Saturday, July 18, 2026
HomeGujaratનિવૃત્તિના એક દિવસ પહેલાં રાજકોટના ACP વી.જી. પટેલ ડિસમિસ, જુગાર કેસના આરોપીને...

નિવૃત્તિના એક દિવસ પહેલાં રાજકોટના ACP વી.જી. પટેલ ડિસમિસ, જુગાર કેસના આરોપીને મદદ કરવાના આક્ષેપમાં કાર્યવાહી

- Advertisement -

RAJKOT ACP V G PATEL CASE: રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ACP તરીકે ફરજ બજાવતા વિનાયક જી. પટેલ (V G PATEL) ને તેમની નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ગૃહ વિભાગ દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે. 31 મે, 2026ના રોજ નિવૃત્ત થનારા આ અધિકારી સામે વડોદરામાં ફરજ દરમિયાન જુગારના કેસના એક આરોપીને મદદ કરવાનો ગંભીર આક્ષેપ હતો. ખાતાકીય તપાસમાં તેઓ દોષિત જાહેર થતાં ગૃહ વિભાગે 30 મેના રોજ તેમની બરતરફીનો આદેશ જાહેર કર્યો હતો.

મળતી માહિતી મુજબ વિનાયક જી. પટેલ અગાઉ વડોદરાના એચ ડિવિઝનમાં ACP તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક જુગારના કેસમાં આરોપી સંજય ઉર્ફે ભુરો અમૃતલાલ છગાણીને પોલીસની પકડથી બચવા માટે ઘરે ન રહેવાની સલાહ આપી હોવાનો આક્ષેપ તેમની સામે થયો હતો. આરોપીની મદદ કરવા બદલ વહીવટ થયો હોવાની ચર્ચા બાદ તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.

- Advertisement -

તપાસ પૂર્ણ થયા બાદ રિપોર્ટ ગૃહ વિભાગ સુધી પહોંચ્યો હતો. તપાસમાં દોષિત ઠરતાં ગૃહ વિભાગે તેમની નિવૃત્તિના માત્ર 24 કલાક પહેલાં જ કડક કાર્યવાહી કરીને બરતરફીનો નિર્ણય લીધો હતો.

ખાતાકીય તપાસ દરમિયાન વિનાયક પટેલે પોતાના બચાવમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે 2 નવેમ્બર, 2025ના રોજ તેમણે પોતાને દોષમુક્ત જાહેર કરવા માટે રજૂઆત કરી હતી. તેમનો દાવો હતો કે વધારાનું બચાવનામું અંતિમ શિક્ષા નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવ્યું નથી અને ગુજરાત જાહેર સેવા આયોગ સમક્ષ પણ યોગ્ય રીતે રજૂ થયું નથી. તેમના મતે આ કારણસર સૂચિત શિક્ષા ટકી શકે તેવી નથી અને તપાસ પ્રક્રિયા પણ દૂષિત બની છે.

વી.જી. પટેલે પોતાના બચાવમાં વધુમાં જણાવ્યું હતું કે 31 મે, 2026ના રોજ તેઓ 33 વર્ષની લાંબી સેવા બાદ વયનિવૃત્ત થવાના હતા. જો તેમની સામે કડક શિક્ષા કરવામાં આવશે તો નિવૃત્તિ બાદ મળનારા પેન્શન, ગ્રેચ્યુએટી અને અન્ય લાભોથી તેઓ વંચિત રહી જશે, જેના કારણે નિવૃત્તિ બાદનું જીવન અત્યંત મુશ્કેલ બની જશે. તેમણે ગૃહ વિભાગને સૂચિત શિક્ષા વધુ પડતી અને અપ્રમાણસર હોવાનું જણાવી રાહત આપવા વિનંતી કરી હતી.

- Advertisement -

જોકે, ખાતાકીય તપાસના આધારે ગૃહ વિભાગે તેમની રજૂઆત સ્વીકારી નહોતી અને નિવૃત્તિના એક દિવસ પહેલાં જ બરતરફીનો આદેશ જાહેર કર્યો હતો. આ ઘટનાએ પોલીસ બેડામાં તેમજ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular