Gujarat High Court on Power of Attorney case: ગુજરાત હાઇકોર્ટમાં લંડનમાં રહેતા એક અરજદારે અરજી કરી હતી. જે મુજબ તેમણે અને તેમના સ્વર્ગસ્થ પત્નીએ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં એક પ્રોપર્ટી ખરીદી હતી. તેમણે ભારતમાં વહીવટ કરવા માટે પ્રતિવાદી એક ઓળખીતા વ્યક્તિને જનરલ પાવર ઓફ એટર્ની આપી હતી.
વર્ષ 2010માં અરજદારના પત્નીનું લંડનમાં અવસાન થયું હતું. ત્યારબાદ, વર્ષ 2011માં આ પાવર ઓફ એટર્ની હોલ્ડરે તે પ્રોપર્ટી પોતાના પુત્ર અને પુત્રવધૂના નામે રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડ દ્વારા ટ્રાન્સફર કરી દીધી હતી. અરજદારે આ ગિફ્ટ ડીડ રદ કરવા વડોદરાની સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો, પરંતુ સિવિલ કોર્ટે વર્ષ 2019ના રોજ આ દાવો ફગાવી દીધો હતો. આ આદેશ વિરુદ્ધ અરજદારે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
મુખ્ય વ્યક્તિના અવસાન સાથે કાયદાકીય રીતે પાવર ઓફ એટર્નીનો અંત આવી જાય
અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે પત્ની કે જે મુખ્ય વ્યક્તિ હતા તેઓના અવસાન સાથે જ કાયદાકીય રીતે પાવર ઓફ એટર્નીનો અંત આવી જાય છે. વળી પાવર ઓફ એટર્નીના દસ્તાવેજમાં મિલકત ગિફ્ટ આપવાની કોઈ સત્તા આપવામાં આવી નહોતી, તેથી આ વ્યવહાર ગેરકાનૂની છે.
નાણાકીય વ્યવહારો અને લોનની પતાવટના ભાગરૂપે વાદીની સૂચનાથી ગિફ્ટ ડીડ કરી
પાવર ઓફ એટર્ની હોલ્ડર વતી રજૂઆત કરાઈ હતી કે અરજદાર સાથેના નાણાકીય વ્યવહારો અને લોનની પતાવટના ભાગરૂપે વાદીની સૂચનાથી જ આ ગિફ્ટ ડીડ કરવામાં આવ્યું હતું અને તેમને અરજદારની પત્નીના મૃત્યુની જાણ નહોતી.
પાવર ઓફ એટર્ની હોલ્ડરે સત્તાની મર્યાદા બહાર જઈને ગેરકાયદેસર કૃત્ય કર્યું
હાઈકોર્ટે નોંધ્યું હતું કે ઇન્ડિયન કોન્ટ્રેક્ટ એક્ટની કલમ 201 મુજબ, પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિનું અવસાન થતાં જ તે પાવર આપોઆપ રદ થઈ જાય છે. મૃત વ્યક્તિ વતી કોઈ એજન્ટ કામ કરી શકે નહીં. પાવર ઓફ એટર્નીના દસ્તાવેજને સંપૂર્ણ જોતાં સ્પષ્ટ થાય છે કે તેમાં મિલકત ગિફ્ટમાં આપવાની કોઈ સત્તા નહોતી. આથી પાવર ઓફ એટર્ની હોલ્ડરે પોતાની સત્તાની મર્યાદા બહાર જઈને ગેરકાયદેસર કૃત્ય કર્યું છે.
હાઇકોર્ટે રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડને રદબાતલ જાહેર કરી
અગાઉની સિવિલ કોર્ટે નાણાકીય લેવડદેવડની ધારણાઓ પર ચુકાદો આપ્યો હતો જે ભૂલભરેલો હતો, કારણ કે મુખ્ય વિવાદ ગિફ્ટ ડીડની કાયદેસરતાનો હતો. હાઈકોર્ટે અરજદારની અપીલ મંજૂર કરી છે અને વડોદરાની સિવિલ કોર્ટનો ચુકાદો રદ કર્યો છે. હાઈકોર્ટે પ્રતિવાદી પાવર ઓફ એટર્ની હોલ્ડર દ્વારા વર્ષ 2011માં કરવામાં આવેલા રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડને કાયદાની દ્રષ્ટિએ શૂન્ય અને રદબાતલ જાહેર કરી છે.








