Friday, April 17, 2026
HomeGujaratAhmedabadચાંદખેડામાં ભાઈ-બહેન સામ-સામે: કોંગ્રેસની રાજશ્રી કેસરી સામે ભાજપના યશ જાદવ, ચૂંટણી બની...

ચાંદખેડામાં ભાઈ-બહેન સામ-સામે: કોંગ્રેસની રાજશ્રી કેસરી સામે ભાજપના યશ જાદવ, ચૂંટણી બની પરિવારની ટક્કર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે ચાંદખેડા વોર્ડ સૌથી ચર્ચાસ્પદ બની ગયો છે, જ્યાં રાજકારણ હવે પરિવારની અંદરની ટક્કર સુધી પહોંચી ગયું છે. કોંગ્રેસે પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને ફરી ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ભાજપે તેમના જ કૌટુંબિક ભાઈ યશ જાદવને મેદાનમાં ઉતાર્યા છે.

આ રીતે એક જ પરિવારના ભાઈ-બહેન હવે એકબીજાના સામે ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે ચાંદખેડાની ચૂંટણી રાજકીય કરતાં વધુ પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે.

- Advertisement -

રાજશ્રી કેસરી અગાઉ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન વિસ્તારમાં કરેલા વિકાસના કામોને આધારે મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની સાથે કોંગ્રેસની સંપૂર્ણ પેનલ પણ સક્રિય રીતે પ્રચારમાં લાગી ગઈ છે.

બીજી તરફ, યશ જાદવ નવા ચહેરા તરીકે પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપ તરફથી તેમને મજબૂત ઉમેદવાર તરીકે આગળ ધપાવવામાં આવ્યા છે. તેઓ વિકાસના મુદ્દા પર પ્રચાર કરી રહ્યા છે અને ચાંદખેડાને “મોડલ વિસ્તાર” બનાવવાનો દાવો કરી રહ્યા છે.

યશ જાદવે જણાવ્યું કે સમાજ સેવા અને વિકાસ માટે રાજકારણ કરવામાં આવે છે, જ્યાં સંબંધો વચ્ચે આવતા નથી. તેમણે દાવો કર્યો કે ભાજપે વિસ્તારમાં રોડ, શાળાઓ અને અન્ય સુવિધાઓમાં મોટા પાયે વિકાસ કર્યો છે.

- Advertisement -

તેના જવાબમાં રાજશ્રી કેસરીએ સ્પષ્ટ કહ્યું કે તેમના માટે યશ જાદવ ભાઈ નહીં પરંતુ ભાજપના ઉમેદવાર છે. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા 10 વર્ષથી પાણી, ગટર, આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓ માટે સતત કામ કરી રહ્યા છે અને મતદારો તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે.

ચૂંટણી નજીક આવતાં બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રત્યારોપનો માહોલ પણ તેજ બન્યો છે. ચાંદખેડા વોર્ડમાં હવે રાજકીય લડત સાથે પારિવારિક ટક્કરનું રસપ્રદ સમીકરણ જોવા મળી રહ્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular