Monday, June 1, 2026
HomeGujaratઅમરેલીમાં કેજરીવાલની જાહેરસભા: મહિલાઓને દર મહિને ₹1000 આપવાનું વચન, સ્થાનિક ચૂંટણી માટે...

અમરેલીમાં કેજરીવાલની જાહેરસભા: મહિલાઓને દર મહિને ₹1000 આપવાનું વચન, સ્થાનિક ચૂંટણી માટે પ્રચારની શરૂઆત

- Advertisement -
નવજીવન ન્યૂઝ, અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીના સાવરકુંડલા રોડ પર ચક્કરગઢ ગામ નજીક યોજાયેલી આ જાહેરસભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સભા દ્વારા પાર્ટીએ સ્થાનિક ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કર્યો હોવાનું માનવામાં આવે છે.

સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહ્યા હતા. બંને નેતાઓએ સંબોધન દરમિયાન ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. અરવિંદ કેજરીવાલે ખાસ કરીને મહિલાઓને સંબોધતા મહત્વપૂર્ણ વચન આપ્યું હતું.

તેમણે જણાવ્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તો દરેક મહિલાના ખાતામાં દર મહિને રૂપિયા 1000 જમા કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે જો કોઈ ઘરમાં દીકરી, વહુ અને સાસુ હોય તો તેવા પરિવારમાં દર મહિને કુલ 3000 રૂપિયા આપવામાં આવશે. આ યોજનાના માધ્યમથી મહિલાઓને સીધી આર્થિક સહાય આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું.

- Advertisement -

આ ઉપરાંત કેજરીવાલે ખેડૂતોના મુદ્દાઓને પણ ઉઠાવ્યા હતા. ઈકો સેન્સિટિવ ઝોન અને માવઠાના કારણે થયેલા નુકસાન જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરીને તેમણે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય મળવી જોઈએ.

આ જાહેરસભામાં સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓ જેમ કે જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને ભાવનગરમાંથી પણ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકોની હાજરીને કારણે સભા સ્થળે રાજકીય ઉર્જા જોવા મળી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા અમરેલીમાં યોજાયેલી આ સભા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પાર્ટી દ્વારા ચૂંટણી પહેલાં મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ તેજ કરવામાં આવ્યો છે.

- Advertisement -

નીચે આપેલા વીડિયોમાં 1 કલાક અને 26મીનીટ પછીના અરવિંદ કેજરીવાલના નિવેદનને સાંભળો

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular