Sunday, July 26, 2026
HomeNationalસુપ્રીમ કોર્ટમાં પાંચ નવા જજોની નિમણૂકને મંજૂરી, ચાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને...

સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા જજોની નિમણૂકને મંજૂરી, ચાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને એક મહિલા સિનિયર વકીલનો સમાવેશ

- Advertisement -

Supreme court Breaking News: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા જજોની નિમણૂકને મંજૂરી આપતાં સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિમણૂકો માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 22 અને 27 મેના રોજ યોજાયેલી બેઠકોમાં ભલામણ કરી હતી. નવા નિયુક્ત થનારા જજોમાં ચાર હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતી એક સિનિયર મહિલા વકીલનો સમાવેશ થાય છે.

મંજૂરી મળેલા નામોમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ શીલ નાગુ, બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ સંજીવ સચદેવા અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ અરુણ પલ્લીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટની સિનિયર એડવોકેટ વી. મોહનાને પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

- Advertisement -

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ નિમણૂકોની માહિતી આપી હતી. ખાસ કરીને સિનિયર એડવોકેટ વી. મોહનાની નિમણૂકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેનાથી સુપ્રીમ કોર્ટમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે.

હાલમાં સુપ્રીમ કોર્ટમાં માત્ર એક મહિલા જજ તરીકે જસ્ટિસ બી.વી. નાગરત્ના કાર્યરત છે. ઓગસ્ટ 2021 બાદ પ્રથમ વખત કોઈ મહિલાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. કાનૂની વર્તુળોમાં આ નિર્ણયને મહિલા પ્રતિનિધિત્વની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા વધારીને મુખ્ય ન્યાયાધીશ સહિત 38 કરવામાં આવી હતી. હાલમાં કોર્ટમાં 32 જજ કાર્યરત છે. આગામી જૂન મહિનામાં જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ પંકજ મિત્તલ નિવૃત્ત થવાના હોવાથી બે વધુ જગ્યાઓ ખાલી થવાની છે. આવી સ્થિતિમાં નવી નિમણૂકો સુપ્રીમ કોર્ટની કામગીરીને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular