નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા વૈશ્વિક તણાવની અસર (Iran-US War Impact) હવે દેશમાં દેખાઈ રહી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને તેલ પુરવઠામાં અવરોધના કારણે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો (Government increases petrol and diesel prices) કરવાની ફરજ પડી છે. ચૂંટણીઓ સંપન્ન થતાં સરકારે જનતા સૂઈ રહી હતી તે સમયે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ઝીંકી દીધો છે. નવી કિંમતો આજથી જ અમલમાં આવી ગઈ છે. આજે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યભરમાં લોકોએ પેટ્રોલ પંપો પર લાઈન લગાવી દીધી છે. અત્રે નોંધનીય છે કે, દૂધમાં પણ નોંધપાત્ર ભાવ વધારો કરવામાં આવ્યો છે.
ઈરાન-અમેરિકા યુદ્ધ ના કારણે વિશ્વભમાં ક્રૂડ ઑઈલના સપ્લાય પર અનેક ગંભીર અસરો પડી છે. આ જ કારણોસર આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઑઈલમાં ભાવ વધારો થયો છે. ચૂંટણીઓ બાદ કેન્દ્ર સરકાર ઇંધણમાં ભાવ વધારો કરશે (Government News on Fuel Prices) તેવી માહિતી સોશિયલ મીડિયામાં એપ્રિલ મહિનાથી સતત ફરી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ગત મહિનાના મધ્યમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે અત્યારે ઇંધણના ભાવ વધારવા માટેનો આવો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આ અંગે મંત્રાલયે ‘X’ પર જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના અહેવાલો માત્ર ‘ફેક ન્યૂઝ’ (Petrol Diesel Price Hike Fake News) છે. કેન્દ્ર સરકારે કરેલા દાવાઓ આજે બોગસ સાબિત થયા છે.








