Thursday, June 4, 2026
HomeGujaratAhmedabad'જય શ્રીરામ' બોલવાની ફરજ પાડનાર યુવકને અમદાવાદ પોલીસે બચાવ્યો, સામ-સામે ફરિયાદ

‘જય શ્રીરામ’ બોલવાની ફરજ પાડનાર યુવકને અમદાવાદ પોલીસે બચાવ્યો, સામ-સામે ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : બિન હિન્દુ પરિવારને ‘જય શ્રીરામ’નો નારો લગાવવાની ફરજ પાડી રહેલા એક યુવકને ટોળાએ ઘેરી લેતા જીવ જોખમમાં આવી ગયો હતો. નશામાં ચૂર 23 વર્ષીય યુવાન તેની હરકતના કારણે જોખમમાં મુકાતા મધરાત્રિના પેટ્રોલિંગ કરી રહેલા ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેની વ્હારે આવ્યો હતો. યુવકને પોલીસ વાનમાં દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ જીપને ઘેરી લઈ તેને મારી નાંખવા પ્રયત્નશીલ બન્યું હતું. પોલીસ પર કરાયેલા હુમલાને લઈને ટોળા સામે હત્યાના પ્રયાસનો ગુનો તેમજ યુવક સામે છેડતી તથા પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.

શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા ભુલાભાઈ ચાર રસ્તા પાસે શનિવારની મધરાતે એક બિન હિન્દુ પરિવાર પસાર થઈ રહ્યો હતો. તે સમયે રાજદીપ સામંત ઉર્ફે રાજ નામના એક શખસે પરિવારને રસ્તામાં રોકી તેમને ‘જય શ્રીરામ’ બોલવાની ફરજ પાડી હતી. પરિવારમાં સામેલ મહિલા સહિતના લોકો સાથે બહેરામપુરા વિસ્તારમાં શ્રી ફલેટ ખાતે રહેતા રાજ સામંતે ખરાબ વ્યવહાર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં બિન હિન્દુ પરિવારની તરફેણમાં કેટલાંક શખસો દોડી આવ્યા હતા અને મામલો બિચક્યો હતો. દરમિયાનમાં કે ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં સ્થળ પાસેથી પસાર થતાં સમય-સ્થિતિ પારખી જતાં યુવકને પોલીસ જીપમાં બેસાડી દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો. જીપ પોલીસ સ્ટેશન બહાર પહોંચી ત્યારે તેનો પીછો કરીને કેટલાંક શખસોએ વાહન પર પીછો કર્યો હતો અને જીપને ઘેરી લઈ બારીમાંથી હાથ નાંખીને યુવકને ફેંટો મારતા હતા. પોલીસ સ્ટેશનની બહાર એકઠાં થયેલાં ટોળાએ “ઈસ કો બહાર નીકાલો ઓર ઈસે માર ડાલો” તેમ કહી બૂમો પાડવા લાગ્યું હતું. જેથી હેડ કૉન્સ્ટેબલ ઈમરાનખાન મકરાણીએ સાથી મિત્રો અને હોમગાર્ડ જવાનોની મદદથી યુવક રાજદીપ સામંતને ટોળાથી બચાવી પોલીસ સ્ટેશનમાં લઈ જતા હતા. તે સમયે ટોળાએ હોમગાર્ડ જવાનોને ગડાદાપાટુનો મારી છુટ્ટી ઈંટ ફેંકી હતી. હોમગાર્ડ જવાન ચિરાગભાઈને નાકના ભાગે ઈજા થતાં લોહી વહેવા લાગ્યું હતું. આ ઘટનાના પગલે Danilimda Police Station ના સીસીટીવી કેમેરા તપાસી સાતેક શખસોના નામ અને પચાસેક લોકાના ટોળા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. જ્યારે સામે પક્ષે બિન હિન્દુ પરિવારની ફરિયાદ આધારે કાગડાપીઠ પોલીસે રાજદીપ સામંત સામે છેડતીનો ગુનો નોંધ્યો છે. પોલીસે આ ઉપરાંત રાજ સામંતની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular