Saturday, July 18, 2026
HomeGujaratCNG ના ભાવ વધતા સુરતમાં લોકોને ચાલુ રિક્ષાએ ઉતારી દઈ વિરોધ- 'અમારે...

CNG ના ભાવ વધતા સુરતમાં લોકોને ચાલુ રિક્ષાએ ઉતારી દઈ વિરોધ- ‘અમારે ઘર કેમ ચલાવવા’

- Advertisement -

SURAT AUTO STRIKE DUE TO CNH PRICE HIKE: સુરત શહેરમાં CNG ગેસના વધતા ભાવના વિરોધમાં 1 જૂનના રોજ સવારથી જ ઔદ્યોગિક અને પરપ્રાંતિય વસ્તી ધરાવતા વિસ્તારોમાં ઓટો રિક્ષાચાલકોએ અચાનક હડતાળ શરૂ કરી હતી. CNGના ભાવ વધતા રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના કારણે ડિંડોલી, સાઈ પોઈન્ટ અને મીઠાલાલ ફાટક સહિતના વ્યસ્ત વિસ્તારોમાં પરિવહન સેવા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.

હડતાળ દરમિયાન સૌથી વધુ ચોંકાવનારી બાબત એ રહી કે હડતાળમાં સામેલ ન થયેલા અને મુસાફરોને લઈને પસાર થઈ રહેલા કેટલાક રિક્ષાચાલકોને આંદોલનકારીઓએ રસ્તા વચ્ચે જ રોકી દીધા હતા. રિક્ષામાં બેઠેલા શાળાના બાળકો, મહિલાઓ અને અન્ય મુસાફરોને પણ વાહનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હોવાના બનાવો સામે આવ્યા હતા.

- Advertisement -

ડિંડોલી વિસ્તારમાં સવારથી જ 100થી 150 જેટલા રિક્ષાચાલકો એકત્રિત થયા હતા અને ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. રિક્ષાચાલકોની મુખ્ય માંગ એવી છે કે CNGના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને મુસાફર દીઠ ભાડામાં તાત્કાલિક પાંચ રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવે. રિક્ષાચાલકો અને તેમના સંગઠનના જણાવ્યા મુજબ હાલમાં 3થી 4 કિલોમીટરના અંતર માટે 15 રૂપિયા ભાડું લેવામાં આવે છે, જેને વધારીને 20 રૂપિયા કરવાની મંજૂરી આપવી જોઈએ.

આંદોલનમાં સામેલ રિક્ષાચાલક ઠાકુર રતનસિંહે જણાવ્યું હતું કે CNGના ભાવમાં સતત વધારો થયો છે અને સાથે જ એન્જિન ઓઇલ તથા સ્પેરપાર્ટ્સના ખર્ચમાં પણ ભારે વધારો થયો છે. આવી સ્થિતિમાં જૂના ભાડા મુજબ રિક્ષા ચલાવવી પોસાય તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે આખો દિવસ મહેનત કરવા છતાં પરિવારનું ભરણપોષણ અને વાહનના હપ્તા ભરવા મુશ્કેલ બન્યા છે.

અન્ય એક રિક્ષાચાલક પ્રજાપતિએ જણાવ્યું હતું કે માત્ર ગેસ જ નહીં પરંતુ ગેરેજના ખર્ચ અને ઓઇલના ભાવ પણ વધી ગયા છે. આખો દિવસ રિક્ષા ચલાવ્યા પછી પણ સાંજે 500 રૂપિયા બચાવવા મુશ્કેલ બની જાય છે. પરિવારનું ભરણપોષણ, બાળકોની ફી અને રિક્ષાના ભાડા જેવા ખર્ચ વચ્ચે જીવન જીવવું કઠિન બની ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

- Advertisement -

અચાનક જાહેર કરાયેલી હડતાળના કારણે રોજિંદા મુસાફરો, ફેક્ટરી કર્મચારીઓ અને ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોમવારની સવારે અભ્યાસ માટે નીકળેલા વિદ્યાર્થીઓને વાહન ન મળતાં રસ્તા પર કલાકો સુધી રાહ જોવી પડી હતી. અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી અને લોકો વૈકલ્પિક પરિવહનની શોધમાં ભટકતા જોવા મળ્યા હતા.

નવાગામ સ્થિત શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સીમાએ જણાવ્યું હતું કે તેઓ સમયસર સ્કૂલ પહોંચવા માટે રિક્ષામાં બેઠા હતા, પરંતુ રસ્તામાં આંદોલનકારીઓએ રિક્ષા રોકી તેમને અધવચ્ચે ઉતારી દીધા હતા. જેના કારણે તેઓ સ્કૂલ પહોંચી શક્યા નહોતા.

અન્ય એક મહિલા મુસાફર પ્રીતિ શાહે જણાવ્યું હતું કે તેઓ ડિંડોલીથી રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને પણ રિક્ષામાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. હડતાળ અંગે અગાઉથી કોઈ જાણ ન હોવાથી તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રેન ચૂકી જવાની ચિંતા સતાવી રહી હતી.

- Advertisement -

સ્થિતિ વધુ તંગ ત્યારે બની જ્યારે અનેક રિક્ષાચાલકોએ કોઈ સત્તાવાર મંજૂરી વિના પોતાની રિક્ષાઓ પર નવા ભાડાના દર દર્શાવતા રેટ કાર્ડ લગાવી દીધા હતા. તેમાં વિવિધ વિસ્તારો અને અંતર મુજબ નવા ભાડાની વિગતો દર્શાવવામાં આવી હતી.

રિક્ષાચાલકો નવા ભાડા સાથે જ સેવા શરૂ કરવાની વાત પર અડગ છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતા પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહી હોવાથી વધારાનું ભાડું સ્વીકારવા તૈયાર નથી. જો વહીવટી તંત્ર દ્વારા સમયસર મધ્યસ્થતા કરીને ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરતના વિવિધ વિસ્તારોમાં મુસાફરો અને રિક્ષાચાલકો વચ્ચે વધુ વિવાદ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular