Saturday, April 20, 2024
HomeGujaratમે તેમને સાબરમતી જેલના કેદીની વાત કરી અને તેઓ ભાવુક થઇ રડી...

મે તેમને સાબરમતી જેલના કેદીની વાત કરી અને તેઓ ભાવુક થઇ રડી પડ્યા

- Advertisement -

“જયંતભાઈ, અમદાવાદ જાઉં છું, કાયમ માટે ! ”

“ત્યાં જઈને શું કરશો ? ”

- Advertisement -

“અત્યારે તો ખબર નથી પણ રસ્તો આપોઆપ થઈ નહીં જાય ? તમે શું માનો છો ? ”

“જવું જ જોઈએ. તમારા માટે તમે આ યોગ્ય નિર્ણય લીધો. બહુ બધું શીખવા મળશે એટલે આંખ અને કાન ખુલ્લા રાખજો. મોઢું તો તમારું આમ પણ બંધ થશે જ નહીં…અને જો કે એ સારું છે, અમારા બધા માટે ! ”

ભાવનગરમાં પ્રસારના જૂના પુસ્તકોની સુગંધ ભરેલા ઓરડામાં શિયાળો ઓઢીને જંપેલી વર્ષ 2014 ની એક બપોર.

- Advertisement -

વર્ષ 2012 થી હું એમના સંપર્કમાં આવ્યો. કોલેજનું મારું પહેલું વર્ષ. પ્રસારમાં પુસ્તકો ખરીદવા જાઉં. નીરજભાઈ પુસ્તકોનું બીલ બનાવતા હોય ત્યારે દૂર સામે ઓરડામાં કમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ કાગળમાં સતત કશુંક ટપકાવતા જયંતભાઈ જોવા મળે. પહેલી મુલાકાતમાં હું અઢવઢમાં હતો ત્યારે એમના દીકરા નીરજભાઈએ કહ્યું કે, ‘‘ તમારે મળવું હોય તો જાઓ. પપ્પા પ્રેમથી મળશે.’’ અને હિંમત કરી ધીમા ડગલા ભરીને એમના ઓરડાના બારણે જઈ ટકોરા મારીને મેં પૂછ્યું હતું,

“તમને ડિસ્ટર્બ તો નથી કર્યાને ? ”

એમણે એક નજર મારા તરફ કરી, કોઈ પરિચય કળાયો નહીં કેમકે હતો જ નહીં, છતાં માયાળું સ્મિત કરીને બોલ્યા કે,

- Advertisement -

“આવો ભાઈ !”

પછી તો વાતોનો દોર ચાલ્યો. હું શું વાંચું છું એ હું એમને જણાવું. મારે કોને કોને વાંચવા જોઈએ એનું લીસ્ટ એ આપે. અમારી ગોઠડીઓ એ રીતે વધુ જામી જ્યારે એમણે જાણ્યું કે ભારતીય સાહિત્યમાં મારા પ્રિય સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોર છે. હવે પ્રસાર એ મારી બેઠકનું કાયમી સરનામું બની ગયું. કોલેજમાંથી લેક્ચર બંક કરીને પ્રસારમાં જયંતભાઈ સાથે કલાકો બેસવા આવતો રહું. વાર્તાકાર મિત્ર જિગ્નેશ જાની પણ આ બેઠકમાં ઉમેરાયા અને અમે લોકો ગમ્મે ત્યારે જયંતભાઈ પાસે પહોંચી જઈએ. શરૂ શરુમાં હું એમને ફોન કરીને આવતા પહેલા પૂછતો કે,

“તમને મળવાનું ધારું છું. સમય તો છે ને ? મેં ડિસ્ટર્બ તો નથી કર્યાને ?”

ફોનમાં એ હસતા અને એમનો હસતો ચહેરો નજર સામે તરવરી ઉઠે કે,

“તમારે હવે ફોન કરવાની જરૂર નથી રામ, મન થાય ત્યારે મળવા આવી શકો. અને હા, આવું બઘું પૂછવાની દરકાર લેશો તો ડિસ્ટર્બ જરૂર થઈશ.”

જયંતભાઈએ વાનગોગના ચિત્રો અત્યાર સુધી અનેક મિત્રોને ભેટમાં આપ્યા છે એમાંનો હું પણ એક એ નસીબદાર. પુસ્તકોની પણ અનેક ભેટ એમના તરફથી મળી છે પણ આ બધામાં સૌથી વધારે લોભ તો એ જાતે બનાવીને પીવડાવે એ આમળાના શરબત અને ગ્રીન ટી જાતે બનાવી પીવડાવે અને પૂછે કે,

“બહુ ભાવ્યું હોય તો હજું આપું ? ”

કલાકો સુધી વાતો કરતા હોઈએ અને એ વાતોમાં મગ્ન હોય. વાતો કરતા કરતા બહુ સહજતાથી આંખો છલકાઈ જાય, ગળે ડૂમો બાઝી જાય. મારા પરિવાર સાથે એમનો એક અલગ નાતો. મારી પત્ની સોનલને લઈને હું ત્રણ ચાર વખત મળવા ગયો. સોનલ સાથે પણ ખૂબ સ્નેહથી વાતો કરે અને હસીને એક વાત ખાસ કહે,

“અમારે રામ ભારે વાતોડિયા છે એટલે તમારું આ ઓછું બોલવું એને રમવાનું મોકળું મેદાન આપી દે છે. ”

એક વાત એ મને વારંવાર કહેતા કે,

“તમે તમારા મમ્મીને ‘બા’ કહો છો એ મને બહુ ગમે છે રામ. ‘બા’ સંબોધનમાં કેટલી મીઠાશ છે એ તો બા બોલનારો જ જાણે ! મને તમારા બા બાપુજીને મળવું છે. તમને મળવા ભાવનગર આવે ત્યારે ખાસ પ્રસારમાં લાવજો.”

હું મારા બા બાપુને લઈને પ્રસાર ગયો ત્યારે મારા બા બાપુ સાથે એમણે બહુ નિરાંતભરી વાતો કરી, વળતા મારી બા મને કે,

“ભાઈ દાદા તો બવ માયાળું, લાગે જ નહીં કે પેલ્લીફેર મળ્યા સવી. તેં તું એને ભાઈ કેમ કે ? ”

“કેમકે એ દાદા નથી !” મેં મારી બાને હસતા હસતા જવાબ આપેલો.

મારા બાપુએ એમને કહ્યું હતું કે,

“દાદા, રામના લગનમાં તમારે આવવાનું છે હોં ભૂલતા નહીં !” અને જયંતભાઈએ એમનો કોલ પાળ્યો. મારા લગ્નમાં શક્તિસિંહ પરમાર સાથે હાજર રહ્યા. શક્તિસિંહ પરમાર સાથેની મારી મૈત્રી અને વાતો જોઈને એ હંમેશા કહેતા,

“તમને અને શક્તિભાઈને આમ વાતો કરતા જોઉં, તમારી મિત્રતા જોઉં તો તમારા કરતાં તો હું વધારે રાજી થાઉં છું. આવા સંબંધો બહુ ઓછા મળે !”

હું અમદાવાદ શીફ્ટ થયો પછી અમારે ફોનથી વાતો થાય ત્યારે એ એક વાત અચૂક કહે,

“થાક ન લાગે એવા લોકો સાથે રહેજો તો કામ કરવાની મજા વધારે આવશે રામ”

ભાવનગર જાઉં ત્યારે એમને મળવા જાઉં અને સાથે બહાર જમવા જવા બાબતે એ વધારે ઉદાર. એમણે મને એનું મલક અને એના માનવીઓ સાથે ઓળખાણ કરાવી. એમાં નીરજભાઈ, નિહારભાઈ અને સોનબાઈ પણ ખરા જ !

એમણે અનુવાદિત કરેલા પુસ્તકો વિશે વાત કરીએ ત્યારે બહુ સહજપણે હસીને એ કહે,

“તમે મને માનો છો એટલો વિદ્વાન માણસ હું નથી, આ સર શબ્દ મને બહુ પચતો નથી. એનાથી અંતર વધારે લાગે. મને તમારે શા માટે વડિલ બનાવી દેવો છે. મિત્ર બનાવી રાખો તો વધુ આનંદ થશે.”

એક દિવસ એમનો કોલ આવેલો કે ‘’ રામ, તમને એક મજાની વાત કરું કે હું કદાચ અમદાવાદ શીફ્ટ થવાનું વિચારું છું. નજીવન ટ્રસ્ટ સાથે જોડાયો છું. વિવેકભાઈ, શિલ્પાબેન અને અપૂર્વભાઈ મજાના માણસો છે. તમને તક મળે તો આ લોકોને ખાસ મળજો.’’

એમણે આ ફોન કર્યો ત્યાં સુધીમાં શિલ્પા દેસાઈ સાથે મારી સારી એવી ઓળખાણ થઈ ચૂકી હતી. એમનું અમદાવાદ કાયમી આવી જવાનું તો ઉંમર અને તબિયતના લીધે શક્ય ન થયું પણ ‘નવજીવન ટ્રસ્ટ’ પરિવારના તેઓ મહત્વના સદસ્ય બન્યા. નજીવન ટ્ર્સ્ટ દ્વારા પ્રકાશિત થતા પુસ્તકો અને અનુવાદ કાર્યોમાં એમની વિદ્ધવતા ભળી. જૂલાઈ 2020 માં હું જ્યારે નવજીવન ટ્રસ્ટ સાથે જોડાયો ત્યારે મેં એમને હરખ કરવા કોલ કર્યો ત્યારે એમણે રાજી થતા કહ્યું,

“વિવેકભાઈ અને શિલ્પાબેનનો તમારા પ્રત્યેનો અપાર પ્રેમ તો હું તમારા લખાણમાં અને ફોટોગ્રાફ્સમાં અનુભવી શકું છું. તમારા માટે આ બહુ યોગ્ય સરનામું છે. નવજીવન તમારા જીવનમાં ખરા અર્થમાં નવજીવન લાવશે રામ. મને આનંદ છે કે આપણે બંને હવે એક પરિવારના સભ્યો છીએ.”

નવજીવન બ્લોકમાં તેઓ રહેવા આવતા એ ગેસ્ટ હાઉસ મારા ઘરની એકદમ બાજુમાં, એક જ ફળિયામાં એટલે મેં કહ્યું,

“જયંતભાઈ, તમારે હવે સીધા મારા ઘેર આવવાનું છે !”

“મારે કાંઈ તમારા આમંત્રણની રાહ ન જોવાની હોય. હું તો સોનલના હાથની ચા પીવા અચૂક આવીશ.” મને કાયમી અફસોસ કે એ ક્ષણ ક્યારેય આવી જ નહીં.

અમે ફોનમાં વાત કરીએ ત્યારે એ હંમેશા કહે, ‘’ રામ, તમે હંમેશા ભાગાભાગી જ કરો છો. નિરાંતે પલોઠીવાળીને જરા ચા પીવો.’’ હું એમને કહેતો કે, ‘’ તમારા જેવી ઋષિનિરાંત અમારે કમાવવાની બાકી છે જયંતભાઈ, આ હાયહોય અમારી નિયતિ છે ! ‘’ તો જવાબ આપતા કહે કે ‘’ મને તો એ રામ બહુ યાદ આવે જે કોલેજના લેક્ચર છોડીને મળવા આવતો, જેની આંખોમાં બહુ બધું વાંચવાનું, જોવાનું અને જાણવાનું બાકી છે એવી મીઠી ફરિયાદો હતી. સમય સાથે ઘણું બદલાણું, તમારા ભાવનગરના આંટાફેર ઘટી ગયા પણ પેલી જીજ્ઞાસા હજુ જીવતી કે છે જયંતભાઈ, બહુ બધું બાકી છે…અને એ વાત મને સૌથી વધારે ગમે છે.’’ એ આવી વાત કરે તો પછી તમે જ કહો કોને શેર લોહી ન ચડે !

ત્રણેક વર્ષથી કોલકતા જવાનું થાય છે. બે વખત શાંતિનિકેતન ગયો અને ત્યાંથી ફોન કરું અને કહું જયંતભાઈ, પુસ્તકમાં વાંચ્યુ હતું એવું જ છે બધું. એ રાજી થાય અને કોલકતામાં આટલી આટલી જગ્યાએ તો ખાસ જજો એનું લીસ્ટ ગણાવે. દરરોજ સાંજે હોટેલમાં પાછો ફરું ત્યારે આજે કેટલું જોયું એના વિશે નિરાંતે વાતો કરું. ટાગોરનું જન્મ સ્થાન અને અંતિમ સ્થાન ઠાકોરબાડીની હું વાતો કરું અને મને અનુભવાય કે સામા છેડે એમની આંખો વરસી રહી છે. અમારી વચ્ચે સશક્ત ‘રવીન્દ્ર સેતુ’ હતો. હું બંગાળી લખતા વાંચતા શીખું એમાં એમનું અનેરું પ્રદાન છે. ટાગોરના પ્રેમમાં હું વધારે ને વધારે ઉંડો ઉતરું એ દીશામાં જયંતભાઈને ઉંડો રસ. હું પહેલી વખત કોલકતા જતો હતો ત્યારે એમણે કહ્યું હતું,

“નવી જગ્યાએ જાઓ ત્યારે માણસો તો ઠીક પણ જગ્યા સાથે પણ વાતો કરજો !”

છેલ્લે એક એવી વાત જે મને આજીવન એક વાતનું મોટું સુખ અને નિરાંત આપશે કેમકે જાણ્યે અજાણ્યે એમની બહુ મોટી ઈચ્છા નવજીવન ટ્રસ્ટે પૂરી કરી છે.

નવજીવન ટ્રસ્ટ અને સાબરમતી સેન્ટ્રલ જેલ વચ્ચે સાંસ્કૃતિક અને શૈક્ષણિક કોલાબરેશન. જાણીતા પત્રકાર અને નવજીવન પરિવારના સદસ્ય પ્રશાંત દયાળ એ દિશામાં છેલ્લે બે વર્ષથી સક્રિય. નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈને મૂલ્ય શિક્ષણમાં વધારે રસ. સાબરમતી જેલના કેદીઓને નવજીવન વતી ભણાવવામાં આવે છે. જેલમાં જર્નાલીઝમના ક્લાસીસ ચાલે. બે ત્રણ મહીનાથી વિવેકભાઈ અને પ્રશાંતભાઈએ મને આમાં જગ્યા કરી આપી. મારે સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓને ભણાવવું એવું નવજીવન ટ્રસ્ટ વતી નક્કી થયું. જેલના કેદીઓને ભણાવવાના પુસ્તકો નક્કી થયા. વિવેક દેસાઈ અને પ્રશાંત દયાળ સાથે ચર્ચા કરી એવા પુસ્તકો પસંદ કર્યા જે સાબરમતી જેલના કારાવાસ દરમિયાન જ જે તે સર્જકોએ લખ્યા હોય. અને એમાંનું એક પુસ્તક એટલે ઝવેરચંદ મેઘાણી દ્વારા લિખિત ‘જેલ-ઑફિસની બારી’. નવજીવનમાં સોહમ પટેલ સાથે સમયાંતરે સમય કાઢીને પુસ્તકોની, ઈતિહાસની અને વાંચન લેખનની નિરાંતે વાતો કરવાની મને ટેવ. વાતવાતમાં મેં એમને જણાવ્યું કે આપણે સાબરમતી જેલમાં કેદીઓ માટે મેઘાણીનું ‘જેલ- ઑફિસની બારી’ પુસ્તક અભ્યાસક્રમમાં લીધું છે. સોહમભાઈએ તરત કહ્યું કે ‘’ આ વાત તમે જયંતભાઈ સુધી પહોંચાડજો કેમકે એમની બહુ જ ઈચ્છા હતી કે મેઘાણીનું આ પુસ્તક કોઈપણ રીતે સાબરમતી જેલના કેદીઓ સુધી પહોંચે, જયંતભાઈ માટે બહુ મોટી વાત છે. એમને આ વાતની જાણ થશે તો બહુ રાજી થશે.’’ સોહમભાઈ સાથે વાત થઈ પછી જયંતભાઈ સાથે વાત કરવાની રહી જ જતી હતી એમાં ચારેક દિવસ પહેલાં રાત્રે આઠેક વાગ્યાના સુમારે મેં એમને કોલ કરીને આ વાત જણાવી કે જયંતભાઈ, નવજીવન ટ્રસ્ટે સાબરમતી જેલના કેદીઓના અભ્યાસક્રમમાં મેઘાણીનું ‘જેલ-ઑફીસની બારી’ પુસ્તક સમાવ્યું છે. અત્યારે હું કાલેલકરનું ‘ઓતરાતી દીવાલો’ ભણાવું છું, એ પૂરું થાય એટલે મેઘાણીનું આ પુસ્તક કેદીઓને ભણાવવાનું શરું કરીશ !’’ મારી વાત પૂરી નહોતી થઈ અને એ નાના બાળકની જેમ ભાવુક થઈ રડી પડ્યા. જયંતભાઈ સાથે વાતો કરતાં કરતાં ફોનમાં બંને છેડે ઢીલા પડી જવું એ અમારે મન પહેલી વારની ઘટના નહોતી પણ આ વખતે એમનો આંસુભીનો હરખ કંઈક વધારે ઘાટ્ટો હતો. મેં કહ્યું કે, ‘’ જયંતભાઈ, મને તો સોહમભાઈએ વાત કરી ત્યારે જાણ થઈ કે તમારી બહુ વર્ષોથી આ ઈચ્છા હતી કે મેઘાણીનું આ પુસ્તક જે જેલમાં લખાયું એ જ જેલના કેદીઓ સુધી પહોંચે. સોહમભાઈએ કહ્યું કે આ વાત હું તમને જણાવું કે જુઓ નવજીવને બહુ સરસ રસ દાખવ્યો છે. વિવેકભાઈ અને પ્રશાંતભાઈએ આ વાતને વધાવી લીધી અને વિવેકભાઈએ તો પુસ્તકોની કોપી મંગાવી લીધી. મારી પાસે કોપીસ પણ આવી ગઈ છે.’’ એ ફોનમાં જયંતભાઈ વધારે કશું બોલી નહોતા શક્યા પણ એમનો રાજીપો અને હરખભર્યા હોંકારાઓ અંતરમનને ભીના કરતા હતા. આ અમારી થયેલી છેલ્લી વાત !

જયંતભાઈ, જ્યારે જ્યારે ટાગોરને વાંચીશ, કોલકતાની ગલીઓમાં ફરીશ કે જૂના પુસ્તકોની ગંધ માણીશ ત્યારે તમે અચૂક યાદ આવશો ! તમે મારા જીવનમાં બંગાળી સાહિત્યનું જાગતું પડળ બનીને આવ્યા. મારા આત્મવિશ્વાસના કોડિયામાં તમે સ્નેહનું દીવેલ હંમેશા સીંચતા રહ્યા છો. એ દરેક ક્ષણ માટે, આ સંબંધ માટે હું પરમ પિતા પરમેશ્વરનો નતમસ્તક છુ.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular