નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ મોંઘવારી વચ્ચે હવે સામાન્ય લોકો માટે વધુ એક ઝટકાના સમાચાર સામે આવ્યા છે. દૈનિક ઉપયોગની વસ્તુઓના વધતા ભાવ વચ્ચે હવે લોકપ્રિય બિસ્કિટ બ્રાન્ડ ગુડ-ડે (Good Day) પણ મોંઘી થવા જઈ રહી છે. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝે પોતાના ગુડ-ડે બ્રાન્ડ હેઠળના અનેક બિસ્કિટ પેકના good day biscuit ભાવમાં અંદાજે 8થી 9 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
મળતી માહિતી મુજબ, બ્રિટાનિયાના ગુડ-ડે ફેમિલી પેક હવે વધુ મોંઘા મળશે. પિસ્તા બાદામ બિસ્કિટનો 526 ગ્રામનો પેક, જે હાલમાં ₹130માં મળે છે, હવે ₹140માં મળશે. બટર ફેમિલી પેકની કિંમત હવે ₹120 થશે, જ્યારે કાજુ ફેમિલી પેક ₹130માં ઉપલબ્ધ રહેશે.
નાના પેક ખરીદતા ગ્રાહકોને પણ આ ફેરફારની અસર થશે. ₹5 અને ₹10ના પેકેટમાં કંપની સીધો ભાવ વધારો નહીં કરે તેવી શક્યતા છે, પરંતુ તેના બદલે બિસ્કિટનું વજન ઘટાડવામાં આવી શકે છે. એટલે કે ગ્રાહકોને સમાન કિંમતે ઓછી માત્રા મળશે.
કંપનીએ આ ભાવ વધારો પાછળ કાચા માલ અને પેકેજિંગ ખર્ચમાં થયેલા વધારાને કારણભૂત ગણાવ્યા છે. કંપનીએ પોતાની તાજેતરની અર્નિંગ કોન્ફરન્સ કોલમાં જણાવ્યું હતું કે પસંદગીના આધારે ભાવ વધારો કરવામાં આવશે. તેમાં નાના પેકમાં વજન ઘટાડવાનો અને ₹10થી વધુ કિંમતવાળા પેકના ભાવ વધારવાનો સમાવેશ થાય છે.
બ્રિટાનિયા માટે ગુડ-ડે બ્રાન્ડ આવકનો મોટો સ્ત્રોત છે. કંપનીની કુલ આવકમાં બિસ્કિટ સેગમેન્ટનો હિસ્સો અંદાજે 70થી 75 ટકા છે, જેમાં માત્ર ગુડ-ડે બ્રાન્ડનું યોગદાન આશરે ₹3,500 કરોડ હોવાનું જણાવાયું છે. આ બિસ્કિટ સેગમેન્ટ કંપની માટે 18થી 20 ટકા EBITDA માર્જિનનો આધાર પણ છે.
કંપનીના ચોથી ત્રિમાસિક પરિણામો વચ્ચે આ ભાવ વધારો સામે આવ્યો છે. કંપનીની કુલ આવક ગયા વર્ષની સરખામણીએ 6.5 ટકા વધીને ₹4,719 કરોડ થઈ છે, જ્યારે EBITDA 5.9 ટકા વધીને ₹853 કરોડ થયું છે. જોકે બંને આંકડા બજારના અંદાજ કરતાં ઓછા રહ્યા છે.
EBITDA માર્જિન 18.1 ટકા રહ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 9 બેઝિસ પોઇન્ટ અને અગાઉની ત્રિમાસિકની સરખામણીએ 165 બેઝિસ પોઇન્ટ ઓછું છે. કંપનીએ તેના માટે જાહેરાત ખર્ચમાં થયેલા વધારાને જવાબદાર ગણાવ્યો છે.
જોકે કંપનીનો શુદ્ધ નફો અપેક્ષા કરતાં વધુ રહ્યો છે. નેટ પ્રોફિટ 21.1 ટકા વધીને ₹678 કરોડ સુધી પહોંચ્યો છે. કંપનીએ પ્રતિ શેર ₹90.5ના અંતિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.
કંપનીના બિઝનેસ પ્રદર્શન અંગે જણાવાયું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન વેચાણમાં આશરે 9 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે માર્ચમાં વ્યવસાય નબળો રહ્યો હતો.








