નેહરુની જન્મજયંતિ-સરદારની દોઢસોમી જન્મજયંતિ
કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): “બાપુ જીવતા હતા ત્યારે આપણે બંનેએ એમને મળીને આપણને મૂંઝવી રહેલી વિવિધ બાબતોની ચર્ચા કરવાની આશા રાખેલી. આપણો પત્રવ્યવહાર તમને યાદ હશે. મારા છેલ્લા પત્રમાં મેં એવી આશા વ્યક્ત કરેલી કે અભિપ્રાય અને સ્વભાવના કેટલાક તફાવતો હોવા છતાં આપણે આટલો વખત જે રીતે કામ કર્યું છે તે રીતે કરવાનું ચાલુ રાખવું. મને આનંદ થાય છે કે બાપુનો છેલ્લો અભિપ્રાય પણ એ જ હતો. હવે તો, બાપુના અવસાનથી, બધું જ બદલાઈ ગયું છે અને આપણે એક જુદી અને વધુ મુશ્કેલ દુનિયાનો સામનો કરવાનો છે. જેની તકરારોનો હવે બહુ અર્થ રહ્યો નથી અને મને લાગે છે કે આ ક્ષણની તાકીદની જરૂરિયાત આપણે સૌએ બને તેટલી એકતાથી અને બને તેટલા સહકારથી કામ કરવાની છે. ખરેખર, બીજો કોઈ રસ્તો છે જ નહીં.” 3 ફેબ્રુઆરી 1948ના રોજ એટલે કે ગાંધી (Mahatma Gandhi) હત્યાના ત્રણ દિવસ પછી આ પત્ર જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) દ્વારા સરદાર પટેલને (Sardar Patel) લખાયો છે. પત્રની આ શરૂઆત છે અને તે પછી પણ નેહરુ જે રીતે સરદારને આગળ લખી રહ્યા છે તે પરથી ખ્યાલ આવે કે વિચારની રીતે બંને આગેવાનોમાં ભેદ હોવા છતાં તેઓ ખુલ્લા દિલથી એકબીજા સાથે સંવાદ કરી શકતા હતા. ગાંધીજીની હત્યા પછી આ બંને આગેવાનોના સંબંધોનું અંતર કેવી રીતે દૂર થયું હતું તે આ પત્રવ્યવહારમાં દૃશ્યમાન થાય છે. સરદાર-નેહુરના આ સંબંધોની ચર્ચા અવિરત ચાલતી આવે છે અને અહીં આ ચર્ચા કરવાનો ઉપક્રમ એ છે કે આવતી કાલે નેહરુની જન્મજયંતિ છે, ઉપરાંત આ વર્ષ સરદારની દોઢસોમી જન્મજયંતિ તરીકે ઊજવાઈ રહ્યું છે.
આગળ આ પત્રમાં નેહરુ સરદારને લખે છે : “આપણી વચ્ચે જે કંઈ મતભેદો હોય તેને પહાડ જેવડા મોટા કરી બતાવનારી જે અનેક ગુપસુપ અને અફવાઓ તમારે ને મારે વિશે સતત ચાલતી રહે છે તેથી મને પારાવાર દુઃખ થયું છે. આ વસ્તુ વિદેશી રાજદૂતતો અને વિદેશી એલચીઓ સુધી પહોંચી છે, દુષ્ટ લોકો આનો લાભ લઈ એમાં ગાંઠનું ઉમેરે છે. નોકરિયાતો ઉપર પણ એની અસર થઈ છે અને એ ખરાબ છે. આપણે આ દુષ્ટ કાર્યનો અંત આણી દેવો જોઈએ. આપણે પચીસ વર્ષ કરતાં વધુ સમયથી એકબીજા સાથે સંકળાયેલા છીએ અને ઘણાંયે તોફાનો અને જોખમોનો આપણે સાથે મળીને સામનો કર્યો છે. મારે પૂરેપૂરી પ્રામાણિકતાપૂર્વક કહેવું છે કે આ સમય દરમિયાન તમારે માટેના સ્નેહ અને માનમાં વધારો થયો છે, અને એને ઘટાડે એવું કંઈ પણ બની શકે એમ હું માનતો નથી. આપણા મતભેદોએ પણ આપણી વચ્ચેની સંમતિના ઘણા વધારે મોટા મુદ્દા બહાર આણ્યા છે અને આપણે પરસ્પર જે માન ધરાવીએ છીએ તે પણ બહાર આણ્યું છે. આપણે અસંમતિ વિશે સંમત થતાં અને તેમ છતાં સાથે કામ કરતાં શીખ્યા છીએ.” એકબીજા પ્રત્યેની અસંમતિ છતાં આદર આજે તો ભાગ્યે જ જોવા મળે. તે વખતે પણ નેહરુ ટાંકે છે તેમ તેમના વચ્ચેના મતભેદનો લાભ દુષ્ટ લોકો લેતા હતા. આ બંને નેતાઓએ જીવનમાં પોતાના શરીર પાસેથી અમર્યાદ રીતે કામ લીધું હતું અને તેઓ અતિવ્યસ્ત રહ્યા હતા. આ સંજોગોમાં આ બંને આગેવાનોને કેટલાંક ભેદ છતાં તેમને સમય વેડફવાનું પાલવે તેમ નહોતું. આ પત્ર વાંચીને તો થાય કે તેઓ કેટલાં ખુલ્લા દિલે એકબીજા સાથે અસંમતિ દર્શાવી શકતા હતા.
નેહરુના શબ્દો આગળ પત્રમાં આ છે : “બાપુના અવસાન પછી આપણે જે કટોકટીનો સામનો કરવાનો છે તેમાં મને લાગ છે કે આપણે મિત્રો અને સાથીદારો તરીકે સાથે મળીને એનો સામનો કરવો એ મારી પણ ફરજ છે, અને એ કહેવાની ધૃષ્ટતા કરું તો, તમારી પણ ફરજ છે. ફક્ત ઉપર ઉપરથી નહીં પણ એકબીજા પ્રત્યે વફાદારીથી અને એકબીજામાં શ્રદ્ધાપૂર્વક. મારી તરફથી તમને જે મળશે જ એની હું તમને ખાતરી આપું છું. મને કશી શંકા કે મુશ્કેલી હશે તો હું ખુલ્લા દિલે તે તમારી સમક્ષ મૂકીશ અને હું આશા રાખું છું કે તમે પણ એમ જ કરશો.” બંનેને નહીં મળતાં સમય અંગે નેહરુ પત્રમાં આખરે લખે છે : “મેં તમારી સાથે લંબાણથી વાત કરવાની આશા રાખી હતી. પણ આપણને સમયની એટલી બધી મારામારી છે કે આપણે એકબીજાને લાંબો સમય ખાનગીમાં મળી પણ ભાગ્યે જ શકીએ છીએ. હું આશા રાખું છું કે વહેલાં જ, આપણે આ વાત કરી શકીશું અને જે કંઈ ગેરસમજ કે ભ્રમ ઊભાં થયાં હોય તે દૂર કરી શકીશું. …હું એ વાતચીત માટે રાહ જોવા ઇચ્છતો નથી અને એટલે આ પત્ર લખું છું. તમારી પ્રત્યેનાં મારાં સ્નેહ અને મૈત્રી પણ પત્ર એની સાથે લાવે છે.”
આ પત્રનો જવાબ સરદાર પણ નેહરુ જેટલાં જ ઉમળકાભેર આપે છે. 5 ફેબ્રુઆરીના રોજના પત્રમાં સરદાર પટેલ નેહરુને લખે છે : “તમારા 3જી ફેબ્રુઆરીના પત્રની સ્નેહની લાગણી અને ઉષ્માથી હું દ્રવિત થઈ ગયો, ખેરખર અભિભૂત થઈ ગયો. તમે આટલી બધી લાગણીપૂર્વક જે ભાવનાઓ વ્યક્ત કરી છે તેને હું સંપૂર્ણપણે અતઃકરણપૂર્વક પ્રતિધ્વનિત કરું છું. આપણે બંને એક સહિયારા ધ્યેય માટે જીવનભરના સાથીદારો રહ્યા છીએ. આપણા દેશનાં સર્વોપરી હિતો અને પરસ્પરના પ્રેમ અને માન જે કોઈ વિચારભેદ અને સ્વભાવભેદ હતા તેનાથી પર જઈ આપણને ભેગા રાખી શક્યા છે. આપણે બંને પોતપોતાનાં દૃષ્ટિબિંદુઓને અને કામ કરવાની પદ્ધતિઓને ચુસ્તપણે વળગી રહ્યા છીએ, છતાં આપણે હંમેશાં હૃદયની એકતા જાળવી શક્યા છીએ, અને એ એકતા ઘણા બોજાઓ અને પ્રહારો સામે ટકી રહી છે અને કૉંગ્રેસ તથા સરકારની અંદર સંયુક્ત કામ કરવા એણે આપણને શક્તિમાન બનાવ્યા છે.”
આપણા આગેવાનોએ અરસપરસ લખેલા આ પત્રો એવાં છે કે તે પ્રજાને સરળતાથી સુલભ થવા જોઈએ, પણ તેમ થતું નથી અને ઇતિહાસનું એક પાસું સાવ અજાણ રહે છે. આ પત્રો મૂળે તો અંગ્રેજીમાં દુર્ગાદાસ દ્વારા ‘સરદાર પટેલ્સ કોરસ્પોન્ડ્સ’ના દસ ગ્રંથોમાં સંપાદિત થયા છે. તેમાંથી કેટલાંક પત્રો સરદાર પટેલના અંગત સચિવ વી. શંકરે પસંદ કર્યા છે, જે પસંદગીના પત્રો બે ભાગમાં પ્રકાશિત થયા છે. આ બે ભાગનું ગુજરાતીમાં ‘સરદાર પટેલ : પસંદ કરેલો પત્રવ્યવહાર’ નામે પ્રકાશિત થયો છે. આ તમામ પત્રવ્યવહાર નવજીવન દ્વારા પ્રકાશિત થયા છે. આગળ આ પત્રમાં સરદાર નેહરુને લખે છે : “બાપુના મૃત્યુ પહેલાં તરત જ એક કલાકથી વધુ સમય સુધી એમની સાથે વાત કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું હતું. એમણે તમારી અને એમની વચ્ચે થયેલી વાત અને લૉર્ડ માઉન્ટબૅટન સાથે થયેલી વાત મને જણાવી હતી. એમણે આપણને બંનેને બીજે દિવસે મળવાનું પણ ગોઠવ્યું હતું. એમનો અભિપ્રાય પણ આપણને બંનેને બાંધે છે અને હું તમને ખાતરી આપું છું કે હું મારી જવાબદારીઓ અને ફરજો પ્રત્યે આ જ ભાવનાથી જોવા કૃતનિશ્ચય છું. ….આપણે એકવાર લંબાણથી વાત કરી આપણા મનમાં જે કોઈ શંકા કે મુશ્કેલીઓ હોય તે કાઢી નાખવા માટે પણ વહેલા તકે સમય કાઢવો જોઈએ. આપણા મતભેદો જાહેરમાં કે ખાનગીમાં ગવાયા જ કરે તે આપણે માટે ખરાબ છે, સરકારી નોકરિયાતો માટે ખરાબ છે અને દેશ માટે પણ ખરાબ છે. જેટલા વહેલા આપણે આ વાતને નિર્મૂળ કરી નાખીએ અને ધૂંધળા વાતાવરણને સ્વચ્છ કરી નાખીએ એટલું વધારે સારું.”
ઘણી વાર એવું થાય છે કે આપણો દૃષ્ટિકોણ કે સંકુચિતતા તે આપણા આગેવાનોમાં રોપી દઈને – તેઓ આ રીતે વિચારતા હશે – તેમ આપણે માનીએ છીએ. પણ તે ધારણાથી જોજનું દૂર આગેવાનો જીવતાં અને વિચારતા હોય છે. સરદાર-નેહરુના પત્રો વાંચીને પણ આ ખ્યાલ આવે છે કે આજે આ બંને નેતાઓને જે રીતે આમનેસામને મૂકીને ચર્ચા થાય છે, તે આ પત્રો વાંચીએ તો સાવ ક્ષુલ્લક લાગશે. તેમાં એમ કહેવાનો મતલબ નથી કે આ બંને નેતાઓએ કોઈ જ અરસપરસના ભેદ વિના કામ કર્યું. તેમના વચ્ચે વિચાર અને સ્વભાવ ભેદ તો હતા, તે તો પોતે જ સ્વીકારે છે, પણ તે ભેદને બાજુએ મૂકીને દેશ માટે કેવી રીતે કામ કરવું તે પણ સારી પેઠે તેઓ જાણતા હતા.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796