Monday, July 20, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના મેઘાણીનગરમાં ધોળા દિવસે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, વિસ્તારમાં ફફડાટ

અમદાવાદના મેઘાણીનગરમાં ધોળા દિવસે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, વિસ્તારમાં ફફડાટ

- Advertisement -

Ahmedabad Meghaninagar murder news: અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ધોળા દિવસે જાહેર માર્ગ પર યુવકની હત્યા થતા કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. મેઘાણીનગરના ગુલબર્ગ સોસાયટી બહાર કેટલાક શખ્સોએ એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ મૃતક યુવકની ઓળખ હરેશભાઈ પટણી તરીકે થઈ છે. હરેશભાઈ મેઘાણીનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરના રહેવાસી હતા. ઘટનાના દિવસે સવારે આશરે 11 વાગ્યે તેઓ પોતાના ઘરેથી નીકળ્યા હતા અને રિક્ષામાં બેસીને ગુલબર્ગ સોસાયટી નજીક સમય પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી.

- Advertisement -

સ્થાનિકોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં સામાન્ય લાગતી બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. બંને પક્ષ વચ્ચે ભારે તકરાર સર્જાયા બાદ હુમલાખોરોએ અચાનક છરીઓ કાઢી હરેશભાઈનો પીછો શરૂ કર્યો હતો. જાહેર માર્ગ પર જ હુમલાખોરોએ હરેશભાઈ પર છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા.

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા હરેશભાઈ જીવ બચાવવા માટે દોડ્યા હતા, પરંતુ વધુ પડતું લોહી વહી જતાં તેમની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. અસારવા ગુજરાતી સ્કૂલ નજીક ગુલબર્ગ સોસાયટી બહાર મુખ્ય માર્ગ પર તેઓ ઢળી પડ્યા હતા. ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો અને સગાસંબંધીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. પોતાના ભાઈની જાહેરમાં હત્યા થતાં મૃતકની બહેન સહિત પરિવારજનો ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા. પરિવારજનોએ હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની અને તાત્કાલિક ન્યાય અપાવવાની માંગ કરી હતી.

- Advertisement -

જાહેર માર્ગ પર ધોળા દિવસે બનેલી આ હત્યાની ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ અંગે પણ સવાલો ઊભા કર્યા છે. ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ મથકનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાંથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. હાલમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular