Tuesday, June 30, 2026
HomeNationalહનીમૂન મર્ડર કેસમાં સોનમ રઘુવંશીને રાહત, હાઈકોર્ટે જામીન યથાવત રાખ્યા

હનીમૂન મર્ડર કેસમાં સોનમ રઘુવંશીને રાહત, હાઈકોર્ટે જામીન યથાવત રાખ્યા

- Advertisement -

Sonam Raghuvanshi Meghalaya Honeymoon Murder Case:

મેઘાલય (Meghalaya) હાઈકોર્ટે હનીમૂન મર્ડર કેસમાં મુખ્ય આરોપી સોનમ રઘુવંશી (Sonam Raghuvanshi)ને મળેલા જામીન યથાવત રાખ્યા છે. કોર્ટે એપ્રિલ 2026માં શિલોંગ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનના આદેશને યથાવત રાખતા રાજ્ય સરકારની અપીલ ફગાવી દીધી છે. જસ્ટિસ ડબ્લ્યુ. ડિયેંગડોહ (Justice W. Diengdoh)ની બેન્ચે બંને પક્ષોની 10 દિવસથી વધુ સમય સુધી દલીલો સાંભળ્યા બાદ 10 જૂને ચુકાદો અનામત રાખ્યો હતો.

- Advertisement -

શિલોંગની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ (જ્યુડિશિયલ)એ સોનમ રઘુવંશીને મુખ્યત્વે એ આધારે જામીન આપ્યા હતા કે પોલીસ તેની ધરપકડનું યોગ્ય કારણ અસરકારક રીતે સમજાવવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે તેના બચાવના અધિકાર પર અસર પડી હતી.

કોર્ટના ધ્યાન પર આવ્યું હતું કે, ધરપકડના કારણોની ચેકલિસ્ટ, કેસ ડાયરીના અંશો સહિતના તમામ દસ્તાવેજોમાં પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1)ના બદલે ભૂલથી કલમ 403(1)નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, કોઈપણ દસ્તાવેજમાં સોનમને હત્યા જેવા ગંભીર ગુના હેઠળ કલમ 103 (1) મુજબ ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું નહોતું. કોર્ટે રાજ્ય સરકારની આ દલીલ પણ નકારી હતી કે આ માત્ર ટાઇપિંગ ભૂલ હતી. કોર્ટના જણાવ્યા પ્રમાણે એકસરખી ભૂલ તમામ દસ્તાવેજોમાં જોવા મળતાં તેને માત્ર ટાઇપિંગની ભૂલ ગણાવી શકાય નહીં.

આ નિર્ણયને પડકારવા રાજ્ય સરકાર હાઈકોર્ટ પહોંચી હતી. રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ અને સિનિયર એડવોકેટ અમિત કુમારે દલીલ કરી હતી કે સોનમની ચોથી જામીન અરજીમાં ક્યાંય એવું દર્શાવવામાં આવ્યું નથી કે પ્રક્રિયાત્મક ભૂલના કારણે તેને વાસ્તવિક નુકસાન થયું હોય. તેમણે સ્વીકાર્યું હતું કે દસ્તાવેજોમાં BNSની કલમ 103ના સ્થાને 403 લખાઈ જવાની ભૂલ થઈ હતી, પરંતુ સોનમને પોતાના સામે હત્યા સહિતના ગંભીર આરોપોની સંપૂર્ણ જાણકારી હતી. ધરપકડના મેમો અને રિમાન્ડ ઓર્ડર પર તેના હસ્તાક્ષર પણ તેનો પુરાવો હોવાનું તેમણે કોર્ટમાં રજૂ કર્યું હતું.

- Advertisement -

સુનાવણી દરમિયાન જસ્ટિસ ડિયેંગડોહે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે એકસરખી ટાઇપિંગની ભૂલ તમામ દસ્તાવેજોમાં કેવી રીતે થઈ. તેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રિમાન્ડ ઓર્ડરમાં મેજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે આરોપીને મૌખિક રીતે ધરપકડના કારણોની જાણ કરવામાં આવી હતી. જોકે કોર્ટે નોંધ્યું હતું કે ધરપકડ સંબંધિત દસ્તાવેજો એકસરખા ટેમ્પલેટ પર આધારિત હોવાથી પ્રથમ નજરે એવું જણાય છે કે આરોપીને જરૂરી માહિતી યોગ્ય રીતે આપવામાં આવી નહોતી. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે એક ફોર્મમાં આરોપીને સશસ્ત્ર દળોમાંથી ભાગેડુ દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે આ કેસ સાથે તેનો કોઈ સંબંધ નહોતો.

રાજ્ય સરકારે કોર્ટમાં એવી દલીલ પણ કરી હતી કે સોનમ શરૂઆતથી જ પોતાના વકીલોના સંપર્કમાં હતી, અગાઉ ત્રણ વખત જામીન અરજી કરી ચૂકી હતી અને તેને પોતાના સામેના આરોપોની જાણ હતી. ઉપરાંત, આરોપી ફરાર થઈ જવાની શક્યતા પણ દર્શાવવામાં આવી હતી. તેના જવાબમાં કોર્ટે જણાવ્યું હતું કે જામીનની શરતો સ્પષ્ટ છે અને જો આરોપી તેનો ભંગ કરશે તો કાયદો પોતાનું કામ કરશે.

આ કેસની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે 12 મે, 2025ના રોજ લગ્ન કરનાર સોનમ અને રાજા રઘુવંશી (Raja Raghuvanshi) 23 મેના રોજ મેઘાલયમાં હનીમૂન દરમિયાન ગુમ થયા હતા. બંનેને છેલ્લે નોન્ગ્રિયાટ (Nongriat)ના એક હોમસ્ટેથી ચેકઆઉટ કરતા જોવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનું ભાડાનું સ્કૂટર સોહરાલિમ (Sohra) નજીક લાવારિસ હાલતમાં મળી આવ્યું હતું. 2 જૂને પૂર્વી ખાસી હિલ્સ (East Khasi Hills)માં વેઇસાવડોંગ ફોલ્સ (Wei Sawdong Falls) નજીકની ખીણમાંથી રાજા રઘુવંશીનો મૃતદેહ મળી આવ્યો હતો. સોનમ 8 જૂન સુધી ગુમ રહી હતી અને બાદમાં વારાણસી-ગાઝીપુર માર્ગ પર એક ઢાબા નજીક મળી આવી હતી.

- Advertisement -

બાદમાં મેઘાલય પોલીસે જણાવ્યું હતું કે સોનમ અને 21 વર્ષીય રાજ કુશવાહા (Raj Kushwaha) પતિ રાજા રઘુવંશીની હત્યાના મુખ્ય આરોપીઓમાં સામેલ છે. પોલીસે આ કેસમાં 700થી વધુ પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનમ અને તેના કથિત પ્રેમી રાજ કુશવાહાએ પૂર્વયોજના મુજબ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular