પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-21): સવારે ગોપાલ ઉઠ્યો ત્યારે એકમદ ફ્રેશ હતો. તેને રાત્રે એકદમ સરસ ઊંઘ આવી હતી. પપ્પાએ તેની સાથે વાત કરી, ગોવિંદે તેના માટે કામની વ્યવસ્થા કરી, આ બધી ઘટનાઓને કારણે ગોપાલને લાગ્યું કે, તેના જીવનની આ નવી સવાર છે. ગોપાલ રોજ કરતાં વહેલો તૈયાર થઈ ગયો. કારણ કે રાતે ગોવિંદે તેને ફાર્મસીના કામ માટે શું કરવાનું; તે બધુ જ સમજાવી દીધું હતું.
સવારે નાસ્તામાં લાલ બાફેલા ચણા અને ગોળનો એક ટુકડો આવ્યો હતો તે ફટાફટ ખાઈ લીધો. બેરેકમાં રહેલા માતાજીના ફોટોને પગે લાગ્યો. સલીમ આ બધું જોઈ રહ્યો હતો. એને મનમાં સારું લાગી રહ્યું હતું, કારણ કે પહેલાં તેને ડર લાગતો હતો કે, ક્યાંક ગોપાલ જેલની સ્થિતિમાં ભાંગી ન પડે! ગોપાલ તૈયાર હતો. તે ગોવિંદની રાહ જોઈ રહ્યો હતો. પાંચ સાત મિનિટમાં ગોવિંદ પણ તૈયાર થઈ ગયો.
ગોપાલને તૈયાર જોઈને ગોવિંદે કહ્યું, “અરે વાહ! બાબો સ્કૂલે જવા તૈયાર થયો હોય એમ તૈયાર થયો છેને!”
ગોપાલ શરમાઈ ગયો. ગોવિંદ અને ગોપાલ બેરેકમાંથી સાથે બહાર નીકળ્યા. જતી વખતે ગોપાલે સલીમને કહ્યું, “આવું છું ભાઈ.”
ગોવિંદ આગળ હતો. તેના કાને ગોપાલના શબ્દો પડતાં તે અટકયો. તેણે ગોપાલની આંખમાં જોયું અને તેના ખભે હાથ મૂકતાં કહ્યું, “ગોપાલ, જેલમાં ક્યારેય કોઈને ‘આવું છું.’ કહેવાનું નહીં.”
ગોપાલ વિચારમાં પડી ગયો. તેણે પૂછ્યું, “એવું કહીએ તો અપશકન કહેવાય?”
ગોવિંદે તેને સમજાવતાં કહ્યું, “જેલમાં રહેવું કોને ગમે? અહીંયા જે લોકો છે, તે બધાને બહાર જવું છે. કોઈનો બાપ રાહ જુએ છે, તો કોઈની મા અને કોઈની બૈરી. તારા ઘરે પણ તારી કોઈ રાહ જોતું હશેને? એટલે આપણે અહીંયા ક્યારેય પાછા આવવું નથી. એટલે ‘આવું છું’ તેવું નહીં કહેવાનું.”
ગોપાલ સમી ગયો. તેણે કહ્યું, “સોરી ભાઈ.”
ગોવિંદના ચહેરા પર સ્મિત આવ્યું. તેણે કહ્યું, “સોરીની કંઈ જરૂર નથી.”
ગોવિંદ અને ગોપાલ જેલની હોસ્પિટલમાં પહોંચ્યા. જેલમાં પણ હોસ્પિટલ હોય; એવી ગોપાલને ખબર નહોતી. ગોવિંદે તેને સમજાવતાં કહ્યું, “જો અહીંયા એક એમ.ડી. અને એક એમ.બી.બી.એસ. ડૉકટર હોય છે. જેલના કેદીઓ અહીંયા નર્સ તરીકે કામ કરે છે. ડૉકટર દવા લખી આપે, તે અહીંયાથી જ મળે. પહેલાં ફાર્મસીમાં કેતન કામ કરતો હતો.”
ગોવિંદને તરત યાદ આવ્યું. તેણે કહ્યું, “કેતન મર્ડરનો આરોપી હતો. એમ.એ. થયેલો છે. એની બહેનને કોઈ હેરાન કરતો હતો તેને પાડી દીધો હતો. એન આજીવન કેદની સજા થઈ છે. તે બાર વર્ષથી જેલમાં છે. હાલ રજા ઉપર ગયો છે; પણ આ વખતે તે રજા પર જઈ રહ્યો હતો, તે જોઈને મને લાગતું હતું કે, તે જેલમાં પાછો નહીં આવે. તેની મા એકલી છે. કેતનને તેની ખૂબ ચિંતા થતી હતી. મને લાગે છે કે, તે હવે વોન્ટેડ થઈ જશે. પોતાની મા સાથે ક્યાંક દૂર જતો રહેશે. નવા ગામમાં નવી ઓળખ સાથે રહેશે. કેતન નથી એટલે તારે અહીં કામ કરવાનું છે.”
કહેતાં કહેતાં ગોવિંદ તેને હોસ્પિટલમાં લઈ ગયો. અંદર એક સિપાહી બેઠો હતો. તેણે ગોવિંદને જોતાં કહ્યું, “કેમ છો ભાઈ.”
ગોપાલે જોયું કે, ગોવિંદ કેદી હતો; પણ જેલના સિપાહી અને અધિકારીઓ સુધ્ધાં તેને આદર આપતા હતા. ગોવિંદે સિપાહીને કહ્યું, “આ ગોપાલ છે. તેનો ચહેરો કરાવી લીધો છે. આજથી અહીં ફાર્મસીમાં કામ કરશે.”
સિપાહીએ તેને ઉપરથી નીચે સુધી જોયો. સિપાહીએ કહ્યું, “વાંધો નહીં. ડૉકટર સાહેબ સાથે ઓળખાણ કરાવી દો.”
ગોવિંદ અને ગોપાલ અંદર ગયા. ડૉકટરના ટેબલ પર નેમપ્લેટ પડી હતી, ‘ડૉ. આર. કે. પટેલ’ ડૉકટર સાહેબ કોઈ દવા લખી રહ્યા હતા. બાજુનાં સ્ટૂલ પર બેઠેલો કેદી પોતાની તકલીફ કહી રહ્યો હતો. ડૉકટર તેની સામે જોતા પણ નહોતા. ડૉકટર સાહેબ સ્ટેથોસ્કોપ લગાવીને દર્દીને જોવાની પણ તસ્દી લેતા નહોતા. દર્દીને લખેલી દવાનો કાગળ આપી, ડૉકટરે ઉપર નજર કરી. સામે ગોવિંદ ઊભો હતો. ડૉકટરના બરછટ ચહેરા પર કહેવા પૂરતું સ્મિત આવ્યું. જાણે હસવાના પણ પૈસા આપવા પડતા હોય, તેવી કંજૂસાઈ ડૉકટરે હસવામાં કરી.
ગોવિંદે નમસ્તે કરીને ગોપાલ તરફ ઇશારો કરતાં કહ્યું, “સાહેબ, આ ગોપાલ છે. હમણાં જ જેલએન્ટ્રી થઈ છે. અંગ્રેજી જાણે છે. તમે મને કહ્યું હતું કે, ફાર્મસી માટે કોઈ માણસ જોઈએ છે. હવે પેલો કેતન પાછો આવે એવું લાગતું નથી એટલે હું આને લઈ આવ્યો.”
ડૉકટરે ગોપાલ સામે એવી રીતે જોયું, જાણે કોઈ પ્રાણી સંગ્રહાલયમાં આવેલાં નવા પ્રાણીને જોતાં હોય! ગોપાલે હાથ જોડીને નમસ્તે કહ્યું. ડૉકટરે પૂછ્યું, “કાચા કામનો છે?”
ગોપાલ તરત સમજ્યો નહીં. ગોવિંદે કહ્યું, “જી સર. કાચા કામનો છે.”
ડૉકટરે વિચાર કર્યો અને પૂછ્યું, “કયો કેસ છે?”
ગોવિંદને ડૉકટરનો આ પ્રશ્ન ગમ્યો નહીં. ગોવિંદે જવાબ આપતાં કહ્યું, “સાહેબ, કોઈપણ કેસમાં હોય, આપણને શું ફેર પડે છે? અહીંયા કોઈ એવરેસ્ટ ચઢીને તો આવતો નથી. આ છોકરાને અંગ્રેજી આવડે છે એટલે લાવ્યો છું.”
હવે ગોવિંદે જે રીતે જવાબ આપ્યો તે ડૉકટરને ગમ્યો નહીં, પણ જેલમાં ગોવિંદને આદર આપવા પાછળનું કારણ ડર પણ હતો. જેલમાં જે કંઈ નિયમ બહાર ચાલતું હતું, તેની ગોવિંદને ખબર હતી. ઉપરાંત ગોવિંદનો ડર પણ હતો કે, તે ભાંડો ફોડી નાખશે. ગોવિંદ હાથનો પણ છૂટો હતો. એકવાર તેની સાથે ખરાબ ભાષામાં વાત કરનારા સિપાહીની ફેંટ પણ પકડી લીધી હતી. ડૉકટરે ટેબલ પર પડેલું એક પ્રિસ્ક્રિપ્શન ગોપાલ તરફ ધરતાં કહ્યું, “વાંચ તો…”
ગોપાલે કાગળ હાથમાં લીધો અને એક ક્ષણ વાંચીને કહ્યું, “ઍઝિથ્રોમાઇસિન.”
ગોવિંદે ડૉકટર સામે જોયું. ગોપાલે જવાબ સાચો આપ્યો હતો. ગોવિંદના ચહેરા પર આનંદ હતો. ડૉકટરે બીજો કાગળ આપ્યો.
ગોપાલે તે વાંચતાં કહ્યું, “ઓમેપ્રાઝોલ 20.”
ત્યાં હાજર રહેલા હોસ્પિટલ સ્ટાફના કેદી અને સિપાહી ગોપાલની પરીક્ષા કૌતુકથી જોઈ રહ્યા હતા. ડૉકટરે ત્યાં રહેલા સિપાહીને આદેશના સ્વરમાં કહ્યું, “ફાર્મસી બતાવી દો.”
સિપાહી તેને બાજુના રૂમમાં લઈ જતો હતો ત્યારે ડૉકટરે કહ્યું, “ધ્યાન રાખજે. મારી ચીઠ્ઠી વગર કોઈને દવા આપવાની નહીં.”
ગોપાલે નમસ્તે કરતાં કહ્યું, “જી સર.”
ગોપાલની નોકરીનો પહેલો દિવસ શરૂ થયો. જેલની હોસ્પિટલ સવારે અને સાંજે, એમ બે ટાઇમ ચાલતી હતી. ગોપાલનો પહેલો દિવસ ક્યાં પસાર થઈ ગયો, તેની ખબર જ ન પડી. જેલની હોસ્પિટલમાં ગોપાલને પહેલાં દિવસે જ સમજાઈ ગયું કે, અહીંયા બધા જ પાસે પ્રશ્ન છે. જેલમાં નોકરી કરતા ડૉકટરને પણ જેલની નોકરી કરવી ગમતી નથી. એટલે તેઓ કોઈની સાથે સારી રીતે વાત કરતા નહોતા. ગોપાલ ડૉકટર પાસેથી ચીઠ્ઠી લઈને આવતા કેદીને ચીઠ્ઠી પ્રમાણે દવા આપતો અને દવા કેવી રીતે લેવી, તે સારી રીતે સમજાવતો.
બપોરે ગોપાલ બેરેકમાં જમવા આવ્યો ત્યારે સલીમ સૂઈ રહ્યો હતો. તેણે સલીમને ધીરેથી સ્પર્શ કર્યો અને ધીમા અવાજે પૂછ્યું, “ભાઈ ઉંઘે છે?”
સલીમે પડખું ફેરવ્યું અને ગોપાલને જોતાં જ પૂછ્યું, “અરે આવી ગયો!”
ગોપાલે પૂછ્યું, “જમ્યો?”
સલીમે કહ્યું, “ના. તારી રાહ જોતો હતો ત્યાં આંખ મળી ગઈ.”
જમવાનું આવ્યું ત્યારે સલીમે પોતાની અને ગોપાલની થાળીમાં જમવાનું લઈને ઉપર ન્યૂઝપેપર ઢાંકી રાખ્યું હતું. બંને સાથે જમવા બેઠા. જમતી વખતે ગોપાલ હોસ્પિટલ, ડૉકટર અને ત્યાં આવતા દર્દી કેદીની જ વાત કરતો હતો. સલીમ દરેક વખત માત્ર “હમમ” કહીને જવાબ આપતો. ગોપાલ જેલમાં મળેલા આ કામથી ઘણો ખુશ હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








