નવજીવન ન્યૂઝ, સુરત : શેરીના કૂતરાઓના હુમલાની સમસ્યા ચિંતાજનક બની રહી છે. રખડતા શ્વાન દૂર કરવા અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો (Supreme Court verdict on stray dogs) આપી ચૂકી છે. કૂતરાઓ દ્વારા થતાં હુમલાના અનેક વખત બનાવો બની ચૂક્યાં છે અને કેટલાંક કિસ્સાઓમાં તો બાળકો સહિતના લોકો જીવ પણ ગુમાવી ચૂક્યાં છે. સુરત શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક માસૂમ બાળક પર એક બાદ એક એમ ત્રણ શ્વાન એકઠાં થઈને હુમલો (Dogs attack child in Surat city) કરી બચકાં ભર્યા છે.
સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી બેગમવાડીની તિરૂપતિ માર્કેટના પાર્કિંગમાં એક શ્રમિક પરિવારના બાળક પર રખડતા શ્વાનના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. બાળક પાર્કિંગમાં હાજર હતું ત્યારે એક કૂતરાએ હુમલો કરતા અન્ય બે શ્વાન પણ તેની સાથે જોડાઈ ગયા હતા અને બાળકને બચકાં ભરવા લાગ્યા હતા. બાળક બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને કૂતરાઓએ એકઠાં થઈને દસેક ફૂટ સુધી ઢસડ્યો હતો. કૂતરા ભસવાનો અવાજ અને બાળકની ચીસો સાંભળીને એક ભાઈએ દોડી આવતા માસૂમનો છૂટકારો થયો હતો. ગઈકાલે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવતા લોકોમાં રોષનો માહોલ છે.








