પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-43): Akshardham Temple Attack Series : મુફતી કયુમ સહિત તમામ આરોપીઓ સામે અમદાવાદ ક્રાઇમબ્રાંચે (Ahmedabad Crime Branch) રજૂ કરેલા પુરાવા માનવાનો ઇન્કાર કરી સુપ્રીમ કોર્ટે (Supreme Court) તમામને નિર્દોષ છોડી મૂક્યા હતા, પણ 2003થી 2014 સુધી અગિયાર વર્ષ પસાર થઈ ગયા હતા. જેઓ બહાર હતા તેમના માટે આ સમયગાળો કદાચ નાનો હતો, પણ મુફતી કયુમ અને તેમના સહઆરોપીઓ માટે એક સદી કરતાં પણ મોટો સમયગાળો હતો. મુફતી કયુમના મોટા દીકરા મુઆવીયાએ મને પ્રશ્ન પુછ્યો, “તમને ખબર છે કે, ત્રાસવાદીના દીકરા તરીકે જીવવું કેટલું અઘરું હતું અમારા માટે?”
હું એની સામે માત્ર જોઈ જ રહ્યો. એણે કહ્યું, “હું ત્યારે પાંચ વર્ષનો હતો. મને કંઈ ખાસ ખબર પડતી નહોતી. મારા અબ્બાને પોલીસ પકડી ગઈ હતી. હવે અમારું શું થશે? તેની અમને ખબર નહોતી, પણ મારા નાના અમદાવાદ જ રહેતા હતા. તે આવ્યા અને અમને તેમના ઘરે લઈ ગયા. હું સ્કૂલમાં જવા લાગ્યો હતો. મોટા ભાગના છોકરાઓને તેમનાં મમ્મી–પપ્પા મૂકવા આવતા હતા, પણ મારા અબ્બા તો ક્યારેય આવ્યા જ નહીં. મારા મિત્રો મને પુછતાં કે, તારા અબ્બા કેમ સ્કૂલે આવતા નથી? હું કહેતો કે, નોકરી કરવા સાઉદી ગયા છે; પરંતુ ખોટું બોલીને હું પણ થાકી ગયો હતો. એક દિવસ મેં ગુસ્સામાં કહી દીધું કે, મારા અબ્બા ત્રાસવાદી છે; તેવું પોલીસ કહે છે અને હમણા તે સાબરમતી જેલમાં (Sabarmati Jail) છે.”
મુફતી કયુમ કહે છે, “મારા સસરા આર.બી.આઈ. બેંકમાં મેનેજર હતા. તેમણે મારા પરિવારને સાચવી લીધો હતો. હવે તેમનો ઇન્તકાલ થઈ ગયો છે, પણ સૌથી ખરાબ માનસિક સ્થિતિ મારી બીબી સુમૈયાની હતી. મને જે કેસમાં પકડવામાં આવ્યો, તેનું મન એ માનવા તૈયાર જ નહોતું. એ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. કારણ કે, સમાજમાં મારા માટે જે વાત થતી હતી અને પેપરમાં જે સમાચાર આવી રહ્યા હતા, તેના કારણે તેની પરેશાની વધી રહી હતી. એની સાથે અમારાં બાળકો સિવાય કોઈ જ નહોતું. એ પોતાના પિતાને પોતાના મનની વાત કહી શકતી નહોતી. એક તબ્બકો એવો પણ આવ્યો કે, સુમૈયાએ જીવનનો અંત આણવાનો પણ પ્રયત્ન કર્યો હતો. એણે ધારદાર ચાકુથી પોતાનું ગળુ કાપી નાખ્યું હતું, પણ અલ્લાહની મહેરબાનીથી કોઈએ તેને જોઈ લીધી અને તેને હોસ્પિટલ લઈ ગયા. તેનાં ગળા પર ત્રીસ ટાંકા આવ્યા હતા, પણ તે બચી ગઈ.
ક્રાઇમબ્રાંચના બધા જ અધિકારી ક્રૂર અને ખોટું કરવાવાળા જ હતા, એવું પણ નથી. સારા અધિકારીઓ પણ હતા. પરંતુ તેમની અંદર સાચું બોલવાની હિંમત નહોતી. ઉપરથી જે આદેશ મળતો એ પ્રમાણે અમારી સાથે વ્યવહાર કરતા હતા.”
મુફતી કયુમ પોતાની વાત આગળ વધારતાં કહે છે, “હું 27 દિવસ પોલીસ રિમાન્ડ હેઠળ ક્રાઇમબ્રાંચમાં રહ્યો હતો. મને મળવા મારી પત્ની અને બાળકો આવતાં, ત્યારે ત્યાં બેઠેલા પોલીસવાળા મારાં બાળકો માટે બિસ્કિટ લઈ આવતા હતા. મને તપાસમાં ક્રાઇમબ્રાંચના અધિકારીઓ કાશ્મીર લઈ ગયા હતા. કાશ્મીર પોલીસે મારી પુછપરછ કરી, ત્યારે તેમનો વ્યવહાર મને વિચિત્ર લાગ્યો. કારણ કે, તેમની પાસે ક્રાઇમબ્રાંચ કરતાં જુદી જ સ્ટોરી હતી.
કાશ્મીરથી પાછા ફરતી વખતે અધિકારીઓ અંદર અંદર ચર્ચા કરતા હતા કે, 169 ભરી દેવું જોઈએ. મને એનો અર્થ ત્યારે ખબર નહોતો. પછી મને ખબર પડી કે, તેઓ CR.P.C. 169ની વાત કરતા હતા. તેનો અર્થ થતો હતો કે, પોલીસે કોઈને પકડ્યો હોય, પછી પોલીસને લાગે કે પુરાવા નથી; તો તેને છોડી મૂકવાનો અધિકાર પોલીસને આ કલમ હેઠળ મળે છે. પણ હું એટલો સદ્નસીબ ન નીકળ્યો!
2011માં આઈ.પી.એસ. અધિકારી ગિરીશ સિંઘલ (IPS Girish Singhal) અને તેમની ટીમની ઇશરત એન્કાઉન્ટર કેસમાં સી.બી.આઈએ ધરપકડ કરી હતી. જેથી તેઓ પણ સાબરમતી જેલમાં આવ્યા. એક દિવસ જેલમાં હું અને ગિરીશ સિંઘલ આમને સામને થઈ ગયા. પહેલા તો કોઈ વાત ન થઈ, પણ પછી તરત મને, કેમ છો મુફતી? કહીને સિંઘલ સાહેબ ભેટી પડ્યા. તેમના ચહેરા પર એક જુદો જ ભાવ હતો. એ ભાવ શું હતો; એ મને આજે પણ સમજાયું નથી. ગિરીશ સિંઘલે મને મારા કેસની વિગતો પુછી, ત્યારે મારો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો. તે મારા કેસની બારીકમાં બારીક વિગત પણ સાંભળી રહ્યા હતા. અમે છૂટા પડતા હતા ત્યારે તેમણે મને કહ્યું કે, ઇન્શાઅલ્લાહ, તમે જલદી આ કેસમાંથી છૂટી જશો.
એ સાંભળીને મને બહુ આશ્ચર્ય થયું. કારણ કે, મને સેશન્સ કોર્ટે ફાંસીની સજા કરી હતી. ગુજરાત હાઇકોર્ટે પણ ફાંસીની સજા યથાવત્ રાખી હતી. મને બધા જ કહી રહ્યા હતા કે, સુપ્રીમ કોર્ટમાં પણ સજા કાયમ રહેશે; પણ આ એકમાત્ર, પહેલો પોલીસ અધિકારી હતો; જે મને કહી રહ્યા હતા કે, હું છૂટી જઈશ!
2014માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ. કે. પટનાયક અને ગૌડા સામે અમારો કેસ ચાલ્યો. તેમણે ક્રાઇમબ્રાંચના અનેક પુરાવા સ્વીકારવાનો ઇન્કાર કર્યો, પણ સૌથી અગત્યની બાબત એ હતી કે, પોલીસની સ્ટોરી પ્રમાણે અક્ષરધામના આંતકીઓને મેં ઉર્દૂમાં ચીઠ્ઠી લખી આપી હતી. આ ચીઠ્ઠી આંતકીઓના ખિસ્સામાં હતી. જે પોલીસે રજૂ કરી હતી.
અમારી રજૂઆત પછી કોર્ટે માર્યા ગયેલા આંતકીઓનાં કપડાં મગાવ્યાં. જેમાં પાંત્રીસથી ચાળીસ ગોળીને કારણે કાણા પડી ગયાં હતાં. આખાં કપડાં લોહીવાળાં હતાં. જેથી સુપ્રીમ કોર્ટને પણ આશ્ચર્ય થયું કે, આતંકીના ખિસ્સામાં રહેલી ચીઠ્ઠીને એક પણ ગોળી વાગી નહીં! લોહીનો ડાઘ પણ લાગ્યો નહીં! આવું કેવી રીતે બને? તેવું તેમણે પોલીસને પુછ્યું, પણ પોલીસ પાસે તેનો કોઈ જવાબ નહોતો. આખરે અમને છોડી મૂકવામાં આવ્યા.
હું મુફતીને મળીને બહાર નીકળી રહ્યો હતો, ત્યારે મુફતીએ કહ્યું, “સાહેબ, આતંકી હુમલો થયો એની ના નથી. મંદિરમાં આવેલા લોકો મરી ગયા, એ વાત પણ સાચી, પણ જો હુમલો કરવાના કાવતરામાં અમે સામેલ નહોતા; તો કોણે આ હુમલો કરાવ્યો હતો? એનો અર્થ કે, હજી પણ તેઓ તમારી ને મારી આસપાસ જીવી રહ્યા છે!”
મુફતીની વાતનો મારી પાસે કોઈ જવાબ નહોતો. કદાચ જેમની પાસે જવાબ છે, તેઓ બોલવા માગતા નથી. મુફતી કયુમ હાલ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પોતાની જમાતની ઓફિસ સંભાળે છે. 700 બાળકોની એક શાળા ચલાવે છે અને સાત વિસ્તારમાં દવાખાનાં પણ ચલાવે છે. આદમ અજમેરી શાહપુરમાં જ રહે છે. હજી તે ઓટોરિક્ષા ચલાવી પોતાનું ઘર ચલાવે છે. આ કેસ સાથે સંકળાયેલા ડી. જી. વણઝારા નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે ગિરીશ સિંઘલે સ્વૈચ્છિક નિવૃત્તી લઈ જીવનની એક નવી સફર શરૂ કરી છે.
આ ઘટનામાં જીવિત અને મૃત પાત્રો આપણી આસપાસ જ છે. જે દરેકની પાસે પોતાનું એક સત્ય છે, પણ અક્ષરધામ પર હુમલો કોણે કરાવ્યો? એનો ઉત્તર અવકાશમાં વિલીન થઈ ગયો હોય તેવું લાગે છે.
(સમાપ્ત)
Part 42 : 11 વર્ષ જેલમાં રહ્યા પછી બહાર આવેલા કયુમે કહ્યું, “આઈ એમ અ મુફતિ, આઈ એમ નોટ અ ટેરેરિસ્ટ.”
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796