નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતના મોટા વરાછા વિસ્તારમાં 13 એપ્રિલની સાંજે બનેલો એક ભયાનક અકસ્માત સ્થાનિકોમાં ચકચાર મચાવી ગયો છે. હરિહર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ નજીક આ ઘટના બની હતી, જેમાં બેફામ દોડતી સ્કોર્પિયો કારએ ત્રણ મહિલાઓને ટક્કર મારી હતી.
માહિતી મુજબ, અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતી 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓ હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગ રોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગઈ હતી. લગ્ન પ્રસંગ દરમિયાન કામ કરતી વખતે ત્રણેય મહિલાઓ નજીકની દુકાનેથી નાસ્તો લેવા માટે પગપાળા નીકળી હતી. તે દરમિયાન પાછળથી આવતી સ્કોર્પિયો કારએ જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટીનુબેન રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હીનાબેન અને સંગીતાબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ સ્કોર્પિયો કાર બેકાબૂ બની રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી અને બે-ત્રણ વાર પલટી મારી હતી.
ઘટના બાદ સ્થળ પર એકત્ર થયેલા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને કારચાલક 19 વર્ષીય યુવકને પકડીને માર માર્યો હતો. મૃતક ટીનુબેનના પરિવારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે. તેમના પતિનું અગાઉ અવસાન થઈ ચૂક્યું હતું અને તેઓ કેટરિંગમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ટીનુબેનને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર ખેત મજૂરી કરીને પરિવારમાં સહાય કરતો હતો, પરંતુ માતાના અચાનક અવસાનથી સંતાનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પોલીસ તપાસમાં કારચાલકની ઓળખ સરથાણા વિસ્તારની યોગેશ્વર સોસાયટીમાં રહેતા 19 વર્ષીય રોશન ચંદુભાઈ માલવિયા તરીકે થઈ છે. રોશન ઓનલાઇન કોસ્મેટિકનો વેપાર કરે છે. બેદરકારીપૂર્વક વાહન હંકારી નિર્દોષ મહિલાનું મોત નિપજાવવાના ગુનામાં ઉત્રાણ પોલીસે તેની સામે ગુનો નોંધી અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક તપાસ મુજબ, રોશન તેના મિત્રો જય જાદવ, વિવેક ગાબાણી, પ્રિત તળાવિયા અને હેત માલવિયા સાથે એક દિવસ માટે ભાડે સ્કોર્પિયો કાર લઈને ફરવા નીકળ્યો હતો. દિવસભર શહેરમાં ફર્યા બાદ સાંજે મોટા વરાછા આઉટર રિંગ રોડ પર પહોંચ્યા હતા. આ દરમિયાન રોશન બેફામ ઝડપે કાર ચલાવી રહ્યો હતો, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રોશનને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે તેના અન્ય ચાર મિત્રોનો આબાદ બચાવ થયો હતો.








