કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘આઇકોનિક ટ્રીઝ ઑફ ઇન્ડિયા’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકના લેખક એસ. નટેશ છે અને પુસ્તકમાં દેશના 75 અદ્વિતિય વૃક્ષો વિશે વાત કરવામાં આવી છે. આ પુસ્તકના એક ઉદાહરણ પરથી જ ખ્યાલ આવી શકે કે લેખકે દેશભરમાં આવાં વૃક્ષોની શોધખોળ અને તેના વિશેની માહિતી એકઠી કરવા માટે કેટલું સંશોધન કર્યું હશે. આ ઉદાહરણ છે ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલા એક વૃક્ષનું. આ વૃક્ષ જમ્મુ શહેરથી 28 કિલોમીટરના અંતરે નાનકડા ગામ સુચેતગઢના ચેકપોસ્ટ પાસે સ્થિત છે. આ જગ્યાનું નિયમન કરવાનું કાર્ય ‘બોર્ડર સિક્યૂરિટી ફોર્સ’ દ્વારા થાય છે અને એટલે તે ‘બીએસએફ ઓક્ટ્રોય બોર્ડર આઉટપોસ્ટ’ના નામે પણ ઓળખાય છે. આ જગ્યાએ હાઇ સિક્યૂરિટી પ્રવેશદ્વારમાંથી પ્રવાસી ચાલતા ચાલતા આંતરરાષ્ટ્રિય સરહદ પાસે જઈ શકે છે, આ સરહદ રેડક્લિફ લાઇનથી પણ ઓળખાય છે. એ તો સર્વવિદિત છે કે રેડક્લિફ લાઇન તે બંને દેશોના ભાગલા પાડનારા સર સિરલ રેડક્લિફ હતા. અહીંયા જે સરહદ છે તેને ઓળખવા માટે નાના પિરામિડ સાઇઝના પિલ્લર બનાવવામાં આવ્યા છે, જેના પર કાળા રંગથી પિલ્લરના નંબર લખવામાં આવ્યા છે. આવાં 918મો નંબર ધરાવતો પિલ્લર અહીં આવેલી ચેકપોસ્ટની અંદર આવ્યો છે, જેને ‘ઝીરો લાઇન’થી ઓળખી શકાય. તેની પાસે જ બીજો 919 નંબરનો પિલ્લર છે. અહીં 918 પિલ્લર પાસે એક પીપળાનું ઝાડ છે. હવે આ ઝાડના મૂળીયા સમય જતાં આસપાસ પ્રસરી રહ્યા છે અને તેનો ઘેરાવો વધી રહ્યો છે. ઘેરાવો વધતા વધતા 918 નંબરના પિલ્લરના અવશેષ જ હવે દેખાઈ રહ્યા છે. ભવિષ્યમાં સંભવત્ તે પણ નહીં દેખાય. સદનસીબે ભારતીય બોર્ડર સિક્યૂરિટી ફોર્સ અને પાકિસ્તાન રેન્જર્સે તેમની હદમાં આવેલા આ વૃક્ષને કાપ્યું નથી. બલકે 918 નંબર આ પીપળાના થડ પર લખી દેવામાં આવ્યો છે. એ રીતે જોઈએ તો સંભવત્ બે દેશો વચ્ચેની સરહદમાં આ એક માત્ર સજીવ પિલ્લર હશે. અને તે કારણે આ વૃક્ષ બંને દેશો વચ્ચે ખાસ્સું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સ્વાભાવિક છે કે લેખકે આ વિષય પર કામ કરવાનું નક્કી કર્યા પછી પણ તેમણે આ કામ પૂરું કરવા માટે વૃક્ષ જ્યાં છે ત્યાં જવાનું થયું હશે. એ રીતે જોઈએ તો પૂરા દેશના આવા અદ્વિતિય કહેવાય તેવા વૃક્ષોની એક યાદી બનાવવી અને તેના વિશે લખવું ખાસ્સું કપરું કાર્ય છે. ઉપરનું ઉદાહરણ જોતા તો લાગે છે કે લેખક આવા દરેક વૃક્ષોને શોધવામાં ખાસ્સા મથ્યા હશે અને તેની કથાવસ્તુ બહાર લાવી હશે. હવે આ વિષય પર કામ કરવાનું સૂઝવું અને તેના પર આ સ્કેલ પર કામ કરવું તે અમસ્તી ઘટના નથી. તે માટેની સંશોધકની પૃષ્ઠભૂમિ હોવી જોઈએ; તો જ તે આ કાર્યને ન્યાય આપી શકે. લેખક એસ. નટેશનું શિક્ષણ અને કાર્ય જોતા ખ્યાલ આવે કે તેઓ કેમ આ વિષય પસંદ કર્યો હશે. તેઓ લાંબા સમય સુધી દિલ્હી યુનિવર્સિટીમાં વનસ્પતિશાસ્ત્ર વિષય ભણાવતા હતા. પછી તેઓ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેક્નોલોજી સાથે જોડાયા. તેમણે કરેલું જીવવિજ્ઞાન ક્ષેત્રનું કાર્ય પોંખાયું છે અને એક છોડવાનું નામ તેમને સન્માન આપવા માટે તેમના જ નામ પરથી રાખવામાં આવ્યું છે. હાલમાં તેઓ ‘અશોક ટ્રસ્ટ ફોર રિસર્ચ ઇન ઇકોલોજી એન્ડ ધ એન્વાયર્મેન્ટ’ સાથે જોડાયેલા છે. તેમણે આ પુસ્તકમાં વૃક્ષોની તો વાત કરી જ છે, પણ તેની આસપાસ વણાયેલી કથાવસ્તુને પણ તેમણે મૂકી આપી છે, જે કારણે પણ આ પુસ્તક રસપ્રદ બન્યું છે.
આ પુસ્તકમાં ભારતના સૌથી જૂના વૃક્ષ, સૌથી એકાંતદાયી વૃક્ષ અને સૌથી ઊંચા વૃક્ષ વિશે વાત કરવામાં આવી છે. જોકે અહીં નટેશ અભ્યાસીની જેમ એક નોંધ કરવાનું ચૂકતા નથી. તેઓ લખે છે કે તેમણે અહીંયા જે કોઈ વૃક્ષો વિશે લખ્યું છે તેની માહિતીને પડકારી શકાય. જો કોઈ તેમાં વધુ સંશોધન કરે તો. કારણ કે ભારતમાં વૃક્ષોના આયુષ્ય વિશે સાચું અનુમાન લગાવવું થોડું પડકારભર્યું છે. સ્થાનિકો આ બાબતે આવા વૃક્ષો બાબતે ખાસ્સી અતિશોયક્તિ કરે છે, અને જ્યારે આ પ્રકારના વૃક્ષો ‘પવિત્ર’ શ્રેણીમાં મૂકાય ત્યારે તો વિશેષ કરીને. દહેરાદૂનના એક પીપળાના વૃક્ષની માહિતી પણ આ પુસ્તકમાં છે. પીપળાના આ છોડને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ રોપ્યું હતું. 17 ઓક્ટોબર 1929ના દિવસે તેઓ અહીં આવેલા ‘ક્રિશ્ચિયન રિટ્રીટ સેન્ટર’માં પંડિત કેશવ દેવ શાસ્ત્રીના સ્મરણાર્થે આ છોડવો રોપ્યો હતો. હવે તે વિશાળ વૃક્ષ બની ચૂક્યું છે. સ્થાનિક ભાષામાં તેને ‘બાના’ કહેવામાં આવે છે. જોકે આપણે ત્યાં અનેક ઐતિહાસિક જગ્યાઓની નોંધ સારી રીતે નથી લેવાતી, તેવું આ વૃક્ષ વિશે પણ થયું છે. સંસ્થામાં ગાંધીજીએ આ છોડવા રોપ્યું છે તેની તકતી છે, પણ તે સિવાયની કોઈ માહિતી નથી. તેથી સરકાર તેનું મહત્ત્વ સમજતી નથી અને તેનો કોઈ વિશેષ રખરખાવ પણ નથી.
એવું એક પુનાનું બસ્સો વર્ષ જૂનું વૃક્ષ છે, જેને પેશવા બાજીરાવે રોપ્યું હતું. તેરમાં અને છેલ્લા પેશવાએ અહીંયા આંબાનો છોડ રોપ્યો હતો, જે આજે વિશાળ થઈ ચૂક્યો છે. એ રીતે પોર્ટ બ્લેયરની જેલમાં એક અંજીરનું વૃક્ષ છે, જેની આસપાસ અનેક કથાવસ્તુ વણાયેલી છે. વિશેષ કરીને અંગ્રેજો દ્વારા થયેલા જુલમોની અને અહીં આપવામાં આવેલી ફાંસીઓની. એવું કહેવાય છે કે અહીંના વૃક્ષો ડાકુઓને ફાંસી આપવા માટે પણ ઉપયોગમાં લેવાતા હતા. આજે તે અંજીરના વૃક્ષ પર હજારોની સંખ્યામાં તેના ફળ લટકેલા છે. વૃક્ષોની ઝીણામાં ઝીણી માહિતી નટેશે આપી છે. તેના વૈજ્ઞાનિક નામ સુધ્ધા મૂક્યા છે. વૃક્ષ કયા કુળનું છે પણ માહિતી આપવામાં આવી છે. જોકે પુસ્તકમાં વૃક્ષોના તસવીરો નથી મૂકવામાં આવી અને તેને બદલે જે-તે વૃક્ષનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે. નટેશના હાથ નીચે અભ્યાસ કરનારા પર્યાવરણવાદી ફૈયાઝ અહમદે તે અંગે તેમને પ્રશ્ન કર્યો હતો કે કેમ વૃક્ષોની વાસ્તવિક તસવીર મૂકવામાં આવી નથી? ત્યારે નટેશે હસીને ફૈયાઝને એટલો જ જવાબ વાળ્યો કે, ‘તે તસવીર તું લઈ જજે અને એક સારી વેબસાઇટ બનાવીને તેમાં મૂકજે.’
નટેશે પર્યાવરણને સાંકળીને પણ વાત લખી છે, જે આ પુસ્તકનો મૂળ ઉદ્દેશ્ય પણ છે. તેઓ લખે છે વિકાસમાં સૌથી પહેલો ભોગ વૃક્ષો બને છે. તેમણે અભ્યાસની વિગત ટાંકતા લખ્યું છે આજના સમયમાં દસ લાખથી વધુ જીવ પ્રાણી સૃષ્ટિ પર જોખમ આવી પડ્યું છે. અને આપણે આપણા જંગલો વિશે વિચારવું જોઈએ, અને જંગલોને સતત નાશ કરીને જો આપણે વૃક્ષારોપણ જ કરતાં રહીશું તો એક જ સરીખા વૃક્ષો આપણી આસપાસ જોવા મળશે. જીવ વૈવિધ્ય નહીં રહે અને તેની ભરપાઈ કોઈ હિસાબે થઈ શકશે નહીં.
આ પુસ્તકમાં ઘણી જગ્યાએ ખોટી બાબત કોઈ વૃક્ષ વિશે પ્રસરેલી હતી, તો તેને પણ અભ્યાસ દ્વારા સાચી વિગત સામે આવે તે રીતે મૂકવામાં આવી છે. જેમ કે, લખનઉથી નજીક આવેલા બારાંબાકીમાં આવેલું એક આફ્રિકન બાઓબાદનું વૃક્ષ છે. અહીં એવી વાયકા હતી કે આ વૃક્ષ પાંચ હજાર વર્ષ જૂનું છે. પરંતુ નટેશ દ્વારા તેનું રેડિયોકાર્બન ડેટિંગ થયું જેનાથી વૃક્ષની અંદાજિત આયુનો ખ્યાલ આવી શકે. તે ડેટિંગ પછી ખ્યાલ આવ્યો કે આ વૃક્ષ 800 વર્ષ જૂનું છે. જોકે તેમ છતાં તેનું ઐતિહાસિક મૂલ્ય તો છે જ. આવી અનેક બાબતો ‘આઇકોનિક ટ્રીઝ ઑફ ઇન્ડિયા’માં છે. જેઓ પર્યાવરણપ્રેમી છે અને માહિતી સાથે રસપ્રદ વિગતો વાંચવા ટેવાયેલા છે તેમના માટે આ પુસ્તક મસ્ટ રીડ શ્રેણીમાં આવે છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796