નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલના (Shaktisinh Gohil) નામની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી છે. તેઓ હાલ રાજ્યસભામાં એક માત્ર ગુજરાત કોંગ્રેસનાં સાંસદ છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) એક સબળ અને અનુભવી નેતાની જરૂરિયાત હતી જે શક્તિસિંહ ગોહિલની પસંદગી બાદ પૂર્ણ થઈ છે, તેવું શક્તિસિંહના સમર્થકો માની રહ્યા છે. ગત લોકસભાની ચુંટણીમાં ગુજરાત કોંગ્રેસનું પરિણામ અત્યંત નબળું રહ્યું હતું, જેના કારણે કોંગ્રેસને ગુજરાતમાં એક પણ બેઠક જીતવામાં સફળતા મળી ન હતી. ત્યારે હવે આંતરિક જુથવાદ વચ્ચે હવે શક્તિસિંહ આગામી લોકસભામાં કોંગ્રેસને ફાયદો કરાવશે કે નહીં તે જોવું રહ્યું.
ગઇકાલે ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ આજે શકિતસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “હું એક પક્ષનો સૌનિક છું અને સૌનિકની જવાબદારી નક્કી કરવાનો રોલ સૌનિક પાસે નથી હોતો, તે સેનાપતિ એની જવાબદારી નક્કી કરે છે. અગાઉ મને રાજ્યસભાના સાંસદ ઉપરાંત બિહાર અને હરિયાણાના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. હવે હાઈકામન્ડે મનોમંથન કર્યા બાદ મને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની જવાબદારી સોંપી છે. એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે હું મોવડી મંડળના આ નિર્ણયને સ્વીકારું છું. મારુ નામ જાહેર થયા બાદ કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓએ દિલથી મને અભિનંદન પાઠવ્યા હતા. મારી આવડત કરતા ગુજરાતની જનતાએ આપેલા આર્શીવાદ પ્રેમ લાગણીને કારણે રાષ્ટ્રીયકક્ષાએ કામ કરવાની તક મળી અને હવે રાજ્યસ્તરે પણ મહત્વની જવાબદારી મળી છે”
તેમણે ઉમેર્યું હતું કે, “ગુજરાટીઓના પ્રેમ, લાગણી અને વિશ્વાસ સાથે હું અહિયાં પહોંચ્યો છું. મારી લડાઈ એ માટેની રહેશે કે ફરી એકવાર ગુજરાતમાં પ્રેમ ભાઈચારા અને એકતાનું વાતવરણ ઊભું થાય. મારી સામે વૈચારિક લડનારા માણસો પણ ગુજરાતના હિતમાં મારી સામે બેસી શકે, ગરીબ મધ્યમ વર્ગ અને ધનિક અંતર ઘટે આ માટેના પ્રયાસો મહાત્મા ગાંધીના સમયમાં સરકારોના પ્રત્યનો રહેતા હતા. પણ આજે મુઠ્ઠી ભર લોકો ધનિક થાય અને આમ ગુજરાતીઓની મુશ્કેલી વધી તે યોગ્ય નથી.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આગામી સમયમાં યુવાન, મહિલા, ખેડૂત અને નાના વેપારીઓની સમસ્યા માટે લડવા હું સમ્રગ ગુજરાતના લોકોનું સાથ સહકાર ઈચ્છું છું. આગામી 18 જૂનના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની મહાત્મા ગાંધીના આશ્રમથી જવાબદારી સંભાળીશ. ત્યાંથી પગપાળા પ્રદેશ કાર્યાલય આવીશ. હું જોઈ રહ્યો છું કે પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. જે પાર્ટીમાં રહેલા નેતાઓની નારાજગીનું સમાધાન લાવવાનો પૂરેપરો પ્રયાસ કરીશું.”








