Gujarat High Court strict stance on Nasirnagar demolition case : સુરતના નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશનના મામલે ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકાર પર લાલઘૂમ થઈ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર હજુ હોદ્દા ઉપર કેમ છે ? તેમને સસ્પેન્ડ કેમ નથી કર્યા ? તેવો સરકારને હાઇકોર્ટે વેધક સવાલ (High Court questions why SMC Commissioner was not suspended) કર્યો હતો. સરકારે સુરત મ્યુનિસિપલ કમિશનરનો બચાવ કરતા હાઇકોર્ટે કહ્યું કે, તમે કોર્ટની આંખો બંધ નહીં કરાવી શકો. અમને બધું દેખાય છે કે કાયમની જેમ નાના અધિકારીને બલીનો બકરો બનાવી મોટાને છાવરો છો.
નાસીરનગરના વિવાદીત ડિમોલિશનના મામલે પીડિતોએ થોડા સમય અગાઉ ન્યાય માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અરજદારોએ આ કાયદાકીય લડાઈમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર, Surat SOG DCP રાજદીપસિંહ નકુમ તેમજ ટોરેન્ટ પાવર કંપની સહિતના પક્ષકારો સામે પિટીશન દાખલ કરી છે. 2 જુલાઇએ થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કોર્પોરેશનના રિપોર્ટ સામે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સરકારને પૂછ્યું કે, ‘શું તમે નાગરિકો માટે પણ જવાબદાર નથી? કોર્પોરેશને જે રિપોર્ટ રજૂ કર્યો છે તેને ઇન્કવાયરી રિપોર્ટ જ ના કહેવાય. ગત 25 જૂને થયેલી સુનાવણીમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટે સરકારને વેધક સવાલો પૂછ્યા હતા જેના જવાબ આજદીન સુધી રજૂ થઈ શક્યા નથી.








