નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં સંસ્કારી નગરી તરીકે જાણીતા શહેરમાં સંસ્કારને લજવતા કિસ્સો સામે આવ્યો છે. આ વર્ષે અવાર-નવાર વિવાદમાં રહેલા વડોદરાના વિશ્વ પ્રખ્યાત ગરબામાં એક યુવતી સિગરેટના ધુમાડા કાઢી ગરબાના તાલે ઝુમતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યાં છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના વિશ્વ પ્રખ્યાત એવા યુનાઈટેડ વેના ગરબા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. યુનાઈટેડ વેમાં ચાલુ ગરબામાં યુવતી ધ્રૂમપાન કરીને ધૂમાડા કાઢતી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કલાકી ખાતે યોજાતા યુનાઈટેડ વેના ગરબામાં યુવતી સિગારેટના ધુમાડા કાઢતી હતી. તેની પાછળ ગરબા રમી રહેલા યુવાનના હાથમાં ઈ-સિગારેટ પણ જોવા મળી રહી છે.
ગરબાના સ્થળ પર હાજર અન્ય એક ખેલૈયાએ યુવતીને પાઠ ભણાવવા માટે યુવતીનો વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડયો મુકનારે જણાવ્યું હતું કે, આ યુવતી વડોદરાની જ છે, અમે તેનું નામ જાહેર કરવા માંગતા નથી, આ પ્રકારની પ્રવૃતી ગરબાના ગ્રાઉન્ડમાં ચલાવી લેવામાં ન આવે, આવી પ્રવૃતીના વિરોધમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો છે.
હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ગરબાને બદનામ કરવાનું ષડયંત્ર હોવાની પણ આશંકા લોકો દ્વારા વ્યક્ત કરાવામાં આવી રહી છે. બીજીબાજુ હિન્દુવાદી સંસ્થાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે વડોદરાના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સાદા કપડામાં ફરતી શી ટીમને સૂચના આપીશું કે રોમિયો સાથે હવે આવી યુવતીઓ સામે પણ કાર્યવાહી કરે.








