નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ તેહરાનથી ચીન જતી મહાન એરની ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતાં જ ખળભળાટ મચી ગયો હતો. પોલીસને કોલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ફ્લાઈટમાં બોમ્બ છે. કોલ મળ્યા બાદ તરત જ ફ્લાઈટને લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કોલ સવારે 9.20 વાગ્યે આવ્યો હતો. ફ્લાઈટ નંબર W-581 તેહરાનથી ચીનના ગુઆંગઝૂ જઈ રહી હતી. સવારે લગભગ 9:30 વાગ્યે વિમાનના પાયલટોએ દિલ્હી એટીસીનો સંપર્ક કર્યો હતો અને લેન્ડિંગ માટે પરવાનગી માંગવામાં આવી હતી. આ દરમિયાન એરક્રાફ્ટ દિલ્હીના એરસ્પેસમાં લગભગ પોણા કલાક સુધી રોકાયેલું રહ્યું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્લેનને લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. હવે પ્લેનને ચીનમાં લેન્ડ કરવામાં આવશે. આ પ્લેન આગામી 2 કલાકમાં ચીનના એરપોર્ટ પર લેન્ડ થશે. ઈરાનથી ચીન જઈ રહેલા વિમાનમાં બોમ્બ હોવાના સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. ભારતીય વાયુસેનાના વિમાનો આ વિમાનનો પીછો કરી રહ્યા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓને આ ઈરાની વિમાન જ્યારે ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી.
દિલ્હી એટીસીના સૂત્રોએ જણાવ્યું કે વિમાન ઈરાનથી ચીનના ગુઆંગઝુ જઈ રહ્યું હતું. બોમ્બ અંગે મહાન એરએ દિલ્હી એરપોર્ટ એટીસીનો સંપર્ક કર્યો હતો. એરલાઇનને દિલ્હીમાં તાત્કાલિક ઉતરાણ કરવાની ધમકી મળી હતી. દિલ્હી એટીસીએ પ્લેનને જયપુર જવાનું સૂચન કર્યું પરંતુ પ્લેનના પાયલટે ના પાડી અને ભારતીય હવાઈ ક્ષેત્ર છોડી દીધું. વિમાનમાં બોમ્બ હોવાની જાણ થતાં જ ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. પંજાબ અને જોધપુર એરબેઝના બે સુખોઈ એરક્રાફ્ટને ઈરાનના આ વિમાનની પાછળ મૂકવામાં આવ્યા હતા.








