. મૌલાનાએ ઘડિયાળ સામે જોયું કે, એ.સી.પી. સિંઘલની ચેમ્બરમાં આવ્યા પછી બરાબર બે કલાક થઈ ગયા હતા. અચાનક સિંઘલે બધી ફાઈલો બંધ કરી અને મૌલાના સામે જોતાં કહ્યું, “અરે, સોરી મૌલાનાજી. ફાઇલ્સ થોડી અરજન્ટ હતી.”
મૌલાનાનાં મનમાંથી ગાળ તો નીકળી, પણ એ ગાળ હોઠ સુધી આવી નહીં. તેમણે કહ્યું, “અરે, કંઈ વાંધો નહીં.”
સિંઘલ મનમાં જ બબડ્યા, વાંધો હોય તો પણ શું બગાડી લેશો?
ગિરીશ સિંઘલે ખુરશીમાં ટટ્ટાર થતાં કહ્યું, “જોયું, હમણા મેં આદમ અજમેરી ‘સાહેબ’નું ઇન્ટ્રોગેશન પૂરું કર્યું.”
સિંઘલના ચહેરા પર કંઈક મેળવી લીધું હોય તેવું સ્મિત હતું. પાછું અજમેરીનાં નામ પાછળ સૂચક રીતે ‘સાહેબ’ શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો. સિંઘલ સંદેશો આપવા માગતા હતા કે, મૌલાના, હવે તમે બોલો. કારણ કે, આદમે પત્તાં ખોલી નાખ્યાં છે. મૌલાનાની આંખમાં એકદમ આંસું ધસી આવ્યાં. સિંઘલે કહ્યું, “અરે, શું થયું મૌલાના? કેમ રડો છો?”
મૌલાનાએ તરત પોતાની બાંયથી આંખો સાફ કરતાં કહ્યું, “કંઈ નહીં સાહેબ.”
સિંઘલ ખુરશીમાંથી ઊભા થયા અને મૌલાના પાસે આવ્યા. તેમના ખભા પર હાથ મુકતાં કહ્યું, “રડશો નહીં, બેસો.”
તેમ કહી તેમના બંને ખભા પકડીને ખુરશીમાં બેસાડ્યા. ગિરીશ સિંઘલે હજી સુધી મૌલાના અબ્દુલાને કોઈ સવાલ પુછ્યો નહોતો, પણ સિંઘલ મનમાં ખુશ હતા. કારણ, જે પ્રકારે બે કલાકની ટ્રીટમેન્ટ મળી હતી, તેની અસર મૌલાના પર થઈ હોવાનું લાગી રહ્યું હતું. મૌલાનાનું અપમાન પણ કોઈએ કર્યું નહોતું છતાં તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં. સિંઘલને સમજાઈ રહ્યું હતું કે, હવે વાત આગળ ચાલશે; પણ તેમણે નક્કી કર્યું હતું કે, તે મૌલાનાને કોઈ સવાલ પુછશે નહીં. સિંઘલે પોતાનાં ટેબલ ઉપર પડેલો પાણીનો ગ્લાસ મૌલાના સામે મૂક્યો. મૌલાનાએ પાણીના બે ઘૂંટ પીધા અને થોડીવાર શાંત બેસી રહ્યા. હજી એમની આંખો થોડીક ભીની હતી એટલે આંખો સાફ કરતાં કહ્યું, “સર, હું જે કહીશ તે સાચું કહીશ.”
સિંઘલ ધ્યાનથી તેમની તરફ જોઈ રહ્યા હતા. મૌલાના અબ્દુલાએ કેલેન્ડર સામે જોયું અને કંઈક યાદ કરતા હોય એ રીતે કહ્યું, “સાહેબ, સપ્ટેમ્બર મહિનાની વાત છે. લગભગ 22-23 તારીખ હતી. આદમ પોતાની રિક્ષામાં બે છોકરાઓને લઈને આવ્યો હતો. એ છોકરાઓને હું પહેલી વખત જોઈ રહ્યો હતો. આદમે મને કહ્યું કે, આ છોકરાઓને મુફતી સાહેબનું કામ છે. મેં કામનું પુછ્યું; તો એણે કહ્યું કે, કોમનું કામ કરવા આવ્યા છે. હું પણ વિચારમાં પડી ગયો કે, કોમનું કામ શું હશે? પણ આદમે જે રીતે ‘કોમનું કામ’ કહ્યું; એટલે મને થોડો અંદાજ આવી ગયો કે, કંઈક નવાજૂની થવાની છે; પણ શું નવાજૂની થશે; તેની મને ખબર નહોતી. આ બંને છોકરાઓની આંખમાં ખૂબ ગુસ્સો હતો.”
(ક્રમશ:)
Part 31 : આદમે ACP ગિરીશ સિંઘલને પુછ્યું, “મને ઘરે ક્યારે જવા દેશો?” સિંઘલ એને સાચું કહી શક્યા નહીં.
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796