Teenager dies after being hit by dumper in Ahmedabad : અમદાવાદ શહેરના માર્ગો પર બેફામ દોડતા ડમ્પરથી અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે તેમજ સંખ્યાબંધ અકસ્માત સર્જાયા છે. નિયમભંગ કરતા ડમ્પર ચાલકો સામે શહેર ટ્રાફિક પોલીસ કોઈ ઠોસ કાર્યવાહી કરતી નથી અને આ જ કારણે જીવલેણ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. અમદાવાદ શહેરના થલતેજમાં બેફામ દોડતા એક ડમ્પરે એક્ટિવા પર જઈ રહેલા માતા-પુત્રીને અડફેટે લેતા 12 વર્ષીય માસૂમનું મોત થયું છે. જીવલેણ અકસ્માત સર્જનારા ડમ્પર ચાલક આરોપીની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી (Ahmedabad Traffic police arrest dumper driver) છે. અત્રે નોંધનીય છે કે, આ ડમ્પરે અગાઉ પણ એક જીવલેણ અકસ્માત સર્જયો હતો અને તેમાં બે લોકોના મોત થયા હતા.
પશ્ચિમ અમદાવાદમાં રહેતી 12 વર્ષીય આરાધ્યા બારોટ સ્કૂલમાંથી છૂટતા થલતેજ વિસ્તારમાં તેની માતા સાથે એક્ટિવા પર જઈ રહી હતી ત્યારે એક ડમ્પરે ટુ વ્હીલરને ટક્કર મારી હતી. ડમ્પરની ધડાકાભેર ટક્કર વાગતા માતા-પુત્રી એક્ટિવા પરથી ફંગોળાઈ ગયા હતા. આરાધ્યાને ગંભીર ઈજાઓ પહોંચતા તેની માતાની નજર સામે જ મોત થઈ ગયું હતું. આ ઘટનાના પગલે સ્થળ પર દોડી આવેલી એસ.જી. ટ્રાફિક 1 પોલીસ (SG Traffic Police)ની ટીમે આરોપી ડમ્પર ચાલકને અટકમાં લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી ગુનો નોંધ્યો છે.








