જયારે પત્રકાર તરીકે મને ગુજરાતના અખબારઓ કામ આપવાની ના પાડી ત્યારે મારો માનસીક સમય ખુબ ખરાબ હતો,ખરેખર તો માનસીક સાથે આર્થિક ખરાબ સમયની પણ શરૂઆત થઈ હતી,કારણ જે કઈ થોડી ઘણી બચત હતી તે પણ ખર્ચાઈ ગઈ હતી, તે સમયમાં નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ તરફથી પ્રસ્તાવ આવ્યો કે હું નવજીવનનો હિસ્સો થઈ શકુ છુ,જો કે મારૂ મન ત્યાર ન્હોતુ તેની પાછળનું કારણ એવુ હતું કે હું વ્યકિતગત રીતે માનતો હતો, મારે અને ગાંધીને કોઈ નીસ્બત નથી, મારી વ્યકિતગત નિર્બળતાઓ અનેક છે તેવા સંજોગોમાં હું ગાંધીજી સ્થાપિત નવજીવનમાં કેવી રીતે ગોઠવાઈ શકુ, આ દ્વીધાના સમયમાં મારા પત્રકાર મિત્ર ઉર્વીશ કોઠારી સાથે મળવાનું થયુ તે મારી સ્થિતિને કારણે ચીંતામાં હતો, તેણે મારી દ્વીધાને સમજતા કહ્યુ કે તે અખબાર સામે જે લડાઈ લડી,તે તારી હતી કે તારા સાથીઓની મેં કહ્યુ ચોક્કસ મારા સાથી પત્રકારો માટે જ હતી.
ઉર્વીશ મારા જીવનની અનેક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે,તે મને એક પછી એક ઘટનાઓ ગણાવતો ગયો,તેણે મને કહ્યુ ગાંધી એટલે માત્ર ખાદી પહેરવી તેવો અર્થ થતો નથી, તારા જીવનની અનેક ઘટનાઓ એવી છે કે જેમા તારે કોઈ નીસ્બત ન્હોતી છતાં તેવી લડાઈનો તુ હિસ્સો બન્યો જેના કારણે અનેક લોકોના જીવનમાં કઈક સારૂ થાય તેવા પ્રયાસ તારા તરફથી થયા છે,તે બધી જ ઘટનાઓ તારી અંદર ગાંધી જીવતો હોવાન પુરાવો આપે છે, આખરે હું નવજીવન ટ્રસ્ટનો હિસ્સો થયો, જેના ભાગ રૂપે અમદાવાદની સાબરમતી જેલમાં ગાંધી વિચાર પરિક્ષા લેવાથી કામની શરૂઆત કરી , અને પછી હું મારા કેદીઓના સાથીના જીવનો હિસ્સો બની ગયો, કેદીઓને ગાંધી ભણાવવાની શરૂઆત કરી ત્યારથી જેલ અધિકારીઓ સહિત અનેકના મનમાં પ્રશ્ન હતો આજના સમયમાં ગાંધી કેટલા સાંપ્રત છે, જો કે ગાંધી કેટલા સાંપ્રત છે તે વિષય ઉપર કયારેય વિચાર્યુ જ ન્હોતુ.
પરંતુ આ દરમિયાન સાબરમતી જેલમાં એક ઘટના ઘટી,જેણે ગાંધી આજે પણ એટલા જ સાંપ્રત તેનો મને પુરાવા આપ્યો, સાબરમતી જેલમાં મિલન ઠક્કર નામનો એક યુવાન કેદી,મિલનની જીંદગી સરળ લિટીમાં ચાલી રહી હતી, પણ શ્રીમંત થવાની ઘેલછા તેને જેલમાં લઈ આવી,મિલન ઉપર બનાવટી ચલણી નોટ છાપવાનો આરોપ હતો,જેમાં તેને દસ વર્ષની સજા થઈ હતી, મિલન સામે પોલીસ કેસ નોંધાયો અને તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો,ત્યાર બાદ તેણે પોતાના બચાવ માટે વકિલ રોકયા અને કેસ ચાલ્યો, કેસની કાર્યવાહી દરમિયાન મિલન અને તેના વકિલની દલીલ હતી તેની ઉપર મુકવામાં આવેલો આરોપ ખોટો છે, અને પોલીસ દ્વારા મુકવામાં આવેલા આરોપ સાથે કોઈ સંબંધ નથી, મિલને પોતાના બચાવમાં તમામ પુરાવા રજુ કર્યા,જયારે પોલીસે મિલનના ગુનાના પુરાવાઓ રજુ કર્યા હતા,જો કે પોલીસના ્આરોપ અને મિલનના બચાવની વચ્ચે ખરેખર કોણ સાચુ છે તે ખુદ મિલન જ સારી રીતે જાણતો હતો. આમ છતાં કોર્ટે પોતાની સામે રજુ થયેલા પુરાવાઓ ધ્યાનમાં લઈ મિલન ઠક્કરને દસ વર્ષની જેલની સજા કરી હતી.
આમ મિલને પોતાના બચાવમાં જુઠ્ઠનો સહારો લીધો છતાં તે જુઠ્ઠ બચાવી શકયુ નહીં., આ દરમિયાન અમે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પત્રકારત્વ ભણાવવાની શરૂઆત કરી, મિલન પણ આ પત્રકારત્વના વર્ગનો વિધ્યાર્થી હતો, મિલનની સજાને પાંચ વર્ષ થઈ ગયા હતા, મિલનએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય કર્યો, સામાન્ય રીતે હાઈકોર્ટમાં થતી અપીલમાં તમામ કેદીઓ સેશન્સ કોર્ટ દ્વારા તેમને કરવામાં આવેલી સજા ખોટી રીતે થઈ છે તેવી જ દલીલ કરતા હોય છે, અને સેન્શન કોર્ટે બચાવના કયાં મુદ્દા ધ્યાનમાં લીધા નથી તેવા પુરાવા રજુ કરતા હોય છે આમ ફરી વખત કેદી હાઈકોર્ટમાં કેસના સત્યથી વિપરીત મુદ્દા રજુ કરી પોતાનો બચાવ કરતા હોય છે, પણ મિલનને કેસ અત્યાર સુધી મેં જોયેલા અને સાંભળેલા કેસ કરતા અલગ સાબીત થયો, મિલન ઠક્કર હાઈકોર્ટમાં વકિલ રોકયા વગર જાતે રજુ થયો તેેણે હાઈકોર્ટ પાસે પોતાની વાત પોતાના શબ્દોમાં રજુ કરવાની મંજુરી માંગી
ગુજરાત હાઈકોર્ટ સામે અપીલ કરતા મિલને ન્યાયાધીશને કહ્યુ મને સેન્શન કોર્ટે સજા કરી તે યોગ્ય જ છે, મારે મારા ગુનાનો કોઈ બચાવ કરવો નથી કારણ મેં પુર્વયોજીત ગુનો કર્યો હતો, મને ખબર હતી કે હું જે કઈ કરી રહ્યો છુ, તે ગુનો છે અને મને તે ગુનાની સજાની ખબર હતી,છતાં શ્રીમંત થવા માટે મે ટુંકો રસ્તો પસંદ કર્યો હતો, હું મારા ગુનાનો પહેલી વખત એકરાર કરી રહ્યો છુ, પરંતુ કોર્ટને મારી એટલી જ વિનંતી છે મારી યુવાન ઉમંરને ધ્યાનમાં લેવામાં આવે, ઘરે વૃધ્ધ માતા પિતા છે. મેં પાંચ વર્ષ સજા ભોગવી છે મારે એક નવી જીંદગી શરૂ કરવી છે, કોર્ટને પણ આશ્ચર્ય થયુ કારણ કોર્ટમાં આવનાર તમામ પોતે નિદોર્ષ હોવાનું કહેતા હોય છે, પણ તેમની સામે ઉભો રહેલો એક યુવાન કેદી પોતે ગુનેગાર હોવાનું કબુલી રહ્યો હતો. મિલન સેશન્સ કોર્ટમાં ખોટુ બોલ્યો, પરંતુ હાઈકોર્ટમાં તે સત્યની પડખે ઉભો રહ્યો, જેનું ચમત્કારીક પરિણામ આવ્યુ, હાઈકોર્ટે મિલનની પાંચ વર્ષની બાકી રહેલી સજા માફ કરી તેને છોડી મુકવાનો આદેશ કર્યો, મિલન જેલમાં પત્રકારત્વ ભણ્યો હતો,તે જેલની બહાર આવ્યો આજે નવજીવન ટ્રસ્ટમાં જ તે પ્રુફરીડર તરીકે એક સ્વમાનભરી જીંદગી જીવી રહ્યો છે.