Friday, April 17, 2026
HomeGujaratAhmedabadઆસારામ આશ્રમ જમીન કેસમાં હાઇકોર્ટનો મોટો નિર્ણય: સરકારને જમીન પરત મળશે, 50,000...

આસારામ આશ્રમ જમીન કેસમાં હાઇકોર્ટનો મોટો નિર્ણય: સરકારને જમીન પરત મળશે, 50,000 ચો.મી. જમીનનો મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં મોટેરા વિસ્તારમાં આવેલ આસારામ આશ્રમ અંગે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમ દ્વારા કરવામાં આવેલી અપીલ નકારી કાઢતા હવે આશ્રમ તોડવાનો માર્ગ મોકળો થયો છે.

આ પહેલા જિલ્લા કલેક્ટરે આશ્રમને આપવામાં આવેલી જમીન પાછી લેવા આદેશ કર્યો હતો. આદેશમાં નોંધાયું હતું કે આશ્રમે સરકાર દ્વારા મૂકાયેલી શરતોનો ભંગ કર્યો છે. આ નિર્ણયને આશ્રમે હાઇકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સિંગલ જજે કલેક્ટરના આદેશને માન્ય રાખ્યો હતો. ત્યારબાદ આશ્રમે ડબલ બેંચમાં અપીલ કરી હતી, જેને હવે ફગાવી દેવામાં આવી છે.

- Advertisement -

કોર્ટએ પોતાના નિર્ણયમાં નોંધ્યું કે આશ્રમે વારંવાર નિયમોનો ભંગ કર્યો છે અને નદીની જમીન પર પણ કબજો કર્યો છે. આવી જમીનનું રેગ્યુલરાઇઝેશન શક્ય નથી.

આશ્રમે કોર્ટમાં દલીલ કરી હતી કે તેઓ છેલ્લા 45 વર્ષથી આ જમીન પર કબજો ધરાવે છે, પરંતુ કોર્ટએ સ્પષ્ટ જણાવ્યું કે જમીન ખાલી કરવી પડશે. કોર્ટએ સ્ટે આપવા માટે પણ શરત મૂકી કે પહેલા જમીન ખાલી કરવામાં આવે.

સરકારી વકીલ તરફથી બાહેંધરી આપવામાં આવી છે કે લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ નવી નોટિસ આપવામાં આવશે. આ નોટિસ મુજબ આશ્રમને નિર્ધારિત સમયમાં જમીન ખાલી કરવાની રહેશે, નહીંતર સત્તાધિકારીઓ દ્વારા તોડફોડની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

માહિતી મુજબ, આશ્રમ લગભગ ₹500 કરોડની કિંમતી જમીન પર આવેલો છે અને તેમાં આશરે 32 ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ પણ અગાઉ આ બાંધકામોને લઈને નોટિસ આપી હતી અને ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી હતી.

ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આ વિસ્તાર હોવાને કારણે ભવિષ્યમાં અહીં મોટા સ્પોર્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પ્રોજેક્ટ્સ માટે જગ્યા ખાલી કરાવવાની પ્રક્રિયા ઝડપી બનવાની શક્યતા છે.

હવે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં, કોઈપણ સમયે આસારામ આશ્રમ સામે તોડફોડની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular