નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતના મોટા વરાછા વિસ્તારમાં થયેલા પ્રસાદીના લાડુમાં ઝેર ભેળવવાના કેસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી પડોશી મહિલાના પુત્રએ પીડિત પરિવારના વિદેશમાં અભ્યાસ કરતા યુવાનને ફોન કરીને ધમકાવ્યાનો ખુલાસો થયો છે.
આ કેસમાં આરોપી ઉષાબેન નાકરાણીના પુત્રએ પીડિત કિરણબેન ડોંડાના જર્મનીમાં અભ્યાસ કરતા દીકરાને ફોન કરીને કહ્યું હતું કે, “લાડુમાં તો માત્ર ઘેનની ટીકડી નાખી હતી, જો બીજી ટીકડી નાખી હોત તો કાયદેસર બધું પૂરું થઈ જાત.”
આ વાતચીતમાં તેણે વધુમાં સમજાવવાનો પ્રયાસ કર્યો કે મામલો અંદરોઅંદર સમાધાનથી પૂરો કરવો જોઈએ. ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે, “અમે જો ખરેખર કંઈક કરવું હોત તો આવી દવા ના હોત.”
બાબત એવી હતી કે, મૂળ ભાવનગર જિલ્લાના રહેવાસી 70 વર્ષીય ગોરધનભાઈ ડોંડા સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહે છે. 10 એપ્રિલે તેઓ તેમના ફ્લેટના દરવાજા પાસે મુકાયેલા પ્રસાદી સમજીને લાડુ ખાધા હતા. તેમની પુત્રવધૂ કિરણબેને પણ લાડુનો ભાગ લીધો હતો.
થોડી જ વારમાં ગોરધનભાઈને ચક્કર આવી બેભાન થઈ ગયા હતા, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ કિરણબેનને પણ ઝેરી અસર થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે પડોશમાં રહેતી ઉષાબેન નાકરાણી તેમની દીકરીના પ્રેમલગ્નને લઈને ડોંડા પરિવાર પ્રત્યે અદાવત રાખતી હતી. આ કારણે તેણે લાડુમાં ઊંઘની ગોળીઓ ભેળવી પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવમાં પોલીસે ઉષાબેન નાકરાણીની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલુ છે. હવે તેમના પુત્ર દ્વારા આપવામાં આવેલી ધમકીઓથી કેસ વધુ ગંભીર બની ગયો છે.








