નવજીવન ન્યૂઝ, અમરેલી : ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે બે મિત્રો અમરેલીના રાજુલા પંથકમાં આવેલી ધાતરવડી નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. નદીમાં ન્હાવા પડેલા બંને કિશોર ડૂબી જતાં તેમના મોત (Two children die after bathing in river) નિપજ્યા છે. સગીર વયના બંને બાળકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢી સ્થાનિક પોલીસે અકસ્માત મોત નોંધ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
રાજુલાના ખાખબાઈ ગામ પાસેથી પસાર થતી ધાતરવડી નદીમાં 15 વર્ષીય દક્ષ રાજેશભાઈ ડોડીયા અને ગાડુ લાલાભાઈ પરમાર ન્હાવા માટે પડ્યા હતા. નદીમાં ન્હાવા પડેલાં બંને બાળકો ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસમાંથી સ્થાનિકો એકઠાં થયા હતા અને બંને બાળકોને બહાર કાઢી રાજુલા ખાતેની હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ બંનેના મોત નિપજ્યા હતા. આ ઘટનાના પગલે મૃતક બાળકોના પરિવાર તેમજ ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.








