Wednesday, July 29, 2026
HomeGujaratFCIના નકલી ડાયરેક્ટર બની 68 લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજ ઝડપાયો, રાજ્યવ્યાપી નોકરી...

FCIના નકલી ડાયરેક્ટર બની 68 લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજ ઝડપાયો, રાજ્યવ્યાપી નોકરી કૌભાંડનો પર્દાફાશ

- Advertisement -

FAKE FCI OFFICER ARRESTED: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંથી સરકારી નોકરી અપાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા એક ભેજાબાજને હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે. કંજરી-રૂપાપુરા રોડ પર વૈભવી જીવન જીવતા ભરત કનુભાઈ પરમાર નામના આરોપી સામે 68 લાખ રૂપિયાની છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે. આરોપી પોતાને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના ડાયરેક્ટર તરીકે રજૂ કરીને બેરોજગાર યુવાનોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભરત પરમારે રાજ્યભરમાં એજન્ટોનું નેટવર્ક ઊભું કર્યું હતું અને ONGC સહિત વિવિધ સરકારી વિભાગોમાં ભરતી કરાવવાના ખોટા વાયદા કરીને ઉમેદવારો પાસેથી મોટી રકમ વસૂલતો હતો. આરોપી સરકારી સંસ્થાઓના નકલી ઇન્ટરવ્યૂ કોલ લેટર, નિમણૂક પત્રો અને અન્ય દસ્તાવેજો બનાવીને લોકોને વિશ્વાસમાં લેતો હતો.

- Advertisement -

આ મામલે અત્યાર સુધીમાં ત્રણ ફરિયાદીઓના નિવેદન અને ફરિયાદોના આધારે કુલ 68 લાખ રૂપિયાની છેતરપિંડી સામે આવી છે. ફરિયાદના આધારે હાલોલ રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે છટકું ગોઠવી હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર આવેલી અતિથિ હોટલ પરથી ભરત પરમારની ધરપકડ કરી હતી.

પકડાયેલા આરોપી પાસેથી પોલીસે જુદી જુદી બેંકોની 15થી વધુ પાસબુકો, 8 મોબાઇલ ફોન, FCIના ડુપ્લિકેટ લેટરહેડ, ખોટા નિમણૂક પત્રો અને અન્ય મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે આરોપી માત્ર સાતમું ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે, છતાં તેણે પોતાને ઉચ્ચ હોદ્દેદાર તરીકે રજૂ કરીને અનેક લોકોને છેતર્યા હતા.

પોલીસને આશંકા છે કે આ સમગ્ર કૌભાંડ માત્ર પંચમહાલ પૂરતું મર્યાદિત નથી પરંતુ રાજ્યવ્યાપી સ્તરે ફેલાયેલું હોઈ શકે છે. હજુ પણ અનેક નોકરીવાંચ્છુકો કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન કેટલાક પ્રભાવશાળી રાજકીય વર્તુળો તેમજ મોટા રાજકીય પક્ષોના હોદ્દેદારોની સંડોવણી બહાર આવવાની પણ સંભાવના છે.

- Advertisement -

હાલોલ રૂરલ પોલીસે આરોપી અંગેની માહિતી રાજ્યની વિવિધ પોલીસ એજન્સીઓને મોકલી આપી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન આ નોકરી કૌભાંડના વધુ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી શકે છે અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પણ તપાસનો દોર પહોંચશે.

આ ઉપરાંત આરોપીના ડ્રાઇવરની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે તેની પૂછપરછમાંથી પણ આ કૌભાંડ સાથે જોડાયેલા વધુ મહત્વના તથ્યો અને સંડોવાયેલા લોકો અંગે માહિતી મળી શકે છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular