Record of becoming CP in all four cities of Gujarat : ગુજરાત પોલીસમાં મહત્વના તેમજ મોભાદાર સ્થાનની યાદીમાં અમદાવાદ પોલીસ કમિશનર યાદીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અમદાવાદ શહેરના 39માં પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયેલા અનુપમસિંહ ગહલૌત (Anupam Singh Gahlaut CP Ahmedabad) શુક્રવારે 3 જુલાઈના રોજ ચાર્જ સંભાળે તેવી શક્યતા છે. ગહલૌત ચાર્જ સંભાળશે તેની સાથે જ અમદાવાદ CPનો વધારોનો ચાર્જ સંભાળી રહેલા ગુજરાત પોલીસના વડા જ્ઞાનેન્દ્રસિંઘ મલિક (G S Malik DGP Gujarat) નો ભાર હળવો થશે. બીજી તરફ સુરત શહેર પોલીસ કમિશનરના ખાલી પડેલા સ્થાનનો વધારો હવાલો સોંપવાનો આદેશ ગૃહ વિભાગ આજે સાંજ સુધીમાં કરી શકે છે. અનુપમ સિંહ ગહલૌત રાજ્યના ત્રીજા એવા IPS બન્યા છે જે રાજ્યના ચારેય મહાનગરમાં પોલીસ કમિશનર તરીકે નિમણૂક મેળવી હોય.
ચારેય શહેરના CP તરીકે કોણે-કોણે મેળવી નિમણૂક ?
હાલ નિવૃત્ત એવા એમ.એમ. મહેતા (M M Mehta IPS) ગુજરાતના એવા પ્રથમ IPS હતા કે જેમણે રાજકોટ, સુરત, વડોદરા (બે વખત) અને છેલ્લે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે 80 અને 90ના દાયકામાં ફરજ બજાવી ચૂક્યા છે. જ્યારે નિવૃત્ત આઈપીએસ સુધીર સિંહા (Sudhir Sinha IPS) એ રાજકોટ (બે વખત), વડોદરા, સુરત અને ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે વર્ષ 1998 થી 2011 દરમિયાનમાં ફરજ બજાવી છે.
ગહલૌત સ્ટેટ IBના વડા રહી ચૂક્યા છે
વર્ષ 1997ની બેચના આઈપીએસ એ.એસ. ગહલૌત (A S Gahlaut) રાજ્યના અનેક જિલ્લાઓમાં SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ફેબ્રુઆરી-2016માં ગહલૌત સૌ પ્રથમ વખત રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકે નિમણૂક અપાઈ હતી. જુલાઈ-2018થી ઓગસ્ટ-2020 દરમિયાન વડોદરા પોલીસ કમિશનર તરીકે પોસ્ટિગ થયું હતું. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ આવતા સરકારે એ.એસ. ગહલૌતને સ્ટેટ આઈબીના વડા (State IB Chief) તરીકે ઓગસ્ટ-2020માં નિમણૂક આપી હતી. ત્યારબાદ તેમને ફરીથી વડોદરાના પોલીસ કમિશનર તરીકે ઓગસ્ટ-2023માં નિમણૂક કરાઈ હતી. વડોદરા બાદ તેમને એપ્રિલ-2024માં સુરતના પોલીસ કમિશનર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું.








