ધ્રુવ સોલંકી (નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા): ગુજરાત સરકાર ગઈ કાલે દ્વારા એક નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠાના વાવ-થરાદને 34મો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો હતો. ગુજરાત સરકારના વાવ-થરાદને અલગ જિલ્લો જાહેર કરવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. વિભાજનના સમાચાર બાદ ધાનેરા, દિયોદર અને કાંકરેજના લોકોએ વિભાજનનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠાના વાવ-થરાદને અલગ જિલ્લો જાહેર કરવામાં આવતા ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં વિરોધનું વંટોળ ઊભું થયું છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિતના અગ્રણીઓએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતે સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરના કહ્યું હતું કે, “વિભાજન માટે ધારાસભ્યો કે, આગેવાનોનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી.”
ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યુ હતું કે, “કોઈ ગ્રામ પંચાયતનું વિભાજન કરવું હોય તો ગ્રામ પંચાયતનો ઠરાવ અને તાલુકા પંચાયતનું વિભાજન કરવું હોય તો ઠરાવ અને સૂચનો લેવામાં આવતા હોય છે, પણ આ વખતે કોઈ સરપંચો, તાલુકાના આગેવાનો કે ધારાસભ્યો કે ચૂંટાયેલા પદાધિકારીઓના અભિપ્રાય લીધા નથી. આ એક તરફી જિલ્લાનું વિભાજન છે, લોકોને વિશ્વાસમાં લઈને વિભાજન કર્યું હોત તો બધા રાજી રહેતા. હું માનું છું કે, ખૂબ મોટા જિલ્લાનું વિભાજન થયું છે. તેનાથી થોડો ઘણો લોકોને ફાયદો થશે.”
ધાનેરા, કાંકરેજ અને દિયોદરનો વિભાજન બાદ વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે, પણ આ તાલુકાના રહેવાસીઓની બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માગ છે, જેને કારણે વિભાજનનો વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે. શિહોરીમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાળ્યું છે. તેમજ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે, ધાનેરાના લોકો બનાસકાંઠા સાથે જોડાયેલા છે. ધાનેરાના લોકોના ધંધા રોજગાર અને વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે ધાનેરાથી પાલનપુર તેમજ અમદાવાદ જવા માટે અનુકૂળ છે.
કાંકરેજના ધારાસભ્ય પણ સરકારના આ નિર્ણયથી ખૂશ નથી. તેમણે કહ્યું કે, સરકારે ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર આ નિર્ણય લીધો છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, ધાનેરાના લોકોને વાવ-થરાદમાં નહીં પણ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. લોકો સરકાર વિરુદ્ધ આંદોલન કરશે તો કોગ્રેસ તેમની સાથે રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવતા, હવે રાજ્યમાં 33 નહીં પણ 34 જિલ્લા છે. વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરતા તેનું નવું વડું મથક થરાદ રહેશે. બનાસકાંઠા જિલ્લામાં બાકીના પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકા તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે. વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796