Sunday, July 19, 2026
HomeGujaratGirnar Online Registration: રજિસ્ટ્રેશનથી લઈ ખાસ શું ધ્યાન રાખવું? શું છે ચિંતાનો...

Girnar Online Registration: રજિસ્ટ્રેશનથી લઈ ખાસ શું ધ્યાન રાખવું? શું છે ચિંતાનો વિષય? જાણો બધું જ

- Advertisement -

Girnar Online Registration: જૂનાગઢના ગિરનાર (Girnar) પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા વધારવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 18 જુલાઈથી ‘IN/OUT‘ ઓનલાઈન રજીસ્ટ્રેશન (Online Registration) વ્યવસ્થા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તંત્રના જણાવ્યા મુજબ યાત્રાળુઓ સ્થળ પર ઉપલબ્ધ QR કોડ (QR Code) સ્કેન કરીને સરળતાથી નોંધણી કરી શકશે. જોકે પ્રથમ દિવસે આ વ્યવસ્થાનો અમલ યોગ્ય રીતે ન થતાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા ધબડકી હતી. બાદમાં બપોરે 2 વાગ્યા પછી તંત્ર હરકતમાં આવ્યું અને ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું.

એક સ્થાનીક ગુજરાતી ન્યૂઝ દિવ્ય ભાસ્કરની ટીમે સ્થળ પર જઈને કરેલા રિયાલિટી ચેક દરમિયાન ગિરનારના પ્રથમ પગથિયા પાસે કોઈ સ્કેનર, IN/OUT વ્યવસ્થા કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી જોવા મળી નહોતી. સ્થળ પર QR કોડ પણ બપોર સુધી લગાવવામાં આવ્યા નહોતા, જેના કારણે યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

- Advertisement -

આ મુદ્દે એસડીએમ (SDM) નિકુંજ ધુડાનું કહેવું છે કે, રજીસ્ટ્રેશન કોઈ સરકારી જાહેરનામાનો ભાગ નથી, પરંતુ વહીવટી વ્યવસ્થા જાળવવા માટેનું પ્રશાસનિક પગલું છે. તેમણે જણાવ્યું કે હાલમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તમામ યાત્રાળુઓ નોંધણી કરાવીને જ ગિરનાર પર જઈ રહ્યા છે.

જે યાત્રાળુઓ પાસે સ્માર્ટફોન (Smartphone) ઉપલબ્ધ નહીં હોય અથવા ઓનલાઈન પ્રક્રિયા કરવામાં મુશ્કેલી પડતી હોય, તેમના માટે સ્થળ પર જ વન વિભાગ (Forest Department) અને વહીવટી તંત્રના કર્મચારીઓ દ્વારા વિનામૂલ્યે ઓફલાઈન રજીસ્ટ્રેશન (Offline Registration) કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

નવી વ્યવસ્થા મુજબ ગિરનારની નવી સીડી, જૂની સીડી તેમજ રોપવે (Ropeway) મારફતે જનાર તમામ યાત્રાળુઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક માન્ય ઓળખપત્ર (ID Proof) રાખવું ફરજિયાત રહેશે.

- Advertisement -

યાત્રાળુઓએ યાત્રા શરૂ કરતાં પહેલાં QR કોડ સ્કેન કરીને અથવા register.bhavnathtemple.com પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવી ‘IN’ એન્ટ્રી કરાવવાની રહેશે. દર્શન પૂર્ણ કરીને પરત ફરતી વખતે ફરજિયાત ‘OUT’ એન્ટ્રી નોંધાવવી પડશે. આ પ્રક્રિયાથી તંત્રને ગિરનાર પર હાલ કેટલા યાત્રાળુઓ હાજર છે તેની ચોક્કસ માહિતી મળી શકશે.

SDM નિકુંજ ધુડા કહે છે કે, આ ડેટાના આધારે ભવિષ્યમાં ગિરનારમાં જરૂરી સુવિધાઓનું આયોજન, યાત્રાળુઓની સંખ્યાનો અંદાજ, સુરક્ષા વ્યવસ્થા, રેલિંગ સહિતની સુવિધાઓ અને સ્ટાફની જરૂરિયાત વધુ અસરકારક રીતે નક્કી કરી શકાશે.

તાજેતરમાં ગિરનાર ખાતે સિંહના હુમલામાં બાળકના મૃત્યુ બાદ વન વિભાગ અને જિલ્લા પ્રશાસને સુરક્ષાના પગલાં વધુ કડક બનાવ્યા છે. આ અનુસંધાને 14 સપ્ટેમ્બર સુધી ગિરનાર અને દાતાર વિસ્તારને ‘સાયલન્ટ ઝોન’ (Silent Zone) જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન મોટા અવાજે જયઘોષ, સૂત્રોચ્ચાર, ડીજે (DJ), મ્યુઝિક સિસ્ટમ (Music System) અને વાજિંત્રો વગાડવા પર પ્રતિબંધ રહેશે.

- Advertisement -

19 અને 20 જુલાઈએ યોજાનારા નિર્વાણ લાડુ મહોત્સવ (Nirvan Ladu Mahotsav)ને ધ્યાનમાં રાખીને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા અને રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કુલ 445 પોલીસ કર્મચારીઓ, 20 પીઆઈ, 35 પીએસઆઈ, એલસીબી (LCB), એસઓજી (SOG)ની ચાર ટીમો અને એક એસઆરપી (SRP) કંપની તહેનાત રહેશે.

ખાસ વાત એ છે કે ગિરનાર પર્વત પર પહેલીવાર એસડીઆરએફ (SDRF)ની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે. ઉપરાંત 8 નાયબ મામલતદારોની નિમણૂક, 150 સીસીટીવી (CCTV) કેમેરા અને અંબાજી, ગૌમુખી તથા કમંડલ કુંડ ખાતે ત્રણ મેડિકલ ટીમોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

તાજેતરમાં વન મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)એ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ગિરનારમાં 25 ટ્રેકર્સની ભરતી, યાત્રાળુઓની સુરક્ષા માટે વિશેષ એસઓપી (SOP) તૈયાર કરવા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ચેક પોસ્ટ ઉભી કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular