નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો પરેશાન બન્યા છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40°Cને પાર પહોંચી ગયું છે. હાલના આંકડા મુજબ રાજકોટ 41.9°C સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 41°C, અમદાવાદમાં 40.4°C અને અમરેલીમાં 40.3°C તાપમાન નોંધાયું છે. આગામી બે દિવસ દરમિયાન તાપમાન 40થી 42°C વચ્ચે રહેવાની શક્યતા છે અને તેમાં 2-3 ડિગ્રીનો વધારો પણ થઈ શકે છે.
તેમ છતાં, ભારતીય હવામાન વિભાગ દ્વારા રાહતના સંકેત આપવામાં આવ્યા છે. 19 અને 20 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ અથવા માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માવઠાને કારણે આગામી દિવસોમાં ગરમીથી રાહત જરૂર મળશે પરંતુ ખેડૂતો માટે આ સમય કપરો બની શકે છે. ખેડૂતોએ અગાઉથી જ માવઠાને લઈને જરૂરી તકેદારીના પગલા લઈને પાક બચાવી લેવો જોઈએ.
હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનોને કારણે ગરમી સાથે ભેજવાળું વાતાવરણ પણ અનુભવાશે, જે લોકોને વધુ અસહ્ય લાગી શકે છે.
રાજ્ય બહાર પણ પરિસ્થિતિ ગંભીર છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં તાપમાન 40થી 44°C વચ્ચે પહોંચી ગયું છે અને લૂની અસર યથાવત છે.
આગામી બે દિવસ બાદ ગુજરાતમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.








