નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ગુજરાત રાજ્યના અનેક શહેરો તેમજ જિલ્લાઓમાં અશાંતધારો અમલી છે. એક કોમના વ્યક્તિ બીજી કોમના વ્યક્તિને મિલકતનું વેચાણ કરે ત્યારે અશાંતધારાની મંજૂરી મળે તો જ વેચાણ દસ્તાવેજ માન્ય ગણાય છે. અશાંતધારાની મોટાભાગની અરજી સરકારી તંત્રમાં ટેબલ નીચેના વ્યવહારથી આગળ વધે છે. આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં આવા જ એક અશાંતધારાના મામલામાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર 30 હજારની લાંચ લેતા Gujarat ACB ના હાથે ઝડપાયા છે.
ખંભાત શહેરમાં આવેલી એક જમીનમાં બે ભાગીદારો દ્વારા પ્લોટીંગ કરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ જમીન અશાંતધારા હેઠળ આવતી હોય પ્લોટ વેચાણ આપવા માટે અશાંતધારાની મંજૂરી મેળવવા જમીનના માલિકે વેચાણ લેનારની વિગત સાથે પ્રાંત કચેરી ખંભાત ખાતે અરજી કરી હતી. આ અરજી પોલીસ અભિપ્રાય અર્થે ખંભાત સિટી પોલીસ સ્ટેશન (Khambhat City Police Station) ખાતે આવી હતી. આ અરજીની તપાસ પીએસઆઈ પંકજ પરષોત્તમભાઈ પટેલ પાસે હોય એસીબીના ફરિયાદીએ અશાંતધારાની મંજૂરી મેળવવા માટે બે અરજીઓના અભિપ્રાય બાબતે વાત કરતા એક અરજીના 15 હજાર લેખે કુલ 30 હજારની લાંચ માગી હતી. અશાંતધારાની અરજીનો હકારાત્મક અભિપ્રાય આપવા માટે ફરિયાદી લાંચ આપવા તૈયાર નહીં હોવાથી તેમણે એસીબી અધિકારીનો સંપર્ક કર્યો હતો. રવિવારે એસીબી પીઆઈ એમ.એલ.રાજપૂત (PI M L Rajput) લાંચનું છટકું ગોઠવાતા પીએસઆઈ પી.પી.પટેલ લાલ દરવાજા પોલીસ ચોકી પાસે 30 હજારની લાંચ લેતાં રંગે હાથ સપડાઈ ગયા છે.








