Sunday, July 19, 2026
HomeGeneralજીવન સરળ કરવા જીંદગીને આ રીતે પુછો કે બોલ તારી નારાજગીનું કારણ...

જીવન સરળ કરવા જીંદગીને આ રીતે પુછો કે બોલ તારી નારાજગીનું કારણ તો કહે, પણ આપણે પુછતા નથી

- Advertisement -



પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): મારા ઘરની પાસે એક પાનની દુકાન છે, રોજ જમ્યા પછી પાનની દુકાને જવાની આદત છે, હું જ્યારે પણ દુકાને પહોંચુ ત્યાં એક 25-27 વર્ષનો યુવાન મને લગભગ રોજ મળે હું તેને અને તે મને ઓળખતો નથી, આમારો પરિચય પાનની દુકાને શરૂ થાય અને પાનની દુકાને જ પુરો થાય. હું જ્યારે પણ પાનની દુકાને પહોંચુ ત્યારે તે ત્યાં ઊભા રહેલા કોઈને કોઈ ગ્રાહક સાથે ચર્ચા કરતો હોય. જો કે સામાન્ય રીતે તે વકતાની ભૂમિકામાં જ હોય, ત્યાં ઊભા રહેલા અન્ય ગ્રાહકો ભાગ્યે જ તેની વાતમાં ટાપસી પુરે છે, હું પણ તે યુવાનનો શ્રોતા રહ્યો છું, બે દિવસ પહેલા પાનની દુકાને ગયો ત્યારે તે લવ જેહાદથી લઈ ધર્માંતરણ અને મસ્જીદ ઉપરના માઈક તેમજ હનુમાન ચાલીસાના મુદ્દા ઉપર અસ્ખલીત બોલી રહ્યો હતો. તેની આસપાસના શ્રોતાઓ રોજ પ્રમાણે સાંભળી રહ્યા હતા અને થોડી થોડી વારે શ્રોતાઓ બદલાઈ રહ્યા હતા. મેં લાંબા સમયથી એવો નિર્ણય કર્યો કે મારે આ પ્રકારની ચર્ચાનો હિસ્સો થવું નહીં કારણ તેનો કોઈ અર્થ સરતો નથી. પણ લાંબા સમયથી આ યુવાનને સાંભળ્યા પછી મને લાગ્યું કે મારે તેની સાથે વાત કરવી જોઈએ.

- Advertisement -


મેં તેને પુછ્યું તું જે મુદ્દા ઉપર બોલી રહ્યો છે, તે વાતમાં સત્યતા ઓછી છે, તેણે મને કહ્યું અરે હોય એકદમ સાચી વાત છે. મેં પુછ્યું કોણે કહ્યું આવું તને, જાણે કોર્ટમાં કોઈ વિધ્વાન વકિલ પુરાવા રજુ કરતા હોય તે રીતે મને કહ્યું મેં ટીવી ઉપર સાંભળ્યું હતું હું હસ્યો મેં તેને કહ્યું માધ્યમોમાં જે કંઈ આવે તે તે સો ટકા સાચુ હોતુ નથી, ક્યારેક તો એક ટકો પણ સાચું નથી હોતું, જાણે તે કોઈ મીડીિયા કંપનીનો માલિક હોય તે રીતે મને કહ્યું અરે તમે કઈ રીતે કહી શકો માધ્યમો ખોટું બોલે છે અને ખોટુ બતાડે છે? મેં કહ્યું બધા જ બધુ ખોટું બતાડે છે તેવું કહેતો નથી, પણ આપણે જેને સાચુ માનીએ છીએ તે અંગે આપણો અભ્યાસ હોતો નથી અને તે અંગે આપણે કોઈ જાત તપાસ કરતા નથી એટલે આપણી સામે જે કંઈ આવે છે તેને આપણે સાચુ માની લઈએ છીએ. તેણે મને પુછ્યું તમે શું કરો છો, મેં જવાબ આપ્યો હું પાંત્રીસ વર્ષથી પત્રકાર તરીકે કામ કરું છું, મેં મારા કાન અને આંખ ખુલ્લા રાખ્યા છે જેના કારણે મને સમાચાર પાછળની દુનિયા પણ દેખાય છે.

- Advertisement -

મેં આ યુવાન સાથે સંવાદ કરતા તેને સવાલ પુછ્યો, તું કયારેક લવજેહાદ- ક્યારેક હનુમાન ચાલીસા, તો ક્યારેક મસ્જીદ ઉપરના માઈક અંગે વાત કરે છે, તું તો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહે છે, તને આ પૈકી કયો મુદ્દો તારી જીંદગીને અસર કરે છે? તે વિચાર કરવા લાગ્યો મને કહ્યું ખરૂ આ પૈકી કોઈ મુદ્દો મારી જીંદગી સાથે સંકળાયેલો નથી. મેં તેને કહ્યું તારી જીંદગીને તને કામ મળે, જો કામ છે તો વધુ સારુ કામ મળે, તારા ઘરની સ્થિતિ વધુ સારી બને, તારા મા-બાપને સારવારની જરૂર હોય તો તેમને સારવાર મળી શકે, તને કે તારી આસપાસના લોકોને કોઈ ગુંડો પરેશાન કરે નહીં, આ મુદ્દાઓ તારી જીંદગીને સીધી રીતે સ્પર્શે છે પણ તે મુદ્દે તો વાત તો ઠીક પણ તું વિચારતો નથી. તું પેટ્રોલના સિંગતેલના અને શાકભાજીના વધતા ભાવ અંગે ચિંતા કરે અને તે અંગે બોલે તો સમજાય કે તારી જીંદગીના રોજબરોજ પ્રશ્નની વાત છે. મેં તેને કહ્યું આપણે રોજ જ આપણું મન અને આપણો સમય એવા પ્રશ્નમાં બગાડીએ છીએ કે આપણા પ્રશ્નની આપણને ખબર પડતી જ પડતી નથી.



આ યુવાની જેવી સ્થિતિ આપણા બધાની જ કંઈક અંશે છે, કારણ આપણે જવાબ માટે દોડાડોદી કરીએ છીએ પરંતુ ખરેખર આપણી સમસ્યા અને આપણા પ્રશ્નને સમજવાનો પ્રયત્ન જ કરતા નથી, જો આપણને પ્રશ્ન સમજાઈ જાય તો આપણને જવાબ અને જવાબ કઈ દિશામાં મળશે તેની ખબર પડે, તમારી આસપાસ ઘણા એવા માણસો હશે તે મને પાનની દુકાને મળેલા યુવાન જેવા છે. ખરેખર તેમને જીવન સામે કંઈક નારાજગી છે, પણ તેમની પોતાની નારાજગી કઈ બાબતની છે તેની ખબર પડતી નથી. જેના કારણે તેઓ વિવિધ પ્રશ્ન ઉપર પોતાનો ગુસ્સો ઉતારે છે. ખરેખર આપણને આપણી નારાજગી પણ સમજાય તો તેનો ઉકેલ મળી શકે છે. ઉદાહરણ રૂપે મારે ખુબ પૈસા કમાવવા છે, પણ હું અપેક્ષા પ્રમાણે પૈસા કમાઈ શકતો નથી. તેના કારણે હું ભ્રષ્ટાચાર ખુબ વધ્યો છે, કોઈની ઉપર ભરોસો થાય નહીં વગેરે વગેરે બાબતો ઉપર બોલ્યા કરૂં છું, ખરેખર હું અપેક્ષા પ્રમાણે કેમ પૈસા કમાવી શકતો નથી અને ક્યાં મારી ભુલ થાય છે તે બાબતમાં મનોમંથન કરવું જોઈએ પણ તેના બદલે હું આસપાસની સામાજીક અને રાજકીય સ્થિતિને જવાબદાર માની ગુસ્સે થયા કરું છું.

- Advertisement -

આવું આપણા ઘરમાં પણ થાય ખાસ કરી જે સ્ત્રી ગૃહિણી છે, સ્વભાવીક છે રોજ એક પ્રકારનું કામ અને એક જ પ્રકારની જીંદગીને કારણે તેને કંટાળો આવે, પણ ગૃહિણી પોતાના કંટાળાની વાત કરવાને બદલે બીજી વિવિધ બાબતોને લઈ ઘરના સભ્યો સાથે ઝઘડી બેસે છે, ખરેખર તે જે બાબતને લઈ નારાજ થાય છે તે તેની નારાજગીનું કારણ નથી, પણ ગૃહિણી પણ તે બાબતથી અજાણ છે. જો તેને પોતાની નારાજગીનું સાચુ કારણ સમજાય તો પરિવારના સભ્યો તે નારાજગી દુર કરવાનો પ્રયાસ કરશે પણ મોટા ભાગના કિસ્સ્માં ગૃહિણી પોતાના પ્રશ્નથી અજાણ હોય છે તેવી જ રીતે આપણે પણ આપણી જીંદગીની નારાજગી અને પ્રશ્નથી અજાણ છીએ આપણે દિવસમાં એકાદ સમય એવો પણ રાખવો જોઈએ જેમાં પોતાને પુછવું જોઈએ કે બોલ જીંદગી તારી નારાજગી શું છે, કદાચ આપણને આપણી નારાજગીનું કારણ મળી અને નારાજ જીંદગીને તેનો ઉત્તર મળી જાય આ એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ છે જેમાં કોઈ આપણને મદદ કરી શકે નહીં આપણે પોતાની જાતને મદદ કરી શકીએ છીએ.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular