નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘૂસણખોરોને છેલ્લી તક આપવા સાથે એક મોટી જાહેરાત (Amit Shah’s last warning to infiltrators to leave India) કરી છે. જો કોઈ ઘૂસણખોર આપ મેળે ભારત છોડીને ચાલ્યા જશે તો તેમની સામે સરકાર કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરે. ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે જાહેરાત કરી કે, કેન્દ્ર સરકારે વસ્તી વિષયક ફેરફારો પર નજર રાખવા માટે એક હાઈ-લેવલ કમિટી ઑન ડેમૉગ્રાફિક ચેન્જની રચના કરી છે. અત્રે નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી (West Bengal CM Suvendu Adhikari) ની સરકાર બન્યાંના માત્ર સપ્તાહમાં સરહદ પર ફેન્સિગ કરવા માટે BSF (બૉર્ડર સિક્યુરિટી ફૉર્સ) ને 600 હેક્ટર જમીન સોંપી દીધી હતી. દેશની સુરક્ષા માટે અતિ મહત્વપૂર્ણ ગણાતા ચિકન્સ નેક કોરિડોર માટે 121 હેક્ટર જમીન તાત્કાલિક કેન્દ્ર સરકારને સોંપી દેવાઈ છે.
પશ્ચિમ બંગાળમાં થયેલા રાજકીય પરિવર્તનનો ઉલ્લેખ કરીને અમિત શાહે પૂર્વ મુખ્યમંત્રીના શાસન પર પ્રહાર કરતા કહ્યું કે, અગાઉની સરકારમાં બંગાળમાં રોજેરોજ ઘૂસણખોરી થતી હતી.જ્યારથી પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવી છે, ત્યારથી ઘૂસણખોરો આપોઆપ પોતાના દેશમાં પરત ફરવા લાગ્યા છે. નવી સરકારે ત્યાં ડિટેન્શન સેન્ટર્સ પણ ઉભા કરી દીધા છે.








