નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ શહેરના સૌથી મોટા ગુંડાઓની યાદીમાં સામેલ ધર્મેન્દ્રસિંહ બારડ ઉર્ફે ધમા બારડને ગોળી વાગતા (Criminal Dhama Barad shot by police) હાલ સરકારી હૉસ્પિટલના બિછાને પડ્યો છે. કારણ કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ ધમા બારડને પકડવા ગઈ ત્યારે તેણે પીઆઈ મેહુલ ચૌહાણ પર કરેલા હુમલામાં તેમનો દાંત તૂટી (PI Mehul Chauhan injured in attack by criminal) ગયો છે. સ્થળ પરથી ફરાર થવા માટે ધમા બારડે કરેલી ઝપાઝપીમાં તેના પગના પંજામાં ગોળી વાગી છે. અત્રે નોંધનીય છે કે, ધમા બારડ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, રાયોટિંગ, આર્મ્સ એક્ટ જેવા 26 ગુનાઓ અને પીઆઈની હત્યાનો પ્રયાસ એમ કુલ 27 ગુના નોંધાઈ ચૂક્યાં છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર કુખ્યાત ધમો બારડ સાયન્સ સિટી રોડ પર આવેલી હૉટલ ટેરાઝોમાં રોકાયો છે તેવી માહિતી પોલીસને મળી હતી. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ના પીઆઈ મેહુલ ચૌહાણ ટીમ સાથે હૉટલ પર પહોંચ્યા હતા. ધમા બારડને પકડીને પોલીસ વાહનમાં ક્રાઈમ બ્રાંચ ખાતે લવાઈ રહ્યો હતો ત્યારે તેણે મોકાનો લાભ લઈ બળ પ્રયોગ કરી ભાગવાની કોશિષ કરી હતી. ધમા બારડે કરેલા હુમલામાં પીઆઈ મેહુલ ચૌહાણનો દાંત તૂટી ગયો હતો તેમજ હાથના ભાગે ઈજા પહોંચી હતી. આ સમયે ધમાને કાબૂ કરવા માટે પીઆઈએ પિસ્તૉલ કાઢતા ઝપાઝપી દરમિયાન ફાયરિંગ થયું અને ધમાના પંજામાં ગોળી વાગતા તે ધરાશાયી થઈ ગયો હતો. હાલ હૉસ્પિટલના બિછાને પડેલા ધમા બારડ સામે પોલીસ અધિકારીની હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. એકાદ દિવસમાં ધમા બારડની ક્રાઈમ બ્રાંચ કસ્ટડી મેળવશે. ક્રાઈમ બ્રાંચના કેસ બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવશે.








