પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-42): Akshardham Temple Attack Series : અમદાવાદ ક્રાઇમબ્રાંચે (Ahmedabad Crime Branch) પકડેલા તમામ આરોપીઓને સુપ્રીમ કોર્ટે (Supreme Court) છોડી મૂક્યા હતા. સાથે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત પોલીસે કરેલી તપાસ સામે કેટલાક પ્રશ્નો પણ ઊભા થયા હતા. અમદાવાદ ક્રાઇમબ્રાંચે પકડેલા તમામ આરોપીઓ જો દોષિત નહોતા; તો પછી અક્ષરધામ ઉપર હુમલો કોણે કર્યો હતો? આ મુખ્ય સવાલ ઊભો થયો હતો.
અક્ષરધામ હુમલામાં (Akdhardham Attack) 32 નાગરિકો અને 4 પોલીસ જવાનો મોતને ભેટ્યા હતા. ગુજરાત પોલીસ (Gujarat Police) માટે શરમજનક સ્થિતિ નિર્માણ થઈ હતી. કારણ કે, અમદાવાદ ક્રાઇમબ્રાંચે પકડેલા તમામ આરોપીઓને સુપ્રીમ કોર્ટ નિદોર્ષ જાહેર કરી ચૂકી હતી. એનો અર્થ એ હતો કે, દોષિત હજી પણ બહાર જ ફરી રહ્યા હતા. જેને હજી સુધી પોલીસ શોધી શકી નહોતી.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ફરી પેલી ચર્ચા શરૂ થઈ હતી કે, પોતાનું રાજકીય કદ વધારવા માટે નરેન્દ્ર મોદી અને અમીત શાહે જ અક્ષરધામ ઉપર હુમલો કરાવ્યો હશે. જોકે તેનો કોઈ જ પુરાવો નહોતો. પરંતુ હવે એક તર્ક હતો કે, જો પોલીસે પકડેલા આરોપીઓ સાચા હતા તો છૂટી કેમ ગયા? અનેક શંકા–કુશંકાઓ વચ્ચે બહાર આવેલા મુફતી કયુમે સાબરમતી જેલમાંથી છુટ્યા પછી કંઈક લખવાની શરૂઆત કરી હતી. કારણ કે, તેમના મનમાં ઉદ્વેગ હતો કે, જો હું નિદોર્ષ હતો તો પછી મેં જેલમાં પસાર કરેલા અગિયાર વર્ષનો હિસાબ કોણ આપશે?
જેલમાંથી બહાર આવ્યા પછી મુફતી કયુમે એક પુસ્તક લખ્યું છે. જેનું નામ છે, ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’. આ પુસ્તક પ્રસિદ્ધ થતાં આઈ.પી.એસ. અધિકારી ડી. જી. વણઝારાએ (D G Vanzara) તરત મુફતી કયુમ વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો. વણઝારાનો આરોપ હતો કે, મુફતી કયુમે પુસ્તકમાં જે કંઈ દાવા કર્યા છે, તેમાં વજૂદ નથી. જેના કારણે તેમની પોતાની તેમ જ ગુજરાત પોલીસની છબી ખરડાઈ છે. આ મામલો હજી કોર્ટઆધીન છે.
બીજી તરફ મુફતી કયુમે પણ પોતાના અગિયાર વર્ષ માટે વળતરની માગણી કરી છે. તેનો પણ ચુકાદો હજી સુધી આવ્યો નથી. અગિયાર વર્ષ પહેલાની ઘટના યાદ કરતાં મુફતી કયુમ કહે છે, “2002નાં તોફાન પછી શહેરનો માહોલ તો સારો નહોતો. અમદાવાદ પોલીસ દરિયાપુરમાંથી કોઈને ને કોઈને ક્રાઇમબ્રાંચમાં લઈ જતી હતી. આ સમય ઓગષ્ટ 2003નો હતો. જેમને ક્રાઇમબ્રાંચ લઈ જતી અને છોડી દેતી; તેઓ પાછા આવી મને કહેતા હતા કે, ક્રાઇમબ્રાંચના અધિકારીઓ તમારા વિશે પુછપરછ કરી રહ્યા હતા. એટલે મને અંદેશો હતો કે, મને પણ ક્યારેક ક્રાઇમબ્રાંચ બોલાવશે, પણ મામલો આટલો ગંભીર હશે; તેની મને ખબર નહોતી.
2002નાં તોફાનમાં મેં મુસ્લીમો માટે રાહતકેમ્પ શરૂ કર્યો હતો. સ્વભાવિક છે કે, સરકારને તે વાત પસંદ નહોતી એટલે મારો અંદાજ હતો કે, મને કેમ્પ સંબંધમાં કોઈ સવાલ પુછશે. તા 17 ઓગષ્ટ 2003નો દિવસ હતો, મને ક્રાઇમબ્રાંચમાંથી સબઇન્સપેક્ટર નિસાર મલિકનો ફોન આવ્યો. અમે સલામ દુઆ કરી, પછી મને નિસાર મલિકે કહ્યું કે, તમારે ક્રાઇમબ્રાંચ આવવવાનું છે.
મને જે અંદેશો હતો તે સાચો પડ્યો. તે દિવસે હું નવસારી પાસે આવેલા ડાભેલમાં હતો. મારી સાથે મારાં બાળકો પણ હતાં. મારો નાનો દિકરો મુરાબ હજી નવ મહિનાનો હતો અને મોટો દીકરો મુઆવીયા પાંચ વર્ષનો હતો. બાળકો સાથે હોવાને કારણે મને ડર લાગ્યો કે, બાળકોની હાજરીમાં મને પોલીસ લેવા આવશે; તો બાળકો ડરી જશે. જેથી હું ખોટું બોલ્યો. મેં કહ્યું કે, હું પાલનપુર છું. સાંજે આવી જઈશ. તેમણે મને કહ્યું કે, ભલે, આવીને ફોન કરજો.
હું એ જ દિવસે સાંજે અમદાવાદ આવી ગયો. પરિવારને છોડી દરિયાપુર લોંખડવાલા હોસ્પિટલ પાસે આવી મેં પી.એસ.આઈ. નિસાર મલિકને ફોન કર્યો. ત્યારે તેમણે મને કહ્યું કે, તમે મસ્જિદમાં નમાઝ પઢો, અમે ત્યાં આવીએ છીએ.
સાંજની નમાઝનો સમય થઈ ગયો હતો. હું નમાઝ પઢી રહ્યો હતો ત્યારે મારી પાછળ ક્રાઇમબ્રાંચવાળા નિસાર મલિક અને મહેબૂબ મલિક પણ નમાઝ પઢી રહ્યા હતા. નમાઝ પૂરી થતાં એ મને લઈ ક્રાઇમબ્રાંચ આવ્યા. મને પોલીસ ઇન્સપેક્ટર આર. આઈ. પટેલની ચેમ્બરમાં લઈ ગયા અને ત્યાં મારી આંખ પર પટ્ટી બાંધી દેવામાં આવી.
મોડી રાતે મને એ.સી.પી. ગિરીશ સિંઘલ (ACP Girish Singhal) પાસે લઈ ગયા. તે મને હૈદરાબાદથી કોણ આવ્યુ હતું? એવો સવાલ પુછી રહ્યા હતા, પણ મને કયા સંદર્ભમાં પુછી રહ્યા છે; તેનો અંદાજ આવી રહ્યો હતો. સિંઘલ સાહેબ મારી પર નારાજ પણ થયા, પણ એ રાતે મને નિસાર મલિક અને એ. એ. ચૌહાણ મળવા આવ્યા હતા. બંને પોલીસ અધિકારી મુસ્લીમ હતા. તેમણે મને કહ્યું કે, મામલો ગંભીર છે. તમે પોલીસને સહકાર આપજો. ત્યારે મેં પણ પુછ્યું કે, મામલો શું છે? તો તેમણે મને કહ્યું હતું કે, અક્ષરધામ કેસમાં તમને લાવ્યા છે. આ સાંભળી મારા પગ નીચેથી જમીન ખસી ગઈ!
ત્યારપછી અક્ષરધામ કેસમાં ‘પોટા’ એક્ટ હેઠળ મારી ધરપકડ થઈ. પોલીસ રિમાન્ડ થયા અને પછી અમે બધી જ સ્થિતિનો સામનો કર્યો. સેશન્સ કોર્ટે મને કસુરવાર ઠહેરાવી ફાંસીની સજાનો હુકમ કર્યો. ગુજરાત હાઇકોર્ટે પણ સજા યથાવત્ રાખી. આખરે અગિયાર વર્ષ પછી મને અને મારા સાથેનાઓને સુપ્રીમ કોર્ટે નિદોર્ષ છોડ્યા.”
મુફતી શ્વાસ લેવા થોડું રોકાયા. પછી મારી સામે જોતાં કહ્યું, “અગિયાર વર્ષ સુધી ત્રાસવાદીનું સ્ટિકર કપાળ પર લગાવીને રહેવું કેટલું પીડાદાયક હોય છે! તેની તમને ખબર નહીં પડે. હું મુફતી છું, પણ ત્રાસવાદી નથી.”
હું અને મુફતી કયુમ વાત કરી રહ્યા હતા ત્યારે એક જુવાન છોકરો પરંપરાગત મુસ્લીમ પહેરવેશમાં ત્યાં બેઠો હતો. એ અમારી વાત સાંભળી રહ્યો હતો. મેં અચાનક તેની સામે જોતાં પુછ્યું, “આ કોણ છે?”
મુફતીએ કહ્યું, “આ મારો મોટો દિકરો મુઆવીયા છે. હું પકડાયો ત્યારે એ પાંચ વર્ષનો હતો. હજી સ્કૂલમાં જવાની એની શરૂઆત જ હતી.”
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796