પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): રાજકારણમાં સત્તાની લાલસા બહુ વિચિત્ર હોય છે. કોંગ્રેસની ટીકીટ ઉપર ત્રણ ટર્મથી ચુંટાનાર અશ્વીન કોટવાલ કહે છે કે તેઓ મનથી તો નરેન્દ્ર મોદીને પ્રેમ કરતા હતા. ખબર નથી પડતી કે કોટવાલ પ્રજાને છેતરે છે કે પોતાની જાતને છેતરી રહ્યા છે. કોટવાલ એવી કોઈ મજબુરીનો શીકાર બન્યા હશે જેના કારણે તેઓ જે વાત સાથે સંમત્ત નથી તે વાત તેમને જાહેરમાં કહેવી પડે છે. હાર્દિક પટેલની પણ આવી જ કઈક મજબુરી છે, 2015થી2021 સુધી હાર્દિકે ભાજપ વિરુધ્ધ અને ભાજપે હાર્દિકની સામે ભરપુર આરોપો મુક્યા, ખુદ હાર્દિક પણ જાણે છે કે તેની વિવાસ્પદ સીડીઓ કોણે જાહેર કરી હતી, પણ હવે હાર્દિકને હિન્દુત્વનો મુદ્દો સ્પર્શી ગયો તે સારી બાબત છે. કોંગ્રેસની સ્થિતિ ગરીબના બૈરા જેવી છે, જે આવે તેને મ્હેણા મારતો જાય. જેમણે પણ કોંગ્રેસ છોડી તેમણે કોઈક કારણ આગળ ધરી કોંગ્રેસ ઉપર આરોપ મુક્યા અને ભાજપમાં જતા રહ્યા. હાર્દિકની ભાજપમાં જવાની તીવ્ર ઈચ્છા હોય છતાં બીજા કરતા હાર્દિકની સ્થિતિ થોડી વિચિત્ર છે, કારણ હાર્દિકને ભાજપમાં પોખનાર કરતા કાળા વાવટા બતાડનારની સંખ્યા વધારે છે.
પ્રશ્ન એવો ઉભો થાય છે કે 2017માં ચુંટણીમાં ભાજપ સામે પ્રચાર કરનાર હાર્દિકને પાંચ વર્ષમાં કેસરીયા કરવાનો કેમ વિચાર આવ્યો, કોઈ પણ વ્યકિતની વૈચારિકતા બદલાઈ શકે છે પણ હાર્દિકના કિસ્સામાં હમણાં તેવુ લાગી રહ્યુ છે હાર્દિકને ભાજપમાં પ્રવેશ કરવા કરતા કોંગ્રેસ છોડાવવી ભાજપની પ્રાથમિકતા છે. એવુ પણ બને છે હાર્દિક પોતાના અસ્તીત્વ માટે કોંગ્રેસ છોડે અને ભાજપ તેને પ્રવેશ આપતા પહેલા થોભો અને રાહ જુવો તેવુ પણ કહે, જયારે તમારી આસપાસ ટોળુ હોય અને દેખો દેખો કોન આયા ગુજરાત કા શેર આયા તેવા નારા લાગતા હોય ત્યારે કોઈક ભુલ થવાની શક્યતા હોય છે પણ જ્યારે તમે ટોળા વગર એકલા હોવ ત્યારે તમને વાસ્તવીકતા સમજાય છે એટલુ જ નહી વાસ્તાવીકતા ડરાવે પણ છે.
હાર્દિક અત્યાર રાજદ્રોહી છે કારણ તેની ઉપર રાજદ્રોહ સહિત બે ડઝન પોલીસ ફરિયાદ છે. હવે હાર્દિકે નક્કી કરવાનું છે રાજદ્રોહી સાબીત થઈ જીંદગી જેલમાં પસાર કરવાની છે, કે રાષ્ટ્ર ભક્ત થઈ કમલમમાં ખાલી પડેલી અનેક ખુરશીઓ પૈકી એક ખુરશીમાં બેસવાનું છે. ભાજપમાં હાર્દિકના નામનો વિરોધ થઈ રહ્યો છે પરંતુ મહત્વ તે બાબતનું છે કે હાર્દિક કઈ લાઈનથી ભાજપમાં એન્ટ્રી લઈ રહ્યો છે જો અમીત શાહ અને નરેન્દ્ર મોદીની લાઈન હશે તો કોઈનો વિરોધ નોંધ લેવા લાયક પણ રહેશે નહીં. ભાજપનું જે જુથ હાર્દિકને કારણે ડરી રહ્યુ છે તેમણે ખરેખર તો ડરવાની જરૂર નથી, કારણ ભાજપ એક મોટી વખાર છે જેમાં હજારો નેતાઓને લાઈનમાં બેસાડી દેવામાં આવે છે જેમાં એક હાર્દિકનો વધારો થશે. હાર્દિકને પોતાની વફાદારી સાબીત કરવા મહેનત અને વર્ષો બંન્ને આપવા પડશે.
જે હાર્દિક કોંગ્રેસમાં કોઈને ટીકીટ અપાવી શકે તેવી સ્થિતિમાં છે તે જ હાર્દિકને જો ભાજપમાં ટીકીટ જોઈતી હશે તો કતારમાં ઉભા રહેવુ પડશે. આમ જેલના ડરથી ભાજપમાં આવી ગયેલા હાર્દિકને રોજ મરતા મરતા હસવુ પડશે તેવી સ્થિતિ નિર્માણ થશે, પણ હાર્દિક નવી અને જુની પેઢીના નેતાઓ કરતા પોતાને વધારે હોશીયાર સમજે છે એટલે તેણે પણ આ ગણતરી તો માંડી જ હશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











