પ્રશાંત દયાળ નવજીવન : થોડા દિવસ પહેલા મને મારા નવજીવનના સાથી સોહમ પટેલનો ફોન આવ્યો તેણે મને કહ્યુ કે મારા એક મિત્ર પ્રોફેસર તાના ત્રિવેદી એક પુસ્તક ઉપર કામ કરી રહ્યો છે ગાંધીજીએ અમદાવાદ આવી જે ચાર સંસ્થા શરૂ કરી તેમાં ગાંધી આશ્રમ, ગુજરાત વિધ્યાપીઠ, નવજીવન અને મજુર મહાજન હતી, અમદાવાદમાં ત્યારે 80 કરતો વધુ કાપડ મિલો હતી, મિલ માલિકો અને મજુરો અનેક વખત સામ-સામે આવી જતા હતા, એટલે ગાંધીજીએ મજુરો અને માલિકો વચ્ચે સુલેહ રહે તે માટે મજુર મહાજનની શરૂઆત કરી જેમાં માલિક તરફથી અંબાલાલ સારાભાઈ અને મજુરોના પ્રતિનિધિ તરીકે અંબાલાલ ત્રિવેદી રહેતા હતા, પ્રોફેસર તાના તેમના પૌત્રી થાય છે. જો કે અંબાલાલ ત્રિવેદીનું 1938માં નાની વયે નીધન થઈ ગયુ પરંતુ તાના પાસે પોતાના પિતા પ્રફુલ ત્રિવેદીના હાથે લખેલી એક ડાયરી છે, 1942 હિન્દ છોડો આંદોલન વખતે બંગાળના ક્રાંતીકારીઓને અમદાવાદના આશ્રય આપવાના ગુનામાં પ્રફુલ ત્રિવેદીની ધરપકડ થઈ હતી ત્યારે તેઓ અમદાવાદની એચ એલ કોલેજના વિધ્યાર્થી હતા.
17-18 વર્ષના પ્રફુલ ત્રિવેદીની ધરપકડ બાદ તેમણે નોંધેલી ડાયરીમાં તેઓ લખે છે અંગ્રેજ અધિકારીઓ તેમને અમદાવાદમામં આવેલી ગાયકવાડ હવેલીમાં લઈ ગયા જયાં એક સપ્તાહ સુધી પારાવાર યાતના આપી ત્યાર બાદ તેમને અમદાવાદની સાબરમતી જેલમાં આવેલા છોટાચક્કરમાંમાં આવેલી ચાર નંબરની ખોલીમાં 16 મહિના સુધી રાખવામાં આવ્યા હતા, અત્યંત સાંકડી ખોલી , વાસણના નામે એક તગારા જેવુ વાસણ હતું, ખોલીમાં બાથરૂમ પણ નહીં તે જ વાસણમાં બાથરૂમ કરવાનું અને ખોલી ખોલે ત્યારે તેને બહાર ફેંકી દેવાનું, તે વાસણ ધોઈ તેમાં જ પાણી પીવાનું અને તે જ વાસણમાં જેલ અધિકારીઓ જમવાનું આપતા હતા, તેમની બાજુની ખોલીમાં ગાંધીના સાથી નરહરિ પરિખ પણ રહેતા હતા, આમ 16 મહિના તેમણે સાબરમતી જેલમાં પસાર કર્યા હતા, પ્રફુલ ત્રિવેદી પોતાની ડાયરીમાં નોંધે છે ખોલીમાં એક નાનકડો બલ્બ સળગતો હતો પણ તેઓ પ્રકાશ એટલો ઓછો હતો કે તેમા કઈ પણ વાંચી શકાતુ ન્હોતુ.
જેલવાસ પુરો કરી પ્રફુલ ત્રિવેદી બહાર આવ્યા અને પોતાનો આગળનો અભ્યાસ પુરો કરી એચ એલ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા, ત્યારે આખી કોલેજમાં એક જ છોકરી અભ્યાસ કરતી તેનુ નામ મધુ પટેલ, સમય જતાં પ્રફુલ ત્રિવેદી અને મધુ પટેલ પ્રેમમાં પડયા અને તેમણે લગ્ન કર્યા,. તેમને સંતાનમાં બે દિકરી તાના અને રીરી, મધુબહેને ત્રણ દાયકા સુધી ચાર્ટડ એકાઉન્ટ તરીકે પ્રેકટીસ કરી, 2013માં પ્રફુલભાઈ ત્રિવેદીનું નિધન થયુ, હવે તેમના દિકરી પ્રોફેસર તાના ત્રિવેદી પોતાના દાદા અંબાલાલ ત્રિવેદી ઉપર એક પુસ્તક લખી રહ્યા છે ત્યારે તેમના માટે પોતાના પિતા પ્રફુલ ત્રિવેદીની આ ડાયરી ખુબ મહત્વની સાબીત થઈ રહી છે, આ સંસોધન કાર્યમાં સહયોગ આપતા મારા સાથી સોહમ પટેલની મુલાકાત જયારે મધુબહેન ત્રિવેદી સાથે થઈ ત્યારે તેમણે ઈચ્છા વ્યકત કરી કે મારા પતિ પ્રફુલ ત્રિવેદીને 1942માં જે બેરેકમાં રાખવામાં આવ્યા તે જગ્યા મારે એક વખત જોવી છે આજે મધુબહેન ત્રિવેદીની ઉમંર 85 વર્ષ છે.
મેં આ સંદર્ભમાં સાબરમતી જેલના સુપ્રીટેન્ડન્ટને રોહન આનંદને વાત કરી ત્યારે તેમણે કહ્યુ દેશની આઝાદીમાં લડત આપનાર સ્વંતત્રતા સેનાઓ અંગે આપણને જાણવા મળે અને તેમના પરિવારને આપણે મળીએ તે તો આપણુ સૌભાગ્ય છે અમે સાબરમતી જેલમાં ગયા મારી સાથે મધુબહેન, તેમની દિકરી તાના અને તાનાની દિકરી કિયારા હતી, જેલ અધિકારીના સહયોગને કારણે મધુબહેન, તાના અને કિયારાએ જયાં પ્રફુલ ત્રિવેદી જે બેરેકમાં રાખવામાં આવ્યા હતા જો કે વર્ષો પુરાણી બેરેક હવે જર્જીરીત થઈ ગઈ છે હવે ત્યાં કોઈ કેદી રહેતા નથી, જયાં પ્રફુલ ત્રિવેદી રહેતા હતા તે બેરેક જોઈ મધુબહેન અને તાના ભાવુક થઈ ગયા હતા, નાનકડી કિયારા પોતાના દાદા જે બેરેકમાં રહેતા હતા તે જોઈ તેની આંખોમાં કૌતુક હતુ, પાછા ફરતી વખતે ગાંધી ખોલીમાં જઈ ગાંધીની પ્રતિમાને વંદન કર્યા તેમજ સરદાર યાર્ડ પણ જોઈ તમામની આંખમાં દેશના લડવૈયા માટેનો આદર જોવા મળતો હતો, જેલના કેદીઓને પણ મધુબહેન મળ્યા, કેદીને મળ્યા પછી તેમણે મને પુછયુ આ ખુંખાર કેમ નથી મેં મઝાકમાં કહ્યુ જેલમાં તો તમારા અને મારા જેવા જ માણસો છે ખુંખાર તો જેલની બહાર જ રહે છે.
હું છેલ્લાં પાંચ વર્ષથી વધુ સાબરમતી જેલના કેદીઓના શિક્ષણ અને સમાજમાં પુનસ્થાપન માટે એક નાનકડો પ્રયત્ન કરૂ છુ, પરંતુ આઝાદી માટે લડનાર પ્રફુલ ત્રિવેદી જેવા અનેકો કેટલી યાતનામય સ્થિતિમાંથી પસાર થયા હશે તેની મને સુધ્ધા કલ્પના ન્હોતી, જેલમાં રહેલા કેદીઓને જયારે ખબર પડી કે મધુબહેનના પતિ એક ક્રાંતીકારી તરીકે 1942માં જેલવાસ ભોગવી ચુકયા છે ત્યારે તેઓ પણ મધુબહેનને વંદન કરી તેમનું રૂણ અદા કરતા હતા, સોહમ મારો જુનો સાથી છે, તે સંશોધક પણ છે ખુબ વાંચે છે અને સમજે છે, અમે સરદાર યાર્ડમાંથી બહાર નિકળી રહ્યા હતા ત્યારે સોહમે મને કહ્યુ આઝાદી આપણને ભીખમાં મળી નથી, મેં તેની સામે જોયુ તેના ચહેરા ઉપર સુચક સ્મીત હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.