નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. ખાનગી ઇંધણ કંપની નાયરા એનર્જીએ ઇનપુટ ખર્ચમાં વધારો દર્શાવી પેટ્રોલના ભાવમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય કાચા તેલના ભાવમાં થયેલા તેજ ઉછાળાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને સૈન્ય કાર્યવાહી બાદ વૈશ્વિક તેલ બજારમાં ભાવોમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ સ્થિતિ વધુ ગંભીર બની હતી. જેના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેનો સીધો અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહ્યો છે.
માહિતી મુજબ, 28 ફેબ્રુઆરી પછી આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં આશરે 50 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. વધતી કિંમતોના કારણે તેલ કંપનીઓ પર ખર્ચનો ભાર વધ્યો છે. આ સ્થિતિમાં નાયરા એનર્જીએ વધેલા ખર્ચનો એક ભાગ ગ્રાહકો પર મૂકવાનો નિર્ણય કર્યો છે.
દેશભરમાં નાયરા એનર્જીના કુલ 6,967 પેટ્રોલ પંપ કાર્યરત છે, જ્યારે સમગ્ર ભારતમાં કુલ 1,02,075 પેટ્રોલ પંપ છે. કંપનીના આ નિર્ણયથી અનેક વિસ્તારોમાં ઇંધણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે, કંપની તરફથી આ મુદ્દે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
વધુમાં, રાજ્ય મુજબ લાગુ થતો વેટ (VAT) પણ અંતિમ ભાવ પર અસર કરે છે. જેના કારણે કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં વધારો ₹5.30 પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે. એટલે કે દરેક રાજ્યમાં ભાવ વધારો અલગ-અલગ જોવા મળી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ખાનગી તેલ કંપનીઓને ભાવ ન વધારવા બદલ કોઈ સરકારી સહાય અથવા વળતર મળતું નથી. વધતા નુકસાનને ધ્યાનમાં રાખીને કંપનીઓ માટે ભાવ વધારો કરવાનો વિકલ્પ જ બચ્યો હોવાનું માનવામાં આવે છે.
આ રીતે વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ભારતમાં પણ ઇંધણના ભાવમાં વધારો નોંધાતા સામાન્ય નાગરિકો પર તેનો સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે.








