કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘જાણીતી રિસર્ચ સંસ્થા પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા 2021માં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો. આ રિપોર્ટ અનુસાર મહામારી દરમિયાન આપણા દેશની ગરીબી વધી છે અને મધ્યમવર્ગ ઘટ્યો છે. કોઈ અભ્યાસી એના પર તર્ક કરી શકે કે આ નિષ્કર્ષ પર પહોંચવાની મેથોડોલોજી એટલે કે પદ્ધતિ શું હતી. પરંતુ આ વિષયે દેશમાં મહત્ત્વના આંકડાઓની ગેરહાજરી અને સરકારી એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા આંકડાઓની વિશ્વસનીયતા તરફ આપણું ધ્યાન જવું જોઈએ. સૌથી જોખમી બાબત એ છે કે સરકાર પોતાને અસહજ કરનારા અને નિષ્ફળતા દર્શાવનારા આંકડાઓને છુપાવે છે. સાથે એવી વિગત પણ પ્રકાશમાં આવે છે કે દેશની ડેટા સિસ્ટમ રાજકીય હસ્તક્ષેપથી બદલવામાં આવી રહી છે. પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા ભારત અને ચીનની સરખામણી કરવામાં આવી છે. 2020માં વર્લ્ડ બેન્ક અને 2021ની પ્યૂ રિસર્ચ દ્વારા એ નિષ્કર્ષ આવ્યું છે કે ભારતમાં સાડા સાત કરોડ લોકો ગરીબીની કેટેગરીમાં ઉમેરાયા છે. તે સાથે મધ્યમ વર્ગની આવક ધરાવનારા ત્રણ કરોડ 20 લાખ લોકો ઘટ્યા છે. વૈશ્વિક સંદર્ભની રીતે જોઈએ તો મહામારી દરમિયાન જેઓ ગરીબ થયા તેમાં 60 ટકા વર્ગ આપણા દેશનો હતો!’ આ આકલન પરકાલા પ્રભાકરનું છે, જેઓએ ‘નયે ભારત કી દીમક લગી શહતીરે : સંકટગ્રસ્ત ગણરાજ્ય પર આલેખ’ એ નામનું પુસ્તક હિંદી ભાષામાં લખ્યું છે. આ પુસ્તકમાં વર્તમાન ભારતની આર્થિક સ્થિતિ કેવી રીતે ડામાડોળ થઈ રહી છે; તેનું ચિત્ર આપવામાં આવ્યું છે. એક તરફ સરકાર અને તેની સાથે સંલગ્ન સૌ કોઈ – ભારત આર્થિક રીતે હરણફાળ ભરી રહ્યું છે – તેવું ચિત્ર રજૂ કરે છે. બીજી તરફ દેશ કેવી રીતે ખાઈમાં ધકેલાઈ રહ્યો છે તેવું પરકાલા પ્રભાકર (Parakala Prabhakar) જેવાં અભ્યાસીઓ દાખવે છે. જોકે હવે પરકાલા પ્રભાકર જેવાં લોકોનું કામ એ માટે પડકારભર્યું થયું છે; કારણ કે છેલ્લા ઘણાં વખતથી સરકારના આંકડાઓમાં હવે વિશ્વસનીયતા દેખાતી નથી.
ભારતની સરખામણીએ ચીનમાં ત્રણ કરોડ લોકો ગરીબીમાંથી મધ્યમવર્ગમાં સમાવિષ્ટ થયા છે. પરકાલા પ્રભાકર લખે છે કે, આપણે પોતાની જાતને પ્રશ્ન કરવો જોઈએ કે, આપણે કેમ લોકોને ગરીબીના ખાડામાં જતાં અટકાવી ન શક્યા? જે રીતે ચીને કર્યું, તે આપણે કેમ ન કરી શક્યા. તેનું કારણ પરકાલા પ્રભાકરને એમ લાગે છે કે આપણે આ બાબતે સત્યને નકારતા આવ્યા છીએ. આપણે તથ્યોને સામે રાખવામાં ગભરાઈએ છીએ. આપણી સરકાર એ દેખાડો કરે છે કે ક્યાંય કોઈ સમસ્યા નથી. આંકડાઓને છુપાવીને, તેને અલગ રીતે રજૂ કરીને, જાહેરાતોમાં પ્રચાર કરીને સરકાર લોકોને એવો વિશ્વાસ અપાવે છે કે બધું સમુસુતરું ચાલી રહ્યું છે. પરંતુ સત્ય એ છે કે સરકાર કેટલાંક આંકડાઓ હવે એકઠા કરતી નથી, જેમ વસતી ગણતરીમાં પાંચ વર્ષથી વધુ મોડું થઈ ચૂક્યું છે.
મહામારીના અગાઉ પણ સરકારે ગ્રામિણ અને શહેરી બંને વિસ્તારના નીચે જઈ રહેલા ક્રેડિટ ઓફટેક અને ઉપભોક્તાની સંખ્યાને સમજવાથી ઇનકાર કર્યો હતો. તે વખતે આર્થિક મંદીની શરૂઆત પણ ન સ્વીકારી. પછી મહામારી દરમિયાન સરકારે પ્રવાસી મજદૂરોની સંખ્યા, જમીની સ્તર સેવા આપી રહેલાં મૃત્યુ પામનારા કર્મચારીઓ અને લોકોની સંખ્યા, ખેડૂતોની આત્મહત્યા, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું બંધ થવું, બેરોજગારી અને આવક ઘટવાના કોઈ આંકડાની પરવા ન કરી. આવી અનેક ભૂલો કર્યા પછી પણ આજેય સરકાર આંકડા એકઠા કરવા બાબતે બેપરવા છે. આશ્ચર્યની વાત એ છે કે આપણી પાસે છેલ્લા વર્ષોના એ પણ આંકડા નથી કે ખેતી પર નિર્ભર રહેલાં કેટલાં લોકો આ ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયા છે. વડા પ્રધાન ખુદ એવો દાવો કરી રહ્યા હતા કે – ખેડૂતોની આવક બમણી થશે – તે બાબતે આંકડા ક્યાંય નથી. જે આંકડા ઉપલબ્ધ હતા, જેમાં સ્પષ્ટ થતું હતું કે ગ્રામિણ સંસાધનોનો ઉપયોગ ઘટ્યો છે તેને પણ સરકારે છુપાવ્યા છે. ગ્રામિણ ભારતમાં મહામારી પહેલાં પણ મજદૂરીના દર વધ્યા નથી, જેથી તે આંકડા પણ જાહેર ન કરવામાં આવ્યા.
પરકાલા પ્રભાકર વર્તમાન કેન્દ્રિય સરકારને બધી જ બાબતે ઉઘાડી પાડી રહ્યા છે. આર્થિક રીતે જ્યારે તેઓ આ બધી વિગત આપી રહ્યા છે ત્યારે એટલું જાણવું જરૂરી છે કે તેઓ વર્તમાન કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સિતારામનના જીવનસાથી છે. પરકાલા પ્રભાકરની વિશેષતા છે કે તેઓ આંકડાઓનું સટીકતાથી વિવેચન કરે છે. તેઓ અર્થશાસ્ત્રી અને ડેટા સાયન્ટિસ્ટ છે. ‘ડેટા સાયન્ટિસ્ટ’ ટર્મ હજુ પ્રચલિત નથી, પરંતુ સરકારી કે કોઈ પણ સંસ્થાનની આંકડાઓની માયાજળ આવા નિષ્ણાત સમજાવી શકે છે. તેઓ સરકારી આંકડાને બખૂબી સમજીને સરળ ભાષામાં તેનું મૂલ્યાંકન કરી શકે છે. એક ઉદાહરણ જોઈએ. 2021માં સ્વતંત્રતા દિવસના વક્તવ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક ગામડામાં વીજળી પહોંચાડવાનો શ્રેય લીધો અને તે વાતને એ રીતે રજૂ કરી કે પાછલા સિત્તેર વર્ષમાં આ કામ ન થયું. પ્રભાકર લખે છે : ‘એ સત્ય છે કે મોદી સરકારનું કામ ખૂબ સરળ હતું – જે વર્ષમાં મોદી વડાપ્રધાન બન્યા. ભારતના છ લાખ ગામડાઓમાંથી 18,500 ગામડાઓ સુધી જ વીજળી પહોંચી શકી નહોતી. તેનો અર્થ એ થયો કે 97 ટકા ગામડાઓમાં પહેલેથી જ વીજળી પહોંચી ચૂકી હતી. આ કંઈક એવું છે કે 10 હજાર કિલોમીટર રિલે-રેસમાં અંતની સો મીટર દોડનાર સ્પર્ધક પૂરા મેરાથોનનો શ્રેય પોતે જ લઈ લે.’ એ રીતે એક વધુ દાખલો પ્રભાકર આપે છે : ‘આરએસએસ-ભાજપની વસતી-નીતિના વિશ્લેષણમાં પણ એવું જોવા મળે છે. આ વિષયમાં 2019ના સ્વતંત્રતા દિવસના વડા પ્રધાનનું વક્તવ્ય અને 2021ની વિજયાદશમીમાં મોહન ભાગવતના વક્તવ્યમાં વધી રહેલી વસતી અંગે, આ બંને આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી હતી. હવે જ્યારે દેશનો ‘ટોટલ ફર્ટાલિટી રેટ’ 2.17 થયો હોય, ત્યારે વસતી વિસ્ફોટની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. આ દરે વસતી સામાન્ય વધે છે. ‘ટોટલ ફર્ટાલિટી રેટ’ એટલે કોઈ પણ મહિલાના પ્રજનન કાળ દરમિયાન જન્મતા બાળકોની સરેરાશ સંખ્યા. આ દરમાં વસતી વધવાની કોઈ શક્યતા નથી. 2.1 એ આદર્શ સ્થિતિ છે. દેશ સિત્તેર વર્ષ પછી ‘ટોટલ ફર્ટિલિટી રેટ’ના 5.9ના દરથી આદર્શ સ્થિતિએ પહોંચ્યો છે. તે જ વખતે વડા પ્રધાન અને આરએસએસ પ્રમુખને તેની ચિંતા કેમ થતી હશે?’ પ્રભાકર આ પ્રશ્નનો ઉત્તર આપતા લખે છે : ‘તેઓ વસતી વધારાથી ચિંતિત નથી. તેઓ આ સંદર્ભે મુસ્લિમ વસતી વધવા અંગે નિર્દેશ કરી રહ્યા હતા. જોકે તે પણ એક જુઠ્ઠાણું છે. આસામ, ઉત્તર પ્રદેશ, બિહાર – આ તમામ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રીઓએ અને અન્ય ભાજપી નેતાઓએ જાહેરમાં વધતા વસતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.’ પ્રભાકર પુસ્તકમાં એ સ્પષ્ટ રીતે દર્શાવી શક્યા છે કે આ ચિંતા આધારવિહીન છે અને આ ચિંતા કરવાનું એક કારણ માત્ર ‘આપણે’ અને ‘તેઓ’ની રાજનીતિ છે.
પ્રભાકરે સીએએ વિરોધી આંદોલન સંદર્ભે લખ્યું છે કે, ‘ડાબેરીઓને છોડીને, મુખ્યધારાના કોઈ પણ રાજકીય પક્ષો માર્ગ પર ઉતરીને સરકાર દ્વારા બંધારણ વિરુદ્ધ કરવામાં આવેલા આ હૂમલા સામે બોલ્યા નહીં. આ જ વાત ખેડૂત આંદોલનને લઈને પણ કહી શકાય. કાશ્મીરમાં થયેલા અન્યાય વિશે અને ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે પણ કોઈ ન બોલ્યું.’
પરકાલા પ્રભાકર મૂળે અંગ્રેજીમાં લખે છે અને તેમના લેખોનાં સંગ્રહનું આ પુસ્તક પહેલાં The Crooked Timber of New India નામે પ્રકાશિત થયું હતું. તે પછી આ પુસ્તક હિંદીમાં પ્રકાશિત થયું. આ પુસ્તકના લેખોના આંકડા એક-બે વર્ષ પૂર્વેના હોવા છતાં તે પ્રસ્તુતતા બરકરાર છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796